click here to go to advertiser's link
Visitors :  
14-Jun-2024, Friday
Home -> Kutch -> Sopari Todkand FIR filed against six including four policeman at Mundra
Wednesday, 11-Oct-2023 - Bhuj 63044 views
૩.૭૫ કરોડના ચકચારી સોપારી તોડકાંડમાં ૪ પોલીસમેન સહિત ૬ સામે ફોજદારી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના ચકચારી સોપારીકાંડમાં ૩.૭૫ કરોડનો તોડ કરનારાં ચાર પોલીસ કર્મચારી, પાર્ટી અને પોલીસ વચ્ચે વચેટિયા જેવી ભૂમિકા ભજવનાર પૂર્વ રેન્જ IGના ભાણિયા તથા ગાંધીધામના પંકિલ મોહતા સામે ફરિયાદ દાખલ થઈ છે. તમામ ૬ આરોપીએ એકમેકની સાંઠગાંઠમાં કાવતરું રચીને, ફરિયાદીની સોપારી ભરેલી ટ્રક પકડ્યાં બાદ ગોડાઉન મેનેજરનું અપહરણ કરી, ફરિયાદી પર ખોટો કેસ કરવાની ધમકી આપીને ૩.૭૫ તોડ કર્યો હોવાની મુંદરા પોલીસ સ્ટેશનમાં ગંભીર ધારાઓ તળે ફરિયાદ નોંધાઈ છે.

આરોપીમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ASI કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા, ASI રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા, ASI રાઈટર રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ભરત આશરીયાભાઈ ગઢવી તથા વચેટિયાની ભૂમિકા ભજવનારા પૂર્વ રેન્જ આઈજી સ્વ. એ.કે. જાડેજાના ભાણેજ શૈલેન્દ્રસિંહ ઊર્ફે ભાણુભા માધુભા સોઢા અને ગાંધીધામના વિવાદાસ્પદ યુવા બીઝનેસમેન પંકિલ સુનિલભાઈ મોહતાનો સમાવેશ થાય છે.

૧૩ એપ્રિલે ખાખીધારીઓએ સોપારીની ગાડી પકડેલી

ગાંધીધામમાં ફોરફોક્સ લોજીસ્ટીક નામે વેરહાઉસીંગ અને કસ્ટમ ક્લિયરન્સની કંપની ચલાવતાં ૫૨ વર્ષિય અનિલ તરુણ પંડિત (મૂળ રહે. મુંબઈ, હાલે રહે. માધવ રેસિડેન્સી, શિણાય)એ ફરિયાદમાં જણાવ્યું કે ઘટના ૧૩-૦૪-૨૦૨૩ના રોજ ઘટી હતી. તે મુંબઈમાં બીમાર માતાની ખબર કાઢવા ગયો હતો ત્યારે સાંજે સાડા સાતના અરસામાં તેને મિત્ર પંકિલ મોહતાએ વૉટસએપ કૉલ કરેલો.

પંકિલે જણાવ્યું હતું કે તેની સોપારી ભરેલી ગાડી ક્રાઈમ બ્રાન્ચના માણસોએ પકડેલી છે અને તમારા મુંદરામાં આવેલા  ગોડાઉનને સીલ મારશે. પોલીસ કેસ અને કાર્યવાહીથી બચવું હોય તો તમારે રૂપિયા આપવા પડશે.

અનિલ પંડિતે દસ-વીસ હજાર રૂપિયા પકડાવી પૂરું કરવા કહેલું પણ પંકિલે સોપારીની મેટર હોઈ થોડાં રૂપિયામાં નહીં પતે તેમ કહેલું. ત્યારબાદ ફરિયાદીએ તેના મિત્ર પંકજ ઠક્કરને ફોન કરી પંકિલ જોડે વાત કરવા કહેલું. પંકજે પંકિલને ફોન કરી કોન્ફરન્સ કૉલમાં અનિલને જોડી વાત કરતાં પંકિલે જણાવેલું કે પોલીસવાળા પાંચ કરોડ રૂપિયા માંગે છે. રકઝકના અંતે અનિલ ૩.૭૫ કરોડ રૂપિયા આપી પતાવટ કરવા તૈયાર થયો હતો.

મેનેજરને લાફો મારી ક્રેટામાં અપહરણ કરેલું

ખાખીધારીઓએ મુંદરા ઝીરો સર્કલ નજીક સોપારી ભરેલી ટ્રક પકડેલી. તોડની રકમ મામલે ચાલી રહેલી રકઝક દરમિયાન ખાખીધારીઓએ સફેદ ક્રેટા કારમાં અદાણી વિલમાર સામે આવેલા ફરિયાદીના ગોડાઉન પર પહોંચ્યાં હતાં. કોન્સ્ટેબલ ભરત ગઢવીએ ફોન કરીને ગોડાઉન મેનેજર આશિષ પટેલને બોલાવ્યો હતો. આશિષ આવ્યાં બાદ તેને લાફો મારીને ખાખીધારીઓએ તેને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધો હતો. તોડની રકમ ફાઈનલ થઈ ગયાં બાદ ખાખીધારીઓએ રાત્રે ૧૧.૩૦ના અરસામાં આશિષને મુક્ત કરી દીધો હતો.

