click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Vishesh -> Gruesome murder in Nairobi shattered Patel Chovisi of Kutch Read more
Tuesday, 20-Feb-2024 - Bhuj 76098 views
પટેલ ચોવીસીમાં ખળભળાટઃ નૈરોબીમાં મિત્રની હત્યા કરી લાશ તેજાબમાં ઓગાળી દીધી
કચ્છખબરડૉટકોમ (ઉમેશ પરમાર) કચ્છથી સાડા ચાર હજાર કિલોમીટર દૂર આફ્રિકન દેશ કેન્યાના પાટનગર નૈરોબી નજીક થયેલાં એક હત્યાકાંડે કચ્છની પટેલ ચોવીસી સહિત દેશ-વિદેશ વસતાં લેવા પટેલ સમાજમાં ભારે ચકચાર સર્જી છે. મિત્રએ જ મિત્રની હત્યા કરીને પૂરાવાનો નાશ કરવા લાશને તેજાબ જેવા જલદ રસાયણમાં ઓગાળી નાખી ઘૃણાસ્પદ હત્યાને અંજામ આપ્યો છે. હત્યારો યુવક ભુજના બળદિયા ગામનો વતની છે અને હતભાગી યુવક નારાણપરનો વતની હતો.

કેન્યન મીડિયાના અહેવાલો અનુસાર હત્યાનો બનાવ ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના રોજ સવારે ૧૧ના અરસામાં બન્યો હતો. મૃતક જયેશકુમાર કાનજીભાઈ પટેલ મૂળ નારાણપરનો વતની હતો અને છેલ્લાં બે અઢી દાયકાથી નૈરોબી વેસ્ટના કોડી (Kodi Road) રોડ નજીક સ્થાયી થયો હતો. જયેશને આરોપી કલ્યાણ વેકરીયા અને તેની પત્ની સાથે મૈત્રી સંબંધો હતાં.

૧૪મીની સવારે જયેશ પુત્રને સ્કુલે મૂકવા ઘરેથી પત્ની સાથે પગપાળા નીકળ્યો હતો. ત્યારબાદ તે ભેદી રીતે ગાયબ થઈ ગયો હતો. ઘટના અંગે બીજા દિવસે પરિવારે લંગાટા પોલીસ સ્ટેશનમાં ગૂમનોંધ લખાવી હતી.

લંગાટા પોલીસે તપાસ કરતાં જયેશ પત્ની પુત્ર સાથે ઘરેથી પગપાળા જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ મળ્યાં હતાં. આગળ જઈને તે એક સફેદ કારમાં બેસીને મોમ્બાસા રોડ તરફ જતો જોવા મળ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે સૌપ્રથમ મન્ગુટી મુલાન્ડી (Munguti Mulandi) નામના સ્થાનિક હબસી યુવકની શકમંદ તરીકે અટકાયત કરી હતી.

મન્ગુટીની પોલીસ પૂછતાછમાં હત્યાના સૂત્રધાર તરીકે કલ્યાણ વેકરીયાનું નામ સપાટી પર આવ્યું.

વિદેશી મૂળના નાગરિકની ઘૃણાસ્પદ હત્યાનો બનાવ સામે આવતાં ઘટનાની તપાસ ડિરેક્ટોરેટ ઑફ ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન (DCI) સુપ્રત કરી દેવાઈ. DCIએ આ બનાવમાં હત્યાના આરોપ તળે કલ્યાણ વેકરીયા સાથે મર્ડરમાં સામેલ ત્રણ હબસી યુવકોની ધરપકડ કરીને સોમવારે Kibera Law Courtમાં રજૂ કરી ચારે આરોપીના ૨૧ દિવસના રીમાન્ડ મેળવ્યાં છે.

DCIએ કૉર્ટને જણાવ્યું કે પુત્રને સ્કુલે મૂક્યાં બાદ પેટ્રોલ પંપ પર સફેદ કાર લઈને કલ્યાણ વેકરીયા જયેશને મળવા આવ્યો હતો. Machakos કાઉન્ટીના Killi Lukenya વિસ્તારમાં સસ્તાં ભાવે જમીનનો પ્લોટ મળતો હોવાની લાલચ (Lured) આપીને તેને ત્યાં લઈ ગયો હતો.

નિર્જન અને ઝાડીઝાંખરા જેવા વિસ્તારમાં જયેશને લઈ ગયો ત્યાં પૂર્વઆયોજીત ષડયંત્ર મુજબ પહેલાંથી જ તેના ત્રણ હબસી હત્યારાઓ હાજર હતાં. એક જણે જયેશને માથામાં પાછળથી લોખંડનો સળિયો મારીને સ્થળ પર મારી નાખ્યો હતો. ત્યારબાદ કપડાં ઉતારીને ચારે જણે જલદ તેજાબ જેવા રસાયણમાં લાશને ડૂબાડીને ઓગાળી નાખી હતી. લાશનો નિકાલ કરી ચારે સ્થળ પરથી ફરાર થઈ ગયાં હતાં.

સ્થળ પરથી મહત્વના પૂરાવાં મળ્યાં

હત્યારાઓ લાશનો નિકાલ કરીને ફરાર થઈ ગયાં પણ ઉતાવળમાં કેટલાંક પૂરાવા સ્થળ પર મૂકતાં ગયાં હતાં. DCIએ ક્રાઈમ સીન પરથી તૂટેલાં ચશ્મા, મૃતકના કાનની કડી, લોહીવાળો શર્ટ, કેટલાંક હાડકાં, લોખંડનો સળિયો અને હબસી હત્યારાઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલી મોટર સાયકલ જપ્ત કરી છે. હત્યાના બનાવ સંદર્ભે DCIએ કલ્યાણ વેકરીયા ઉપરાંત ત્રણે હિટમેન Munguti Mulandi, Gideon Muasa અને Steven Mwauની ધરપકડ કરી રીમાન્ડ પર લીધાં છે. હત્યાનો હેતુ શો હતો તે અંગે DCI તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના મતે આડા સંબંધો અથવા જમીનના સોદાની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન