click here to go to advertiser's link
Visitors :  
26-May-2024, Sunday
Home -> Vishesh -> Anjar Police Detects Yash Tomar Kidnapping and Murder case Read More
Tuesday, 21-Nov-2023 - Gandhidham 66376 views
યશનું અપહરણ હત્યા કરી પૈસા પડાવવાનો પડોશીએ પાંચ વર્ષથી પ્લાન ઘડી રાખેલો!
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામ (ઉમેશ પરમાર) ઘેરથી કૉલેજ જવાનું કહી નીકળેલાં અંજારના ૧૯ વર્ષિય યશ સંજીવકુમાર તોમરના ભેદી સંજોગોમાં થયેલાં અપહરણ અને હત્યા કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પખવાડિયા લાંબી દોડધામ અને ગહન તપાસના અંતે રાજ્યભરમાં ચકચાર સર્જનાર આ ગુનામાં પોલીસે હતભાગી યશના પૂર્વ પડોશી એવા પટેલ આધેડ અને તેના સાગરીતની ધરપકડ કરી છે.

 

પોલીસની ૧૫ ટીમની ચોમેર સઘન તપાસ

મેઘપર બોરીચીની મંગલમ્ રેસિડેન્સીમાં રહેતો યશ આદિપુર તોલાણી કૉલેજમાં ડિપ્લોમા ફાર્મસીમાં અભ્યાસ કરતો હતો. ગત ૬ઠ્ઠી નવેમ્બરે પ્લેઝર મોપેડ લઈ નિત્યક્રમ મુજબ સવારે ૧૦ વાગ્યે તે કૉલેજ જવા રવાના થયો હતો. સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ઘરને તાળું મારીને પાલક માતા રેખાસિંગ શોપિંગ મૉલમાં જવા નીકળેલી ત્યારે તેણે યશને જાણ કરવા ફોન કરેલો પરંતુ ફોન કટ થઈ ગયો હતો. થોડીકવાર બાદ અજાણ્યા નંબર પરથી વળતો ફોન આવ્યો હતો અને ફોન કરનારે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવી તેને જીવતો છોડાવવો હોય તો ૧૧ નવેમ્બરે મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા જણાવ્યું હતું. બનાવ સમયે યશના પિતા સંજીવકુમાર ધંધાર્થે દિલ્હીમાં હતાં. મોડી રાત્રે રેખાસિંગે અંજાર પોલીસ મથકે દોડી જઈ જાણ કરતાં પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદીયા, DySP મુકેશ ચૌધરી, SP સાગર બાગમાર, રેન્જ આઈજી જે.આર. મોથલિયાએ બનાવની ગંભીરતા સમજી રાત્રે જ અંજાર ડિવિઝનના પોલીસ સ્ટેશન સાથે SOG અને LCBના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની ૧૫ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ સાથે ચોમેર શોધખોળ શરૂ કરી હતી.

૧૧ નવેમ્બરે યશનો દાટેલો મૃતદેહ મળેલો

સીસીટીવી કેમેરાની તપાસમાં યશની મોપેડ પાછળ કૉલેજ બેગ લટકાવીને હુડી પહેરેલો એક શખ્સ બેઠેલો દેખાયો હતો. બનાવના દિવસે યશ કોલેજ ગયો નહોતો. દરમિયાન, યશે સોશિયલ નેટવર્કિંગ એપ પર ‘ફસ ગયા’ લખેલી બાવળની ઝાડીની ચાર સેકન્ડની શૅર કરેલી વીડિયો ક્લિપ ધ્યાને આવતાં પોલીસે ઊંડી ટેકનિકલ તપાસ કરતાં આ જગ્યા પંચમુખા હનુમાન મંદિર પાછળ આવેલી બાવળની ગીચ ઝાડીના વિશાળ પટ્ટાની હોવાનું લોકેટ થયું હતું. પોલીસની વિવિધ ટૂકડીઓએ ઝાડીમાં બે દિવસ સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રોનની પણ મદદ લેવાઈ હતી. ૧૦ નવેમ્બરે પોલીસને ગીચ ઝાડી વચ્ચે તાજો ખોદાયેલો ખાડો જોવા મળ્યો હતો. ખાડા પાસેથી લાપત્તા યશનું બૂટ મળ્યું હતું. બીજા દિવસે પોલીસે જેસીબીની મદદથી પાંચ ફૂટનો ખાડો ખોદાવતાં તેમાંથી યશનો ડીકંપોઝ થઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

