click here to go to advertiser's link
Visitors :  
14-Jun-2024, Friday
Home -> Vishesh -> Prostitution business under the guise of a spa center exposed Read more
Wednesday, 20-Sep-2023 - Gandhidham 87677 views
‘ગંદા હૈ પર ધંધા હૈ’ ગાંધીધામમાં સ્પા સેન્ટરમાં ચાલતા કુટણખાના પર પોલીસ ત્રાટકી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામ (ઉમેશ પરમાર) ગાંધીધામમાં સ્પા સેન્ટરની આડમાં ધમધમતાં કુટણખાના પર પોલીસે દરોડો પાડી બે સંચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે. શહેરના સેક્ટર ૧-એમાં આવેલા ‘ગોલ્ડન ટચ’ સ્પા સેન્ટરમાં સ્પાની આડમાં ગ્રાહકોને ‘રંગીન ટચ’ મળતો હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. દરોડા સમયે સ્પા સેન્ટરમાં ૪ યુવતીઓ હાજર હતી.

પોલીસે સ્પા સેન્ટરના કર્મચારી દિલીપ ખેતાભાઈ વાલ્મીકિ (વાઘેલા)ને પકડ્યો હતો. દિલીપે જણાવ્યું કે સ્પાનો કબજો ભોગવટો ગણેશનગરમાં રહેતા પ્રકાશ રામજી મહેશ્વરી હસ્તક છે અને સ્પા સેન્ટરનું સંચાલન આફતાબ મુનાવરશા દિવાન નામનો યુવક કરે છે. પોલીસે ત્રણે સામે ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ તળે ગુનો નોંધી પાછળથી આફતાબને પણ દબોચી લીધો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ અને સ્પેશિયલ ઓપરેશન ગૃપે સંયુક્ત કાર્યવાહી કરી દરોડા સમયે પાંચ મોબાઈલ ફોન અને ૩૨૦૦ રૂપિયા રોકડાં કબ્જે કર્યાં હતાં. ઈન્ચાર્જ પીઆઈ એન.એન. ચુડાસમાએ જણાવ્યું કે આરોપી અને મુદ્દામાલ સોંપી આગળની તપાસ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સુપ્રત કરાઈ છે.

ગાંધીધામ સાથે ભુજમાં પણ બદી ફેલાઈ ગઈ

એક સમયે ગાંધીધામમાં ઠેર ઠેર હુક્કાબાર ધમધમતાં હતાં. પોલીસની કડક કાર્યવાહીના પગલે હુક્કાબારનું દૂષણ ઓછું થયું છે પરંતુ સ્પા સેન્ટરો કે મસાજ પાર્લર યા વેલનેસ સેન્ટરના ભ્રામક નામે ભરબજારે ખુલ્લેઆમ દેહ વ્યાપારના હાટડા ધમધમી રહ્યાં છે.

પ્રાથમિક અંદાજ મુજબ ગાંધીધામ અને આસપાસના અન્ય પોલીસ મથકોની હદમાં પચાસથી વધુ સ્પા સેન્ટરો ધમધમે છે.

પચરંગી શહેર ગાંધીધામનો ભરડો લઈ ચૂકેલું આ દૂષણ હવે સંસ્કારીનગરી ભુજમાં પણ ફેલાઈ ગયું છે. ભુજ શહેર અને આસપાસના માનકૂવા, સુખપર, માધાપર વગેરે ગામોમાં છેલ્લાં બે અઢી વર્ષમાં ઢગલાબંધ સ્પા સેન્ટરો ખૂલી ગયાં છે.

દર થોડાં દિવસે યુવતીઓ બદલાઈ જાય છે

સ્પા સેન્ટરોમાં મોટાભાગે પશ્ચિમ બંગાળ કે મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ જેવા ઈશાન રાજ્યોની ગરીબ યુવતીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવાય છે.

આખું નેટવર્ક એકદમ સુવ્યવસ્થિત ઢબે ચાલે છે. દર દસ-પંદર દિવસે યુવતીઓનું ગૃપ બદલાઈ જાય છે.

