click here to go to advertiser's link
Visitors :  
26-May-2024, Sunday
Home -> Vishesh -> Political nexus behind salt mafia and gangwar in Little Runn of Kutch
Tuesday, 14-May-2024 - Gandhidham 24278 views
રણમાં ત્રણ જણને બંદૂકના ભડાકે દેનારાં ૧૭ સામે ગુનો દાખલઃ એક અતિ ગંભીર
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ વાગડને અડીને કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય હસ્તકનો ખારાપાટની હજારો એકર જમીન મીઠું પકવવા ગેરકાયદે પચાવી પાડવાની પ્રવૃત્તિમાં અવારનવાર હિંસક ગેંગવૉર સર્જાઈ રહી છે. સોમવારે સાંજે રણમાં સર્જાયેલી હિંસક અથડામણમાં ૧૭ લોકો વિરુધ્ધ હત્યાના પ્રયાસ, એટ્રોસીટી, આર્મ્સ એક્ટ, રાયોટીંગ સહિતની ભારેખમ કલમો તળે ગુનો દાખલ થયો છે.

ફરિયાદી મગનભાઈ સુજાભાઈ ગોહિલ (રહે. કાનમેર, રાપર) પોલીસને જણાવ્યું કે બપોરે તે ગાગોદર ગયો હતો અને ત્યાંથી અન્ય મિત્રો સહિત ૧૧ જણાં મોટર સાયકલો લઈને રણમાં જોધપર વાંઢ ખાતે જૂના મીઠાના કારખાનાવાળી જગ્યાએ આવ્યાં હતાં. સાંજે સાડા ચારના અરસામાં આરોપીઓ ફોરચ્યુનર, ક્રેટા, સ્વિફ્ટ, બોલેરો, પીકઅપ ડાલું લઈને તેમની પાસે આવ્યાં હતાં.

ત્રણ જણાં જોડે બંદૂકો હતી જ્યારે અન્ય લોકોના હાથમાં ધારિયા, પાઈપ, લાકડીઓ હતી. આરોપીઓએ તેમની પાસે આવીને ‘આ રણ વિસ્તાર તમારા બાપનો નથી, આ જગ્યા અમારી છે, ખાલી કરી દેજો નહિંતર જાનથી મારી નાખશું’ કહી ત્રણ બંદૂકોથી અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું.

દિનેશ ખીમજી કોલીને માથામાં, મુકેશ બેચરા કોલીને પગમાં અને વલીમામદ ઈબ્રાહિમ રાજાને નાક પાસે ગોળી વાગી હતી. ફાયરીંગ કરીને આરોપીઓ ગાડીઓમાં નાસી છૂટ્યાં હતાં. ફરિયાદી મગન ગોહિલ તેના મિત્ર નવીન જગશી કોલીની મોટર સાયકલ પર દિનેશ કોલીને વચ્ચે બેસાડી સારવાર માટે રણમાંથી નીકળતો હતો ત્યારે વિજય રાયધણ ઉસેટીયાએ બોલેરો કારથી તેમની બાઈકને પાછળથી ટક્કર મારીને પતાવી દેવા પ્રયાસ કર્યો હતો. બાઈક પડી જતાં ત્રણે નીચે પડ્યાં હતા તે સમયે આરોપીઓએ તેમને બંદૂકના કુંદા અને લાકડીઓ ફટકારી હતી. ફરિયાદ મુજબ હુમલામાં ત્રણ જણને ગોળી વાગી છે અને અન્ય બે જણને લાકડીઓ વગેરેથી માર મરાયો છે. દિનેશની હાલત ગંભીર છે અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે છે.