આરોપીએ કપડાં બદલ્યાં તે કડી પોલીસે પકડી

એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે યશનું અપહરણ થયું તેના ગણતરીના કલાકો બાદ જ તેને મારી નાંખી અહીં દાટી દેવાયો હતો. ઠંડા કલેજે કાવતરું રચીને એકથી વધુ લોકોએ આ ગુનાને અંજામ આપ્યો હોવાની શંકા દ્રઢ થઈ હતી. પોલીસે વિવિધ એંગલ પર તપાસ કરી પરંતુ કોઈ કડી મળતી નહોતી. દિવાળી અને નવ વર્ષના તહેવારની ઉજવણીને કોરાણે મૂકીને સૌ પોલીસ કર્મચારીઓ યશના હત્યારા સુધી પહોંચવા મથતાં હતાં. હ્યુમન સોર્સમાંથી કોઈ માહિતી મળતી નહોતી ત્યારે પોલીસની તપાસનો એકમાત્ર દારોમદાર સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ પર જ રહ્યો હતો. દરમિયાન, સીસીટીવી એનાલિસીસમાં સ્પષ્ટ થયું હતું કે પોલીસને ગુમરાહ કરવાના ઈરાદે યશની મોપેડ પાછળ બેઠેલાં શખ્સે પોતે કૉલેજીયન હોવાનો સ્વાંગ રચવાના હેતુથી કૉલેજ બેગ ધારણ કરીને હુડી પહેરી હતી. કારણ કે રસ્તામાં ક્યાંક તેણે કપડાં બદલાવ્યાં હતાં.

૩૫૦ CCTVનો ૧૨૦૦ GB ડેટા સ્કેન કરાયો

પોલીસે અંજાર, મેઘપર બોરીચી, આદિપુર જીઆઈડીસી, મણિનગર, આદિપુર બસ સ્ટેશન રોડ, અંતરજાળ સહિત વિવિધ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટના સાડા નવ કિલોમીટર લાંબા માર્ગને સંપૂર્ણ સ્કેન કરી ૩૫૦ જેટલાં સીસીટીવી કેમેરાના કલાકો લાંબા ફૂટેજનો ૧૨૦૦ ગિગાબાઈટનો ડેટા કલેક્ટ કરી એનાલિસીસ શરૂ કર્યું હતું. જેમાં અંતે આ શખ્સ ગાંધીધામના અંતરજાળના જલારામનગરમાં રહેતો મૂળ જામજોધપુરના જામવાલી ગામનો વતની ૫૯ વર્ષિય રાજેન્દ્રકુમાર ઊર્ફે રાજુ નરસિંહભાઈ કાલરીયા (પટેલ) હોવાનું આઈડેન્ટીફાય થયું હતું. પોલીસે રાજુની શોધખોળ કરતાં તે અમદાવાદના ગોતામાં આવેલાં તેના બીજા ઘરે નાસી ગયો હતો. પોલીસે તેને દબોચી લઈ પૂછતાછ કરતાં યશના અપહરણ અને હત્યા કેસનો ભેદ કબૂલ્યો છે.

