click here to go to advertiser's link
Visitors :  
19-May-2024, Sunday
Home -> Vishesh -> Who is responsible if anyone died due to treatment of bogus doctor Read more
Monday, 18-Mar-2024 - Bhuj 52264 views
ભચાઉના નકલી ડૉક્ટર મહેશના હાથે કેટલાં લોકોના મોત નીપજ્યાં? બોગસ ડિગ્રીઓનો અંબાર!
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) કચ્છની કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જાવ અને કોઈ નકલી ડૉક્ટરની ભેખડે ભરાઈ જાવ તો આરોગ્ય તંત્રના પેટનું પાણી પણ નહીં હલે! ભચાઉમાં ગાયનેક તરીકે કામ કરતાં બોગસ ડૉક્ટર અને હત્યા કેસમાં વોન્ટેડ મહેશ યાદવના કિસ્સામાં જે ચોંકાવનારી વિગતો બહાર આવી છે તે જાણીને તમે ચોંકી ઊઠશો.
કોણ છે બોગસીયો ડૉક્ટર મહેશ યાદવ?

રાધનપુરના ભણસાલી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં MBBSની નકલી ડિગ્રીની ઝેરોક્સ કોપીના આધારે તબીબ તરીકે નોકરી લાગ્યાં બાદ પાલિતાણાના મહેશ યાદવની પોલ પકડાતાં ટ્રસ્ટે ૨૦૧૦માં તેની વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવેલી. ફરિયાદ બાદ મહેશ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૧૭માં મહેશ અને તેના સાગરીતોએ કાવતરું ઘડીને પાલિતાણાના ખીજડીયા નજીક એક દલિત યુવકનું મોઢું છુંદી નાખી તેમજ ગળેટૂંપો આપી મારી નાખેલો. તે ગુનામાં પણ મહેશ નાસતો ફરતો હતો.

મહેશ પાસે નકલી ડિગ્રીઓનો છે અંબાર!

વોન્ટેડ મહેશ યાદવ છેલ્લાં ઘણાં સમયથી ભચાઉના રામવાડીમાં આવેલા જયશ્રી મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલમાં ગાયનેક તરીકે નોકરી કરતો હતો. મહેશે લોકો પર પ્રભાવ પાડવા નકલી ડિગ્રીઓનો અંબાર ખડો કર્યો હતો. મહેશ ‘ડિપ્લોમા ઈન ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટેટ્રીક્સ DGO’ તરીકે સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે નોકરી કરતો હતો.

પોતે બાળરોગ, ટીબી એન્ડ ચેસ્ટ ડિસીઝનો પોસ્ટ ગ્રેજ્યુએશન સર્ટીફિકેટ કૉર્સ કર્યો હોવાના દાવા કરતો હતો. બંને કોર્સ તેણે નવી દિલ્હીના IMA AKN સિંહા ઈન્સ્ટિટ્યૂટમાંથી કર્યાં હોવાના તેની પાસે પ્રમાણપત્રો છે. બંને પ્રમાણપત્રોમાં તારીખ ૧૮-૦૫-૨૦૧૫ની લખેલી છે!

આ ઉપરાંત તે ગામને ICU કેર એન્ડ વેન્ટિલેશન મેનેજમેન્ટની તાલીમ મેળવેલી હોવાનું જણાવતો. તેના પૂરાવા તરીકે તે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ એન્ડ ટ્રેઈનીંગ વિભાગે ૦૩-૦૫-૨૦૨૦ ના રોજ ઈસ્યૂ થયેલું તાલીમનું પ્રમાણપત્ર બતાડતો. કેન્દ્રનો આ વિભાગ આવી તબીબી તાલીમ આપતો હોવાનો દાવો જ પહેલી નજરે હાસ્યાસ્પદ જણાય છે! પોતે તબીબી કોન્ફરન્સ કે વર્કશોપમાં ભાગ લે તો તેના સર્ટીફિકેટ પણ ‘કલગી’ તરીકે ઉમેરતો!

ડૉક્ટર જ નહીં LLB અને LLMની પણ ડિગ્રી!

નકલી તબીબી પ્રમાણપત્રો ઉપરાંત મહેશ બે અલગ અલગ યુનિવર્સિટીમાંથી LLB અને LLMનો અભ્યાસ કર્યો હોવાના ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ પણ બતાડતો. મહેશ ૧૯-૧૨-૨૦૧૫ના રોજ ઈસ્યૂ થયેલું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટ ધરાવતો. જેમાં તેણે અમરેલીની એસ,.ડી. કોટક લૉ કોલેજમાંથી LLB કર્યો હોવાનું લખેલું છે. એ જ રીતે, ઓક્ટોબર ૨૦૨૧માં પોતે જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી LLM (માસ્ટર ઑફ લૉ) કર્યું હોવાની માર્કશીટ પણ બતાડતો.