જાણો, કોની કોની સામે દાખલ થઈ છે ફરિયાદ

ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરસન ડોડિયા, શક્તિ ડાયા ડોડિયા, બળદેવ ઘેલા રાજપૂત, સતીષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર આંબા રબારી, સવા રત્ના રબારી (રહે. તમામ કાનમેર), ઈશ્વર રજપૂત (કિડીયાનગર), રાયધણ ઉસેટીયા અને વિજય રાયધણ ઉસેટીયા (સઈ, રાપર), કાજા અમરા રબારી (શિકારપુર), વિરમ રબારી (ચિત્રોડ)

પોલિટીકલ નેક્સસથી મચી બેફામ લૂંટાલૂંટ

છેલ્લાં થોડાંક વર્ષથી નાનાં રણમાં મીઠાંના અગરો માટે વન તંત્ર હસ્તકની સરકારી જમીન બાવડા અને બંદૂકના જોરે પચાવી પાડવા બેફામ લૂંટાલૂંટ મચી છે. ગેરકાયદે ‘વાળેલી’ હજારો એકર સરકારી જમીન પર મફતમાં હજારો કરોડ રૂપિયાનું મીઠું પકવી ખાતાં મોટાં નમક ઉદ્યોગપતિઓ પડદા પાછળના અસલી સૂત્રધારો હોવાનું જગજાહેર છે. આવા મોટાભાગના ઉદ્યોગપતિઓ સીધી રીતે ચોક્કસ રાજકીય પક્ષો સાથે સંકળાયેલાં છે અને મોટાં હોદ્દા ધરાવે છે. કેટલાંક તો સીધા પોલિટીક્સમાંથી આ ધંધા પર હાથ અજમાવવા આવી ચડ્યાં છે.

જાણો, કાયદેસર અને ગેરકાયદેસર અગરોનો ભેદ

નિયમ મુજબ ઘુડખર અભયારણ્યમાં મીઠું પકવવા માટે કોઈપણ પ્રકારની લીઝ મંજૂર થઈ શકતી નથી. જો કે, અભયારણ્ય જાહેર થયા બાદ તે પહેલાંથી અહીં મીઠું પકવતાં અગરીયાઓની જમીનોના સેટલમેન્ટ મુદ્દે કશી સ્પષ્ટતા થઈ નહોતી. આ અગરીયાઓ મહેસુલ ચૂકવીને કાયદેસર રીતે મીઠું પકવતાં હતાં. છેક ૨૦૧૪માં ફોરેસ્ટ વિભાગે સેટલમેન્ટ કમિશનરની નિમણૂક કરી સેટલમેન્ટની પ્રક્રિયા હાથ ધરેલી. ૨૦૧૮માં હળવદ, ધ્રાંગધ્રા, ખારાઘોડા, પાટડીથી લઈ રાપર-ભચાઉ સુધીના પટ્ટામાં ૪૬ મોટાં એકમો અને દોઢસોથી વધુ નાનાં અગરીયાઓને તેમના અગરોના અક્ષાંક્ષ રેખાંશ સાથે ડીમાર્કેશન કરાઈને ‘વપરાશી’ હક્ક અધિકાર અપાયાં હતાં. આ અગરોમાં પકવેલાં મીઠાનું પરિવહન થાય ત્યારે તેમની પાસેથી રોયલ્ટી વસૂલવામાં આવે છે.

મફતનો માલ ખાવા માથાભારે તત્વોને છૂટો દૌર

કાયદેસરનો વપરાશી હક્ક અધિકાર સિવાયની હજારો એકર જમીન મીઠાં ઉત્પાદન માટે પચાવી માટે લૂંટાલૂંટ ચાલી રહી છે. અગાઉ રણ નજીક આવેલા ગામોના માથાભારે લોકો પોતાના બળે પાળા બાંધી લેતાં હતાં. પરંતુ, પોલિટીકલ નેક્સસવાળાં મોટાં ખેલાડીઓની એન્ટ્રી થતાં હવે ખુલ્લેઆમ બંદૂકના ભડાકે અન્ય લોકોએ ગેરકાયદે કબજો કરેલી જમીનો પચાવી પાડવાની પ્રવૃત્તિ બેફામ બની છે. આ મોટાં ખેલાડીઓ સિફતપૂર્વક સ્થાનિક લોકોના નામે ગેરકાયદે પચાવેલી જમીનો પર વીજ જોડાણ મેળવીને મીઠું પકવે છે. અગરોના રખોપા માટે માથાભારે લોકોને ચોકી સોંપે છે. પંદરેક દિવસ પહેલાં જ ગાંધીધામના એક અગ્રણી ગણાતાં નમક ઉદ્યોગપતિએ ગેરકાયદે વાળેલાં પાળા મુદ્દે અમુક માથાભારે લોકોએ ધાક-ધમકી કરેલી. આ ઉદ્યોગપતિએ તેમની જોડે પતાવટ કરી ‘રામ રામ’ કર્યાં હતાં. ટૂંકમાં, રણમાં વકરેલી ગેંગવૉર પાછળનું મુખ્ય કારણ સરકારી જમીન પચાવી, મફતમાં કરોડો રૂપિયાના મૂલ્યનું મીઠું પકવીને મફતનો માલ ખાવાની અને તેની પાછળ રહેલી ભાગબટાઈ છે.

