click here to go to advertiser's link
Visitors :  
26-Aug-2025, Tuesday
Home -> Bhuj -> Bhuj Spcl Court rejects regular bail apllication of Samkhiyali PHC Landgrabber
Friday, 01-Dec-2023 - Bhuj 45431 views
સામખિયાળી PHCમાં તોડફોડ કરી દબાણ કરનારા કહેવાતા આગેવાનને જામીનનો ઈન્કાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સામખિયાળીમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મિલકતમાં તોડફોડ કરી પાકું દબાણ ખડું કરીને લેન્ડગ્રેબિંગ કરવાના ગુનામાં પકડાયેલાં અને પોતાને આગેવાન ગણાવતા રાજેશ હરધોર મણકાને ખાસ કૉર્ટે નિયમિત જામીન આપવા ઈન્કાર કરી દીધો છે. ૧૦-૧૧-૨૦૨૩ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રાજેશ મણકા સામે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી. આ ગુનામાં ૧૧-૧૧-૨૦૨૩થી આરોપી જ્યુ. કસ્ટડીમાં છે.

મણકાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કંપાઉન્ડ વૉલ તોડી પીએમ રૂમ, પાણીના ટાંકા, ગેટ, બગીચો વગેરેમાં તોડફોડ કરી ચાર દુકાનોનું બાંધકામ કરીને પાછળની બાજુ ફાઉન્ડેશન બનાવીને સરકારી જમીન પર ગેરકાયદે પેશકદમી જાળવી રાખી હોવાનું ફરિયાદમાં નોંધાવાયું હતું.

આરોપીએ આરોગ્ય કેન્દ્રની ૮૪૩ ચોરસ મીટર જમીન પૈકી ૫૬૧ ચોરસ મીટર જમીન પર પેશકદમી કરી હોવાનું સરકારી તપાસણીમાં સ્પષ્ટ થયું હતું.

વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર કે.સી. ગોસ્વામીએ આરોપી સામે ૨૦૧૯, ૨૦૨૨ અને ૨૦૨૩માં દાખલ થયેલી ચાર જેટલી વિવિધ ફોજદારી ફરિયાદને ટાંકીને તે ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું જણાવી જામીન અરજી ફગાવી દેવા રજૂઆત કરી હતી. બચાવ પક્ષે જમીન તેમની માલિકીનું હોવાના દસ્તાવેજ રજૂ કરી, હાઈકૉર્ટ અને સ્થાનિક કૉર્ટે આપેલા સ્ટે વગેરેના મુદ્દા ટાંકી જામીન આપવા રજૂઆત કરી હતી.

આઠમા અધિક સેશન્સ જજ એસ.એમ. કાનાબારે રજૂ થયેલાં દસ્તાવેજો ઝીણવટપૂર્વક તપાસી જણાવ્યું હતું કે અરજદાર તરફે  આકારણી નંબર ૫/૯૪વાળી જમીન બાબતે રજીસ્ટર્ડ સેલ ડીડ રજૂ થયેલ છે. તે મુજબ આકારણી નંબર ૫/૯૪વાળી જમીન તા. ૧૩-૧૨-૨૦૦૦ના રોજ કોલી ભીખા રાયધણ પાસેથી પ્રકાશકુમાર અરવિંદ ઠક્કર અને અન્યને વેચાણ કરેલ હોવાની હકીકત જણાય છે. જેમાં તે જમીનનું કુલ ક્ષેત્રફળ ૧૮૩.૦૫ ચો.મી. દર્શાવેલ છે. ત્યારબાદ પ્રકાશકુમાર ઠક્કર અને અન્ય તરફથી ૨૮-૧૧-૨૦૨૨ના રોજ વેચાણ દસ્તાવેજથી તે જમીન અરજદાર/ આરોપીને વેચાણ કરવામાં આવેલી જેમાં તેનું ક્ષેત્રફળ ૧૮૩.૦૫ ચો.મી. દર્શાવવામાં આવ્યું છે.

ત્યારબાદ ૦૬-૦૧-૨૦૨૩ના રોજ આરોપીએ તેના પુત્ર હરેશ મણકાને આ મિલકત વેચાણ કરેલી જેમાં ક્ષેત્રફળ ૧૮૩.૦૫ ચો.મી.ના બદલે ૪૯૦.૭૦ ચો.મી. દર્શાવવામાં આવેલું. આ દસ્તાવેજોને ધ્યાને લેતાં તેમાં ચતુર્દિશામાં દર્શાવવામાં આવેલ અન્ય મિલકતોની જમીનોમાં પણ ફેરફાર હોવાની હકીકત જણાઈ આવે છે.

આ સંજોગમાં આકારણી નંબર ૫/૯૪ રાજેશ મણકાએ ખરીદી ત્યારબાદ પુત્રના નામે ફરી વેચાણ દસ્તાવેજ બનાવ્યો તેમાં ચોરસ મીટરના ક્ષેત્રફળ જે જણાવાયા છે તેનાથી વધુ ક્ષેત્રફળ જણાવાયું છે, તેને ધ્યાને લેતાં અન્ય જમીન ઉપર આરોપીએ ગેરકાયદેસર અને બિનઅધિકૃત કબજો દબાણ કરેલું હોવાનું પ્રથમદર્શનીય રીતે જણાઈ આવે છે.

અરજદારે ભચાઉ સિવિલ કૉર્ટમાં દાખલ કરેલા દિવાની દાવા અંતર્ગત મનાઈ હુકમ મેળવેલો. આ મનાઈ હુકમ ૫/૯૪વાળી મિલકત બાબતે અપાયેલો, જ્યાં આરોગ્ય કેન્દ્ર બન્યું છે તે ૫/૯૬ બાબતે સ્ટે નથી.

સીટી સરવેએ કરેલી માપણી ધ્યાને લેતાં આકારણી નંબર ૫/૯૬ની મિલકતમાં દબાણ કરવામાં આવેલ હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.

આ અંગે રજૂ થયેલ નોટીસ, કલેક્ટર દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ અન્વયે રચવામાં આવેલી સમિતિનો રીપોર્ટ તેમજ રજૂ થયેલા ફોટોગ્રાફને ધ્યાને લેતાં આરોપીએ સરકારી જમીનમાં દબાણ કર્યું હોવાનું પ્રથમદર્શનીય રીતે જણાઈ આવે છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. સરકારી મિલકતમાં ગેરકાયદે બળજબરીપૂર્વક બાંધકામ કર્યું હોવાનું જણાઈ આવે છે. ગુનાની તપાસ નાજૂક તબક્કે છે. આરોપીને જામીન પર છોડાય તો ફરિયાદ પક્ષના સાક્ષીઓને નુકસાન પહોંચાડે તેવી શક્યતા નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

Share it on
   

Recent News  
‘SOG પોલીસને કેમ બાતમી આપે છે?’ ચિયાસરના બે વૃધ્ધ ભાઈની હત્યા કરવા થયો પ્રયાસ
 
ટ્રમ્પ ટેરિફ વચ્ચે મુંદરાની જિન્દાલમાંથી ૬૦૦ કામદારોને રાતોરાત છૂટાં કરી દેવાયાં
 
ભુજના યુવકે અમદાવાદના ફિલ્મ પ્રોડ્યુસરને ફોન કરી ગોળી મારી પતાવી દેવાની ધમકી આપી