કઈ રીતે સોનોગ્રાફી સેન્ટર શરૂ કરવા અરજી કરાઈ?

મહેશના નામ પર જયશ્રી હોસ્પિટલ ચલાવતાં બે પાર્ટનર ભાવેશ જાદવજીભાઈ લોદરીયા અને વિજયભાઈ જમુભાઈ ઠક્કરે હોસ્પિટલમાં સોનોગ્રાફી સેન્ટર શરૂ કરવા જિલ્લા આરોગ્ય અધિકારીને અરજી કરેલી. હકીકતે સોનોગ્રાફી સેન્ટર શરૂ કરવા રેડિયોલોજીની શૈક્ષણિક લાયકાત અનિવાર્ય છે. ત્યારે, મહેશ પાસે રેડિયોલોજીને લગતી બોગસ ડિગ્રી કે પ્રમાણપત્ર હોવાની પણ આશંકા છે. કારણ કે તેના વગર તો અરજી કરી જ ના શકાય. આ સોનોગ્રાફી સેન્ટર શરૂ થયેલું કે નહીં તે તપાસનો વિષય છે.

મહેશના હાથે એક પ્રસૂતાનું મોત થયાનો ગણગણાટ

ઊંટવૈદ્ય મહેશ યાદવના લીધે એક ગર્ભસ્થ બાળક સહિત પ્રસૂતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હોવાનો ભચાઉમાં ગણગણાટ પ્રવર્તે છે. પરંતુ હોસ્પિટલનો મૂળ માલિક ડૉ. લલિત ઠક્કર હેતુપૂર્વક ધરાર ફોન નહીં ઉપાડીને માહિતી છૂપાવતો હોઈ તે અંગે કશી ખરાઈ થઈ શકી નથી. લલિતે અંજાર-ગાંધીધામના બે વેપારીને હોસ્પિટલ ચલાવવા આપી હોવાનું જે-તે સમયે જણાવી હાથ અધ્ધર કરી દીધેલાં.

આ ગંભીર સવાલોનો કોણ જવાબ આપશે?

મહેશ યાદવની ભચાઉમાં ક્યારે નિમણૂક થયેલી? તેણે કેટલાં દર્દીઓ, કયા કયા રોગના દર્દીઓની તપાસ કરેલી? કેટલી મહિલાઓની પ્રસૂતિ અને સિઝેરીયન કરેલાં? તેની સારવાર મેળવનાર કેટલાં દર્દીઓને ગંભીર કોમ્પ્લિકેશન્સ થતાં અન્ય હોસ્પિટલમાં રીફર કરાયેલાં? આવા કેટલાં દર્દીના મૃત્યુ થયેલાં? મહેશ પાસે રહેલી ડિગ્રીઓ સાચી છે કે ખોટી તે ખરાઈ કરવા હોસ્પિટલ ચલાવતાં બે વેપારીએ શું કાર્યવાહી કરેલી? તે બોગસ હોવાનું સ્પષ્ટ થયાં બાદ પણ અત્યારસુધી આ બે વેપારીએ મહેશ વિરુધ્ધ કેમ કોઈ ફોજદારી ફરિયાદ નથી નોંધાવી? વગેરે જેવા અનેક સવાલો ઊઠે છે.

સરકારી આરોગ્ય તંત્ર એમ છટકી ના શકે

ખાનગી હોસ્પિટલોમાં નકલી તબીબોના ભરોસે લોકોના આરોગ્ય સાથે આ રીતે ગંભીર ચેડાં થાય ત્યારે ખાનગી હોસ્પિટલના વેપારીઓ સાથે સરકારી તંત્રની પણ એટલી જ જવાબદારી બને છે. જિલ્લાનો આરોગ્ય વિભાગ આ ગંભીર હકીકત સામે આંખ આડા કાન કરી શકે નહીં. આઘાતજનક બાબત એ છે કે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રવીન્દ્ર ફૂલમાલીને આ અંગે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે હજુ સુધી કોઈ તપાસ સોંપી નથી, પરંતુ તમે કહો છો તો તપાસ કરવા જેવી લાગે છે ખરી!!!

Share it on
   

Recent News  
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર
 
ધાણેટી નજીક ટ્રકે પેટ્રોલ પંપ પર અચાનક ટર્ન મારતાં મોપેડસવાર દંપતી કચડાઈ ગયું
 
ફાયર NOC વગર ચાલતાં ભુજના સિનેમાગૃહમાં સ્હેજમાં ભીષણ ‘ઉપહારકાંડ’ થતો અટકી ગયો