૫ વર્ષથી યશના અપહરણ મર્ડરનો પ્લાન ઘડેલો

પોલીસ પૂછતાછમાં સ્પષ્ટ થયું છે કે રાજુ પાંચ વર્ષ અગાઉ ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરતો હતો. રાજુ ત્યારે અંજારના વરસામેડીની બાગેશ્રી સોસાયટી- ૦૫માં રહેતો હતો. તે સમયે હતભાગી યશ અને તેનો પરિવાર પણ તે સોસાયટીમાં તેની પડોશમાં રહેતા હતા. બેઉના પરિવાર વચ્ચે સારાં સંબંધો હતા. યશનો પરિવાર આર્થિક રીતે સમૃધ્ધ હોવાનું રાજુ જાણતો હતો. દરમિયાન, રાજુને ધંધામાં મોટી આર્થિક નુકસાની થયેલી. સિંધુબાગમાં આવેલું ૧.૧૮ કરોડનું મકાન વેચવું પડેલું. રાજુએ તેના પરિવારને અમદાવાદ રહેવા મોકલી દીધો હતો અને પોતે અંતરજાળમાં એકલાં રહી સીટ કવર, સોફા કવર રીપેરીંગનું કામ શરૂ કરેલું. પાંચ વર્ષ અગાઉ તેણે યશનું અપહરણ અને ખૂન કરી ખંડણી વસૂલવા મનમાં ગાંઠ વાળેલી.

પાંચ વર્ષ અગાઉ રાજુએ સીમકાર્ડ મોબાઈલ ખરીદેલાં

યશના અપહરણ મર્ડરના ગુના માટે રાજુએ પાંચ વર્ષ અગાઉ ડમી સીમકાર્ડ ખરીદયું હતું. સીમકાર્ડ સાથે એક સાદો મોબાઈલ ફોન ખરીદેલો. યશના અપહરણના ગુનામાં સીમકાર્ડ વાપરવાનું હોઈ પાંચ વર્ષમાં તેણે આ સીમકાર્ડ પરથી ક્યારેય કોઈની સાથે વાત કરી નહોતી. યશના અપહરણ અને મર્ડરમાં પોતે ના પકડાય તે માટે તેણે સીસીટીવી કેમેરાથી લઈ નાની નાની અનેક બાબતોનું ધ્યાન રાખ્યું હતું. અંતે તેણે ગુનાને અંજામ આપવાનો નિર્ધાર કર્યો હતો અને યશના આવવા જવાના માર્ગની રેકી કરવાનું શરૂ કર્યું હતું.

યશની મોપેડ પર લિફ્ટ લઈ તેને ઝાડીમાં લવાયો

૬ઠ્ઠી નવેમ્બરે યશ કોલેજ જવા નીકળ્યો ત્યારે રાજુએ તેના ઘર નજીક રોડ પર તેને અટકાવ્યો હતો. પોતાનું એક્ટિવા ખરાબ થઈ ગયું હોવાનું જણાવી તેણે યશને પોતાના ધંધાની સાઈટ પર મૂકી જવાનું કહી લિફ્ટ લીધી હતી. ઘટના સમયે રાજુએ દૈનિક ઉપયોગવાળો અંગત મોબાઈલ ફોન સાથે રાખ્યો નહોતો. યશને બાવળની ઝાડીમાં લઈ જવાયો તે સમયે રાજુએ અગાઉથી ત્યાં પોતાના અન્ય સાગરીત કિશન માવજીભાઈ સીંચ (ઉ.વ. ૪૦, રહે. વાવાઝોડા કેમ્પ ઝૂંપડા, ગાંધીધામ)ને હાજર રાખ્યો હતો. કિશન ૨૦૧૨માં રાજુના ઘેર કલરકામ કરવા આવેલો ત્યારથી તેના પરિચયમાં આવ્યો હતો. અપરિણીત કિશન રૂપિયા મળવાની લાલચે ગુનામાં સામેલ થયો હતો. યશને ઝાડીમાં લઈ જવાયાં બાદ બેઉ જણે તેના માથામાં પાઈપના ફટકા માર્યાં હતાં. પાઈપના પ્રહારથી યશ તમ્મર ખાઈને નીચે પડ્યો હતો. તરફડિયાં મારતાં યશની હત્યા કરવા તેમણે ગળામાં દોરડું બાંધી ટૂંપો આપીને ખાડામાં નાખ્યો હતો. મૃત યશને ખાડામાં દાટીને રાજુ અને કિશન બેઉ ફરાર થઈ ગયાં હતાં. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે હત્યા બાદ રાજુએ યશની મોપેડને સગેવગે કરી દીધી હતી.

