click here to go to advertiser's link
Visitors :  
15-Jul-2024, Monday
Home -> Vishesh -> Accused who slapped Bhun mayor held and bail out under CrPC 151
Friday, 08-Sep-2023 - Bhuj 71397 views
‘થપ્પડકાંડ’નું સુરસુરિયું! FIR થઈ નહીં ને સુલેહભંગ બદલ પકડાયેલ આરોપી જામીન મુક્ત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નગરપાલિકા પ્રમુખને થપ્પડ મારવાની ઘટનામાં ફોજદારી ફરિયાદ કોણ કરે તે મામલો બે દિવસથી અધ્ધરતાલ રહ્યો છે. તે વચ્ચે પોલીસે થપ્પડ મારનાર કહેવાતા ગૌરક્ષકની જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ CrPC ૧૫૧ હેઠળ અટકાયત કરી હતી.

ત્યારબાદ, આરોપીને મામલતદારે નિયમ મુજબ જામીન પર મુક્ત કરી દીધો હતો. સમગ્ર ઘટનામાં FIR નોંધી કડક કાયદેસર કાર્યવાહી થવાના બદલે તેનું સુરસુરિયું થઈ ગયું છે! કેમેરા સામે થપ્પડ ખાનાર પ્રમુખની વીડિયો ક્લિપ દેશભરમાં ફરી રહી છે, રડતાં પ્રમુખના ઈન્ટરવ્યૂની વીડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. લોહાણા સમાજે ઠેર ઠેર આવેદન પત્રો આપ્યાં, સફાઈ કામદારોએ હડતાળ છેડી પણ અંતે દળી દળીને જાણે બધું ઘંટીમાં જ ગયું હોવાનો ઘાટ સર્જાયો છે!

પોલીસની હાજરીમાં પોતાના પર હુમલો થયો હોઈ પોલીસ જાતે સરકાર તરફે ફોજદારી ગુનો નોંધે તેમ કહી પ્રમુખે ફરિયાદ નોંધાવી નથી.

હુમલાનો ભોગ બનનાર જ્યાં સુધી જાતે ફરિયાદ નોંધાવવા ના આવે ત્યાં સુધી અમે કઈ રીતે સુઓ મોટો કોગ્નિઝન્સ (સ્વતઃ સંજ્ઞાન) લઈ ફોજદારી નોંધીએ તેમ કહી પોલીસ FIR નોંધવા તૈયાર નથી.

આરોપીની સુલેહ શાંતિ ભંગ બદલ અટક અને મુક્તિ

પ્રમુખને થપ્પડ મારનાર ભુજના સુખપર ગામના ૨૧ વર્ષિય મહિપતસિંહ ઊર્ફે લાલો જખુભા સોઢાની ગત રાત્રે ૧૫૧ હેઠળ LCBએ અટક કરી ભુજ એ ડિવિઝન પોલીસને સુપ્રત કર્યો હતો. આજે બપોરે આરોપીને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ (મામલતદાર) સમક્ષ રજૂ કરાયો હતો અને તેને જાત મુચરકા પર છોડી દેવાયો હતો. આમ, હવે આ મામલે પોલીસ વધુ કોઈ કાર્યવાહી કરે તેવી શક્યતા જણાતી નથી.

સફાઈ કામદારોની હડતાળ અને ઠરાવ

પ્રમુખને પડેલી થપ્પડ વચ્ચે પાલિકાના સફાઈ કામદારો પણ ગૌરક્ષકોની ગુંડાગીરીના વિરોધમાં એકાએક હડતાળ પર ઉતરી ગયાં હતાં. આજે સવારે ભુજના ટાઉન હોલ ખાતે વર્તમાન બૉડીની અંતિમ સામાન્ય સભા ટાણે સફાઈ કામદારોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. શાસક અને વિપક્ષી સદસ્યોની રજૂઆતના પગલે પ્રમુખ પર થયેલા હુમલાને વખોડતો ઠરાવ પસાર કરાયો હતો. પ્રમુખ અને અન્યોની સમજાવટ બાદ સફાઈ કામદારો હડતાળ પરત ખેંચીને કામે વળગી ગયાં હતાં.