વન અને વીજ તંત્ર માટે મલાઈદાર પોસ્ટીંગ

થોડાંક વર્ષો અગાઉ કલેક્ટરે રણમાં ધમધમતાં કાયદેસર અને ગેરકાયદે એમ તમામ અગરો હટાવવા નોટીસ પાઠવતાં કાયદેસર રીતે વપરાશી હક્ક મેળવનારાં લોકો હાઈકૉર્ટમાં ગયેલાં અને કલેક્ટરના હુકમ સામે સ્ટે લઈ આવેલાં. આ લૂંટાલૂંટમાં વન તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પણ સામેલ છે. આ ભ્રષ્ટાચારી અધિકારીઓ માઈનીંગ માફિયા અને સોલ્ટ માફિયાઓ પાસેથી મોટી પ્રસાદી મેળવી તેમને છૂટો દોર આપે છે.

વન તંત્રમાં આડેસર રેન્જ ખૂબ મલાઈદાર ગણાય છે અને આ રેન્જમાં કોઈપણ પોસ્ટ પર ટ્રાન્સફર મેળવવા માટે છેક ગાંધીનગર સુધી મોંઢા મીઠાં કરાય છે. એ જ રીતે, ગેરકાયદે પચાવેલાં અગરોને વીજ કનેક્શન આપવામાં વીજ તંત્રના અધિકારીઓ પણ મોટો પ્રસાદ મેળવતાં રહે છે.

માથાભારે મોટાં માથાં તો ગેરકાયદે બારોબાર વીજલાઈનો અને ટ્રાન્સફરો સેટ કરીને કરોડોની વીજ ચોરી કરે છે. કેટલાંક નાયબ ઇજનેરો તેમની સેવાના બદલામાં મોટાં એકમો પાસેથી મહિને નિશ્ચિત રકમ મેળવીને જાણે તેમના પે રોલ પર કામ કરતાં હોય તેવો ઘાટ છે. પોલીસ ખાતું પણ અંદરનો બધો ખેલ જાણે છે પરંતુ એકે’ય પોલીસ ઑફિસરમાં એ નૈતિક હિંમત નથી કે પડદા પાછળ રહેલા અસલી સૂત્રધારો સુધી ગાળિયો કસીને કુદરતી સંપદાની મચેલી લૂંટાલૂંટ અટકાવી શકે. ઉલટાનું હવે તો ‘મફત કા ચંદન, ઘસ બે લાલિયા’ જેવો ઘાટ સર્જાયો છે! ચોપડા પર ફરિયાદો નોંધાય છે પણ હકીકતે કશી દાખલારૂપ કાર્યવાહી થતી નથી.

સેટેલાઈટ ઈમેજ બધો ખેલ પાધરો પાડી શકે

જો રાજ્ય સરકાર ૨૦૧૮માં જે બસ્સો જેટલાં લોકોને વપરાશી હક્કો અપાયેલાં ત્યારબાદ ગેરકાયદે વાળી લેવાયેલી જમીનોની બાયસેગ જેવા ખાતાં પાસેથી સેટેલાઈટ ઈમેજ કઢાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે. અગરોને નોટીસ પાઠવનારાં કચ્છ કલેક્ટર ધારે તો આવા ગેરકાયદે પાળા પર બે મિનિટમાં જેસીબી ફેરવી ડિમોલીશન કરાવી શકે તેમ છે.

Share it on
   

Recent News  
રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકો જીવતાં ભડથું
 
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
 
લોકો હનીટ્રેપની ફરિયાદ નોંધાવતાં હજારવાર વિચારશે! માધાપરના તે યુવક પર રેપની FIR