Visitors :  
02-Dec-2024, Monday
Home -> About

About Us


ચાર વર્ષ અગાઉ 22 ડિસેમ્બર 2016નાં રોજ જ્યારે માત્ર કચ્છને જ કેન્દ્રમાં રાખીને મહત્વના સમાચારો આપવાની નેમ સાથે કચ્છખબરડૉટકોમ શરૂ કર્યું ત્યારે કશુંક નવું કરવાની ધૂન સાથે મનના એક ખૂણે એ થડકારો પણ હતો કે ક્યાંક બાળમરણ તો નહીં થાય ને? ગળાકાપ સ્પર્ધા વચ્ચે મિડીયા ક્ષેત્રમાં ટકી રહેવું તે જ એક મોટી સિધ્ધિ ગણાય છે. ભલભલા મોટા જૂથના અખબારો કે ટીવી ચેનલોની નબળી આર્થિક હાલત વચ્ચે કશી જ આર્થિક મદદ વગર સ્વતંત્ર પત્રકારત્વ કરવું તે ખરેખર ખડગની ધાર પર ચાલવા જેવું છે. મનના એક ખૂણે ન્યૂઝ વેબપોર્ટલની સફળતા અંગે આશંકા હતી. આજે 3 કરોડ હિટ્સ અને 4 વર્ષની મજલના માઈલસ્ટોનને ટેકે સ્હેજ અવલોકન કરતાં નિખાલસતાથી કહું તો આવું સાહસ ખૂબ અઘરું હોય છે. પણ કહ્યું છે ને કે ‘સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.. ‘ 3 કરોડ હિટનો આંકડો એ સિધ્ધિ છે, વાચકોનો પ્રેમ છે, જાણે-અજાણ્યે અમારી વિશ્વસનીયતા, સત્યતા પર મૂકેલાં ભરોસાનું પ્રતીક છે. વૉટસએપ પર બે-ચાર લીટી ઘસીને બે વાયરલ ફોટો, વિડિયો કે પ્રેસનોટ પર સંસ્થાનું સિમ્બોલ લગાડી ફરતું કરવું તે ઓનલાઈન જર્નાલિઝમ નથી. ફટાફટ મસાલેદાર ન્યૂઝ પીરસી વાયરલ થવાની વૃત્તિને ત્યજી ન્યૂઝની પાછળ રહેલાં અકથ્ય તથ્યોને નાણી-માપીને, માહિતીનું 180 ડિગ્રીએ અર્થઘટન કરી, પૂરતી ખરાઈ કરીને સમાચાર આપવા સદૈવ પ્રયાસ કર્યો છે. જરૂર પડ્યે ઉપસંહાર જેવા સમાચારના બદલે પૂરતી વિગતો પ્રસ્તુત કરી મુદ્દા પર પૂરતો પ્રકાશ પણ ફેંક્યો છે. અમારી મહેનત અને ચીવટનું પરિણામ અમને એ મળ્યું છે કે આજે વાચકો કચ્છખબરમાં પોસ્ટ થયેલાં ન્યૂઝ અને લિન્કને બિન્ધાસ્ત રીતે શૅર કરે છે. ચોથી વર્ષગાંઠે 3 કરોડ હિટ્સ એ લોકપ્રિયતાની પારાશીશી છે. અમારી નિષ્ઠા અને મહેનતને ધ્યાને રાખી અમને એડવર્ટાઈઝરૂપી ઓક્સિજન આપતાં સહુનો અમે ખરા હૃદયથી આભાર માનીએ છીએ. જે મિત્રો કચ્છખબરના ન્યૂઝ તાજા સમાચાર મેળવવા ઈચ્છતાં હોય તેઓ અમને અમારા મોબાઈલ વોટસએપ નંબર 93742 15159 પર તેમનું નામ અને શહેર લખીને HIનો મેસેજ મોકલી શકે છે. ફેસબૂક અને ટ્વિટર સહિતના સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર અમને ફૉલો કરી શકે છે.