મજૂરો પાસે દોઢ મહિના અગાઉ ખાડો ખોદાવેલો

રાજુએ પાંચ વર્ષ અગાઉ યશનું અપહરણ કરવાનું વિચારેલું ત્યારે યશ ઊંમરમા નાનો હતો. પરંતુ, હવે તે હાઈટ બૉડીવાળો ફૂટડો નવયુવાન થઈ ગયો હતો. જેથી રાજુએ તેનું અપહરણ કરી હત્યા કરી દાટી દેવાનો પ્લાન બનાવ્યો હતો. યશને અહીં બાવળની ઝાડીમાં લાવી મારી નાખી દાટી દેવા માટે તેણે દોઢેક મહિના અગાઉ મજૂરો બોલાવી ખાડો ખોદાવ્યો હતો. તે સમયે તેણે મજૂરોને મોબાઈલ ટાવર નાખવા માટે ખાડો ખોદાવતો હોવાનું જણાવ્યું હતું. યશની હત્યા કરી દાટી દીધો પરંતુ તેના પરિવાર પાસેથી પૈસા પડાવવાનો રાજુનો મૂળ ઉદ્દેશ્ય તો બર આવ્યો નહોતો. જેથી તેણે સાંજે યશની માતાને ફોન કરી ૧૧ નવેમ્બરે મુંબઈ આવી પૈસા આપી જવા જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે રાજુ અગાઉ ધંધાર્થે મુંબઈમાં પણ રહી ચૂક્યો છે. જેથી તેણે સ્થાનિક પોલીસથી બચવા ખંડણીના નાણાં મુંબઈમાં મેળવવા નક્કી કર્યું હતું.

ડેડબૉડી નીકળ્યાં બાદ રાજુ અમદાવાદ નાસી ગયેલો

૧૧ નવેમ્બરે પોલીસે ખાડામાં દટાયેલી યશની ડેડબૉડી બહાર કાઢતાં જ રાજુને પોલીસ પોતાના સુધી પહોંચી જશે તેવી બીક પેઠી હતી. જેથી તે દિવસે સાંજે તે અમદાવાદ તેની પત્ની-પુત્રીઓના ઘેર જતો રહ્યો હતો. પોલીસે અમદાવાદથી તેને ઝડપી પાડી ગઈકાલે અંજાર લાવી ગહન પૂછતાછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

યશને માથે કાળ ભમતો હોવાનો કુદરતી સંકેત મળેલો

આ ગુનામાં સૌથી મહત્વની કડી બની રહી છે યશે મરતાં પૂર્વે ફસ ગયા લખીને શૅર કરેલી ચાર સેકન્ડની વીડિયો ક્લિપ. પોલીસે જણાવ્યું કે રાજુ યશને ખોટું બહાનું બતાવી ઝાડીમાં લઈ આવ્યો હતો. યશના માથામાં પાછળથી પાઈપ મારવા માટે તે મોકો શોધતો હતો તે સમયે તે યશની નજરથી ઓઝલ થયેલો. ત્યારે યશને જાણે પોતાના માથે ભમી રહેલાં કાળનો કુદરતી સંકેત મળી ગયો હતો. તેણે તુરંત મોબાઈલ કાઢીને વીડિયો ક્લિપ શૅર કરી દીધી હતી. આ વીડિયો ક્લિપ અને રાજુએ પોલીસને ગુમરાહ કરવા બદલેલાં કપડાંની કડી આ ગુનાને ઉકેલવા ખૂબ ચાવીરૂપ સાબિત થઈ છે.

કેટલાંક મહત્વના પૂરાવા, તપાસ હજુ બાકી

યશની હત્યા બાદ તેનું મોપેડ ક્યાં છૂપાવાયું, ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ સહિત કેટલાંક મહત્વના પૂરાવા અને તપાસ બાકી છે. અપહરણ હત્યાના ગુનાને કેવી રીતે અંજામ આપ્યો તે સચોટ રીતે સ્પષ્ટ કરવા પોલીસ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરે તેવી શક્યતા છે.

Share it on
   

Recent News  
રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકો જીવતાં ભડથું
 
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
 
લોકો હનીટ્રેપની ફરિયાદ નોંધાવતાં હજારવાર વિચારશે! માધાપરના તે યુવક પર રેપની FIR