click here to go to advertiser's link
Visitors :  
21-Feb-2024, Wednesday
Home -> Vishesh -> Green corridor helps in saving five lives in Gujarat
Wednesday, 24-Jan-2024 - Bureau Report 34300 views
ઝીંકડીનો ૧૫ વર્ષિય શિવમ્ અંતિમ વિદાય લેતાં અગાઉ પાંચને નવજીવન આપતો ગયો
કચ્છખબરડૉટકોમ, મોરબીઃ ભુજ તાલુકાના ઝીંકડી ગામનો ૧૫ વર્ષિય કિશોર શિવમ્ રમેશભાઈ ખાસા (આહીર) આજે પૃથ્વી પરથી અંતિમ વિદાય લેતાં પૂર્વે અન્ય પાંચ બહુમૂલી માનવ જિંદગીને નવજીવન આપતો ગયો છે.
Video :
બ્રેઈન ટ્યુમરથી પીડાતાં શિવમને અત્યંત ગંભીર હાલતમાં સપ્તાહ પૂર્વે મોરબીની આયુષ મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોએ ખૂબ જહેમત કરેલી પરંતુ તે બ્રેઈન ડેડ થઈ ગયો હતો.

હોસ્પિટલના તબીબોએ બ્રેઈન ડેડ શિવમના અંગોનું અન્યને દાન કરવા માવતરને વાત કરી. સેવાભાવી આહીર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યાં વગર વહાલસોયા પુત્રને અનેક જીવમાં જીવતો રાખવા માટે તુરંત સહમતિ આપી હતી. પિતા રમેશભાઈ ગોપાલભાઈ ખાસા, માતા કંકુબેન, બહેન રીના, મોટા ભાઈ રીતેશ, મોટા બાપા માવજીભાઈ અને હરિભાઈ સાથે સુરેશભાઈ કારાભાઈ ખાસા, માવજીભાઈ કરસનભાઈ આહીર, નારાણભાઈ શિવજીભાઈ કોવાડિયા, માવજીભાઈ પુનાભાઈ ખાસા, હરિ કાનજીભાઈ ખાસા, બાબુભાઈ કાનજીભાઈ ગાગલ સહિતના પરિવારજનોએ સહમતિ આપતાં જ તબીબોએ અંગદાન માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરેલી.

૧૬૮ મિનિટમાં અંગો મોરબીથી અવાદ પહોંચ્યાં

અંગદાન માટે કડીરૂપ બનતી સંસ્થા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO)ને શિવમની બંને કિડની અર્પણ કરાઈ છે જ્યારે તેનું લિવર અને ફેફસાં અમદાવાદની કે.ડી. હોસ્પિટલને અર્પણ કરાયાં છે. અમદાવાદથી મોરબી આવેલી કેડી હોસ્પિટલના વિશેષ તબીબોની ટીમે આજે પરોઢે ચાર વાગ્યાથી પ્રોસિજર શરૂ કરેલી અને સવારે સવા નવ વાગ્યાના અરસામાં એમ્બ્યુલન્સમાં ગ્રીન કોરિડોરથી પાંચેય અંગો માત્ર ૧૬૮ મિનિટમાં અમદાવાદ પહોંચાડાયાં હતાં. આ સદકાર્યમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લા અને શહેરની પોલીસ સહભાગી બની હતી.

આ સેવાભાવીઓ પરોપકારમાં બન્યાં સહભાગી

પરોપકારના આ કાર્યમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા), રાજકોટથી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, RSSના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશનના જિલ્લા પ્રમુખ ડૉ. વિજય ગઢિયા, આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચેતન અઘારા, આહીર પરિવારના સ્નેહી ગણપતભાઈ રાજગોર, સામાજિક કાર્યકર્તા હર્ષિતભાઈ કાવર અને તપનભાઈ દવે સહિતનાઓ સહભાગી બન્યાં હતાં.

ગુજરાતમાં અંગદાન અંગેની ઓછી જાગૃતિ

ગુજરાતમાં માણસના મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખૂબ ઓછી છે. ક્યાંક સામાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિના અંગદાનની કોઈ પહેલ કરતું નથી. મૃત્યુ પછી શરીર નિશ્ચેતન બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલાં કિડની, લિવર, હાર્ટ, ફેફસાં વગેરે જેવા અંગો અન્ય દર્દીઓને નવજીવન આપી શકે છે. કચ્છમાં રહીને અંગદાન જાગૃતિ માટેની ધૂણી ધખાવનારાં આરએસએસના મોભી દિલીપભાઈ દેશમુખે એક માસ અગાઉ આ જ હોસ્પિટલમાં કાર્યક્રમ યોજી મોરબીના તબીબોને અંગદાન જાગૃતિ માટે સમજણ આપી હતી. તેમના એ કાર્યક્રમ થકી જ આજે મોરબી જિલ્લાની કોઈ હોસ્પિટલમાંથી પ્રથમવાર અંગદાન શક્ય બન્યું છે.

Share it on
   

Recent News  
છરીથી હુમલો કરવાના ગુનાનો સૂત્રધાર આરોપી ગાંધીધામ કૉર્ટમાંથી ફરાર
 
રૂદ્રમાતા બ્રિજઃ તારીખ પે તારીખ.. તારીખ પે તારીખ.. આ શું માંડીને બેઠાં છો?
 
ગાંધીધામ ઉદયનગર પોસ્ટ ઑફિસના પોસ્ટ માસ્ટરે ૨૦.૧૨ લાખની ઉચાપત કરી