માર ખાનારો સફાઈકર્મી પણ FIR કરતાં ફસકી ગ્યો!

નાગોર ડમ્પિંગ સાઈટમાં બે ગાયોના વીજ કરંટથી મૃત્યુના બનાવ મામલે ગૌરક્ષકો દ્વારા પાલિકા પ્રમુખને ઘેરી લઈ, ભૂંડી ગાળો બોલી તમાચો મારવાના બનાવના એક-બે દિવસ અગાઉ કહેવાતા ગૌરક્ષકોએ સુરેશ નામના એક સફાઈ કામદારને પણ રૂમમાં પૂરીને માર માર્યો હોવાના મામલે સફાઈ કામદારોએ આક્રોશ દર્શાવ્યો હતો. આ મામલે સુરેશને લઈ કેટલાંક સફાઈ કામદારો ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યાં હતાં પરંતુ પાછળથી ગમે તે કારણોસર સુરેશ ફોજદારી ફરિયાદ નોંધાવવામાં ફસકી ગયો હતો!

ગૌરક્ષાની આડમાં અનેકવાર ગુંડાગીરી થાય છે

ગૌમાતા અને ગૌરક્ષા ભાજપના ચૂંટણી પ્રચાર અને હિંદુત્વના એજન્ડાનો પ્રમુખ મુદ્દો રહ્યો છે. ભાજપ શાસિત અનેક રાજ્યોમાં ગૌરક્ષાના નામે અનેકવાર કહેવાતા ગૌરક્ષકોએ કાયદો હાથમાં લઈને હત્યા સુધીના ગુના આચરેલાં છે. થોડાંક વર્ષો અગાઉ ભુજમાં નાગોર રોડ પર ટ્રકમાં દાડમ લઈને જઈ રહેલાં કેટલાંક યુવકો પર કહેવાતા ગૌરક્ષકોએ હિંસક હુમલો કર્યો હતો.

બધાં ગૌરક્ષકો ગુંડા નથી, ઘણાં સાચા ભાવથી ગૌરક્ષા અને ગૌસેવાને સમર્પિત છે, પરંતુ ગૌરક્ષાની આડમાં અનેક અસામાજિક તત્વો જાણે ગુંડાગીરી કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ વર્તે છે તે વાસ્તવિક્તા પણ અવગણી શકાય તેમ નથી.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગૌરક્ષકના લિબાસમાં ફરતાં અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા અગાઉ અનેક વખત જાહેર મંચો પરથી બોલી ચૂક્યાં છે. જો કે, તથ્ય એ પણ છે કે કેટલાંક ગૌરક્ષકો ભાજપ કે ભાજપની ભગિની સંસ્થાઓ સાથે જોડાયેલાં છે.

પ્રમુખને થપ્પડ મારવાની ઘટનામાં ફોજદારી ફરિયાદ દાખલ ના થાય તે માટે પડદા પાછળ ઘણું રંધાઈ રહ્યું હોવાનું ચર્ચાય છે. પ્રમુખ અને પોલીસનું વલણ જોતાં થપ્પડ મારનારને ‘સેફ પેસેજ’ મળી ગયો હોય એમ જણાય છે.
Share it on
   

Recent News  
ઉપ સરપંચના હત્યા કેસમાં પેરોલ પર ફરાર થઈ ગાંધીધામમાં ગુના આચરતો રીઢો ગુંડો ઝબ્બે
 
સયાજીનગરી અને બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ સહિત ૪૬ ટ્રેનોમાં વધારાના ૯૨ જનરલ કોચ જોડાયા
 
ભુજના પૂર્વ SDM જોશીનું જમીન કૌભાંડઃ ૪ કેસમાં જમીનો ગેરકાયદે નિયમિત કરી આપેલી