|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ આડે માંડ બે અઢી મહિનાનો ગાળો બાકી રહ્યો છે. ત્યારે, સ્કુલો કરતાં સવાયાં થવાની ગળાકાપ સ્પર્ધા કરતાં ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો જાણે ઘાંઘા બન્યાં છે. શિયાળાની કાતિલ ઠંડીમાં ૧૦, ૧૧ અને ૧૨મા ધોરણના બાળકોને વહેલી પરોઢે સાડા પાંચ વાગ્યે અથવા રાત્રે સાડા નવ સુધી ક્લાસીસમાં બેસવા ફરજ પડાઈ રહી છે. ખાસ કરીને, ભુજમાં ‘ઢીંકણા સર’ અને ‘ફલાણા સર’ના નામે શિક્ષણની દુકાનો ખોલીને બેઠેલાં મોટાભાગના વિવિધ ‘સર’ના કોચીંગ ક્લાસીસમાં આ પરિસ્થિતિ પ્રવર્તે છે.
સંતાનોના હિત ખાતર અને શિક્ષણના વેપારી ‘સર’ સાથે સંઘર્ષ ના સર્જાય તે માટે વાલીઓ મૂંગા મોંઢે આ ત્રાસ સહન કરી રહ્યાં છે. શિક્ષણ અને પોલીસ તંત્ર જેવા જવાબદાર વિભાગો ચૂપચાપ ખેલ જોઈ રહ્યાં છે.
સવારે ૭થી સાંજે ૭ની સમયમર્યાદાના નિયમનો ભંગ
૨૦૦૯માં સુરતમાં વહેલી પરોઢે ટ્યુશન ક્લાસ જવા નીકળેલી તરુણી સામૂહિક દુષ્કર્મનો ભોગ બન્યાં બાદ ગુજરાતમાં શિક્ષણ તંત્ર અને પોલીસ તંત્રએ ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે છાત્રોને ભણાવવા સવારે ૭થી સાંજે ૭ સુધીની સમયમર્યાદા બાંધી હતી. પરંતુ, સમય વીતતાં હવે આ સમયમર્યાદા સૌ કોઈ ભૂલી ગયું છે. કચ્છમાં અગાઉ કલેક્ટર દ્વારા ટ્યુશન ક્લાસીસની સમયમર્યાદા અંગે વિધિવત્ જાહેરનામા પ્રગટ કરાતાં હતા પરંતુ હવે કલેક્ટરો આવા જાહેરનામા ભૂલી ગયાં છે.
ઠંડીમાં શાળાઓએ આપેલી છૂટછાટનો ગેરલાભ
કડકડતી ઠંડીમાં છાત્રોને ઠુંઠવાવું ના પડે તે માટે અનેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ સવારની શાળાનો સમય સાત વાગ્યાના બદલે સાડા સાત સુધીનો કર્યો છે. પરંતુ, શાળાઓએ આપેલી અડધો કલાકની છૂટછાટનો અનેક ટ્યુશન ક્લાસીસ ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે. તેઓ વહેલી પરોઢે પાંચ-સાડા પાંચ વાગ્યે છાત્રોને ક્લાસમાં આવવા જણાવી સાડા સાત વાગ્યે ક્લાસથી જ સીધાં સ્કુલે જવા ફરજ પાડી રહ્યાં છે. તો, કેટલાંક નામીચાં ‘સર’ મોડી રાત્રે નવ- સાડા નવ વાગ્યા સુધી છાત્રોને ક્લાસમાં બેસવા ફરજ પાડે છે.
છેડતીના કિસ્સાઓ ચોપડે ચઢેલાં છે
જિલ્લામથક ભુજમાં ધમધમતી વિવિધ ‘સર’ની દુકાનો આસપાસ ધોળા દિવસે છાત્રાઓની છેડતી થયાનાં કિસ્સાઓ ભૂતકાળમાં પોલીસ ચોપડે ચઢેલાં છે. ભુજ જ નહીં આસપાસના દસેક કિલોમીટરના દાયરામાં આવતા માનકૂવા, સુખપર, માધાપર, ભુજોડી, કુકમા વગેરે ગામના છોકરા-છોકરીઓ પણ ભુજમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં આવે છે. વહેલી પરોઢે કે રાત્રે જવા-આવવા રેગ્યુલર સ્કુલ વાહનોની સેવા ઉપલબ્ધ ના હોઈ કિશોર વયની દીકરીઓ નછૂટકે ખાનગી છકડા રીક્ષાઓમાં આવવા મજબૂર થાય છે અથવા વાલીઓને લેવા-મૂકવા હેરાન થવું પડે છે.
ગાંધી-વૈદ્યનું સહિયારુઃ ટ્યુશનિયા શિક્ષકો બેફામ
સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક તરીકે નોકરી કરતાં શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસીસમાં નોકરી ના કરી શકે તેવો સ્પષ્ટ નિયમ છે. છતાં ભુજની મોટાભાગની સરકારી ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો બિન્ધાસ્ત રીતે ખાનગી કોચીંગ ક્લાસીસમાં તેમની ‘સેવા’ઓ આપે છે. શિક્ષણ તંત્ર આવા ક્લાસીસ પર તપાસ કરવાનું સગવડતાપૂર્વક ભૂલી ગયું છે. ત્રણેક વર્ષ અગાઉ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી તરીકે રાકેશ વ્યાસ નામના અધિકારીએ આવા ટ્યુશનીયા શિક્ષકો પર રીતસર તવાઈ ઉતારેલી પરંતુ ત્યારપછી આવેલાં મોટાભાગના DEOએ આ કામગીરી કરી નથી. આમાં અંદરખાને ગાંધી-વૈદનું સહિયારું ચાલતું હોવાની હાલત છે. ભુજમાં ટ્રસ્ટ સંચાલિત એક કથિત નામાંકીત શાળાએ તો તેના મોટાભાગના શિક્ષકોને ખાનગી ટ્યુશન કરવા માટે જાણે ‘પીળો પરવાનો’ આપી દીધો છે. આ શાળાના શિક્ષકો ટ્યુશન કરતાં ઝડપાય તો ટ્રસ્ટીઓ નફ્ફટાઈથી તેમનો બચાવ કરવા ઉતરી પડે છે.
Share it on
|