કચ્છખબરડૉટકોમ, મુંબઈઃ ૧૦ લાખ રૂપિયાની અસલી ચલણી નોટ સામે પાંચસોના દરની ૪૦ લાખ રૂપિયાની નકલી નોટની ડિલિવરી આપવા જતાં ભુજના બે યુવકો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયાં છે. મુંબઈના સામાજિક કાર્યકર બીનુ વર્ગીઝે બેઉ યુવકોને ટ્રેપ કરીને પોલીસના હાથે ઝડપાવી દીધાં છે. વર્ગીઝે જણાવ્યું કે ગુજરાતના એક સોર્સ મારફતે તેમને ભુજની ગેંગનો નંબર મળ્યો હતો. વર્ગીઝે જણાવ્યું કે ગુજરાતના એક સોર્સ મારફતે તેમને ભુજની ગેંગનો નંબર મળ્યો હતો. આ ગેંગે એક અસલી નોટ સામે ચાર ગણી કિંમતની નકલી નોટ પધરાવવાની ઑફર કરેલી. બે માસથી વાતચીત ચાલતી હતી.
ચીટરો તેમને નોટની ડિલિવરી લેવા માટે ભુજ કે ભરુચ જેવી જગ્યાએ બોલાવતાં હતા પરંતુ વર્ગીઝે મુંબઈ આવી ડિલિવરી કરો તો જ સોદો ફાઈનલ કરીશ તેમ કહી તેમને મુંબઈ બોલાવ્યાં હતાં.
રવિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં બે યુવકો નકલી નોટની ડિલિવરી આપવા મુંબઈના છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ પહોંચ્યાં હતા. વર્ગીઝે આ અંગે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આગોતરી જાણ કરી દીધેલી. પોલીસે રેલવે સ્ટેશન પર ધસી જઈ બેઉને નકલી નોટના જથ્થા સાથે ઝડપી પાડ્યાં હતાં.
સમગ્ર રેકેટમાં અન્ય કોણ કોણ કેવી રીતે સામેલ છે, મુંબઈના સ્થાનિક લોકો સામેલ છે કે કેમ તે સહિતની બાબતે પૂછપરછ જારી રહી હોઈ પોલીસે હજુ બનાવ અંગે સત્તાવાર વિગતો જારી કરી નથી.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ભુજમાં અસલી સામે ડબલ કે ચાર ગણી નકલી નોટ પધરાવવાના નામે છેતરપિંડીના બનાવો બહાર આવી ચૂકેલાં છે. મુંબઈ પોલીસે પણ ગત વર્ષે ઑગસ્ટ માસમાં આ જ રીતે પચાસ લાખની ચલણી નોટ લઈને મુંબઈ આવેલા ઉસ્માન સમા અને અબ્દુલ તુર્ક નામના ભુજના બે યુવકોને ખારઘર રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યાં હતાં.
Share it on
|