સ્પાની રેગ્યુલર મુલાકાતે જતાં શોખીન ગ્રાહકોને સ્પા સંચાલકો કે તેના માણસો દ્વારા વોટસએપ પર જેવી નવી યુવતીઓ સેન્ટરમાં આવે કે તેમના રૂપકડાં ફોટોગ્રાફ મોકલી મુલાકાત લેવા ઇજન અપાય છે. વીઆઈપી ગ્રાહકોને તો ઈચ્છા મુજબ કહે ત્યાં છોકરીઓ સપ્લાય કરી દેવાય છે. ઘણાં સ્પા સંચાલકો તો શબાબ સાથે શરાબના કોકટેલની પણ સુવિધા આપે છે.

ખાખીધારીઓની મિલિભગતથી ફેલાઈ બદી

સ્પા સેન્ટરોના ઓઠાં તળે વેશ્યાવૃત્તિને જાણે કાયદેસરનું રૂપ મળી ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મુખ્ય કારણ ખાખીની મિલિભગત છે. ઘણાં સ્પા સેન્ટરોમાં પડદા પાછળના અસલી સંચાલકો નિવૃત્ત પોલીસ કર્મચારીઓ છે તો ઘણાં સ્પા સેન્ટરોમાં પોલીસ કર્મચારીઓ સ્લીપીંગ પાર્ટનર હોવાનું જાણકાર લોકો કહે છે! દરોડા સમયે પકડાતાં લોકો તો અસલી ખેલાડીઓના મહોરાં હોય છે. જો આવા અસલી ખેલાડીઓના નામ પાધરાં કરાય તો આ બદી પર તુરંત રોક આવી જાય.

જીવન આખું હરામનું ખાઈ બેઠેલાં મૂલ્યભ્રષ્ટ ખાખીધારીઓને લોહીના વેપારનો કોઈ છોછ નથી!

સૂત્રોનો દાવો છે કે પ્રત્યેક સ્પા સેન્ટરદીઠ નિશ્ચિત રકમનો હપ્તો દર મહિને સંબંધિત પોલીસ સ્ટેશને પહોંચી જાય છે. ખાખીની મીઠી નજરથી બેફામ બનેલાં આ દૂષણમાંથી નાનાં-મોટાં અને સાચાં-ખોટાં તોડબાજ પત્રકારો, ફૂટી નીકળેલાં આરટીઆઈ એક્ટિવીસ્ટો પણ પોતાનો ‘મેળ’ કરી ખાય છે.

ભુજની એક તોડબાજ પત્રકાર ગેંગ દર મહિને આદિપુર-ગાંધીધામમાં નિયમિત રીતે હપ્તો લેવા પહોંચી જાય છે. ઘણાં ફૂટકળિયા તત્વો હપ્તાના બદલે ‘ફ્રી સર્વિસ’ લઈ લે છે.

ગાંધીધામનું એક કુખ્યાત ચોપાનિયું સ્પા સેન્ટરનો હપ્તો ના મળે તો તરત તેના વિશે આઠ કોલમ સમાચાર છાપી દે છે. દરેક જિલ્લામાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ હોય છે પરંતુ આ યુનિટ ખરેખર શું કામ કરે છે તેની જ કોઈને ખબર નથી. ક્યારેક છાપાં યા મીડિયામાં થોડું ચગે તો પોલીસ ચોપડા પર ચેકીંગની કામગીરી બતાડીને ‘સબ સલામત’ની આલબેલ પોકારી દે છે.

શરીર વેચવા મજબૂર થતી યુવતીઓની લાચારી તો કંઈક અંશે સમજી શકાય પણ ખાખી માટે’ય એ ઉક્તિ લાગુ પડી રહી છે કે ‘ગંદા હૈ પર ધંધા હૈ’
Share it on
   

Recent News  
ભુજમાં ઝડપાયેલી આયુ. સિરપ બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ નીકળીઃ ઘાતક કેમિકલની મળી હાજરી
 
મુંદરામાં બે યુવકે મહિલાની છેડતી કરતાં લોકોનો હિંસક હુમલોઃ સામસામી ફરિયાદ
 
ભુજના ASIની રાજસ્થાનમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