૩.૭૫ કરોડ રૂપિયા આ રીતે પહોંચતા કર્યાં

બીજા દિવસે એટલે ૧૪ એપ્રિલે અનિલ પંડિતે તેના પાર્ટનર દિનેશ માસ્તરને કહી પંકિલને ૫૦ લાખ રોકડાં પહોંચાડ્યાં હતાં. મિત્ર પંકજ ઠક્કરને કહી ૫૦ લાખનો હવાલો પાડ્યો હતો. પંકજે પોતે ૧૫ લાખ રૂપિયા પંકિલના પિતા સુનીલ પાસે માંગતો હોઈ ૩૫ લાખ પહોંચતાં કરી ૧૫ લાખ રૂપિયા વળાવી દીધા હતાં. ૧૭ એપ્રિલના રોજ અનિલે પાર્ટનર દિનેશ માસ્તર મારફતે ૧ કરોડ રોકડાં મોકલાવ્યાં હતાં. ૧૮ એપ્રિલે દિલ્હીથી ૪૭ લાખ રૂપિયા આંગડિયાથી ગાંધીધામ મોકલાવી દિનેશ મારફતે પહોંચતા કર્યાં હતાં. અનિલે આ રીતે ૨ કરોડ ૪૭ લાખ રોકડાં મોકલાવ્યાં હતા જ્યારે બાકીના ૧.૨૮ કરોડ રૂપિયા પોતાને પંકિલ પાસેથી લેવાના નીકળતાં હોઈ તે નાણાં પતાવટના વ્યવહારમાં ગણી લેવા જણાવ્યું હતું.

તોડ થયાનાં અઢી મહિને આઈજીને અરજી આપી

૧૩ એપ્રિલની રાત્રે સોપારી મામલે ૩.૭૫ કરોડનો તોડ થયાના અઢી મહિને એટલે કે ૨૭ જૂને અનિલ પંડિતે ભુજમાં રેન્જ આઈજી કચેરીએ જઈને તોડકાંડ મામલે અરજી આપી હતી. પંકિલ મોહતા અને ખાખીધારીઓએ પોતાને ખોટી રીતે ફસાવી દેવાની અને પોલીસ કેસ થશે તેમ કહી બીવડાવીને ખોટી રીતે ૩.૭૫ કરોડ રૂપિયા પડાવ્યાં હોવાનું જાણવા મળતાં પોતે આ મામલે અરજી આપી હતી તેમ અનિલે ફરિયાદમાં લખાવ્યું છે.

૮૫ લાખ કિરીટને અને ૧.૪૭ કરોડ ભાણુભાને મળેલાં

અનિલે અરજી આપતાં તોડબાજ પોલીસ કર્મચારીઓ અને પંકિલની ફેં ફાટી ગઈ હતી. પંકિલે અનિલને કહ્યું હતું કે તમારી મેટરમાં શૈલેન્દ્રસિંહ ઊર્ફે ભાણુભા મારફતે પતાવટ થયેલી. તમે આપેલા રૂપિયામાંથી ૮૫ લાખ રૂપિયા મેં મારા ડ્રાઈવર બાબુભાઈ પ્રજાપતિ મારફતે ગાંધીધામ સપનાનગરમાં રહેતાં ASI કિરીટ ઝાલાના ઘેર મોકલાવ્યાં હતાં. ૧.૪૭ કરોડ રૂપિયા એન.આર. આગડિયા મારફતે મેં ભાણુભાના ખાતાના જમા કરાવેલાં.  

હોટેલ રેડિસનમાં પતાવટ માટે મીટીંગ થયેલી

અનિલ પંડિતે અરજી કર્યાં બાદ ગાંધીધામની હોટેલ રેડિસનમાં પંકજ ઠક્કર, પંકિલ મોહતા, પંકિલના વકીલ રૂચિત વ્યાસ, ફરિયાદી અને ફરિયાદીના મિત્ર જિજ્ઞેશ પ્રજાપતિ વચ્ચે મીટીંગ થયેલી. જેમાં પંકિલે અરજી પાછી ખેંચી લે તો તમામ રૂપિયા પરત આપી દેવાનો વાયદો કર્યો હતો.

૧૩ લાખ રૂપિયા હજુ પંકિલે આપ્યાં નથી

અનિલ પંડિતે જણાવ્યું કે મીટીંગમાં કરેલા વાયદા મુજબ બે દિવસ બાદ પંકિલે ૨.૩૨ કરોડ રૂપિયા એન.આર. આંગડિયા પેઢીથી પી.એમ. આંગડિયામાં તેના નામે ટ્રાન્સફર કરાવ્યાં હતાં. કેટલીક રકમ તેની કંપનીના ખાતામાં RTGSથી મોકલી હતી. જો કે, હજુ ૧૩ લાખ રૂપિયા પંકિલે આપ્યાં નથી. એટલું જ નહીં, દુબઈ રહેતા પંકિલના પિતાએ તેની વિરુધ્ધ પોલીસ અને અન્ય એજન્સીઓમાં ઑડિયો ક્લિપ મોકલી તેમજ લખાણપટ્ટી કરીને બદનામી કરતા હોઈ મોડેથી ફરિયાદ નોંધાવી છે.

વિવિધ ગંભીર કલમો તળે FIR દાખલ કરાઈ

આરોપીઓ સામે ભારતીય દંડસંહિતાની કલમ ૧૨૦-બી (ગુનાહિત કાવતરું રચવું), ૩૬૫ (અપહરણ), ૩૪૨ (ગેરકાયદે ગોંધી રાખવું) ૩૮૯ (ખંડણી વસૂલવા ગંભીર કેસમાં ફસાવી દેવાની બીક બતાડવી) ૩૮૪ (ખંડણી માંગવી), ૧૧૪ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ ધારા હેઠળ ગુનો દાખલ કરાયો છે. ગુનાની તપાસ DySP જે.જે. ગામીતને સોંપાઈ છે.

અને પાઘડીનો વળ છેડે!

ફરિયાદના અંતે અનિલ પંડિતે સોપારી ભરેલી જે ટ્રક પકડાઈ તે અંગે વિગતો આપતાં જણાવ્યું કે ટ્રકમાં ૧ કરોડ ૫૪ હજારની કિંમતની સોપારી ભરેલી હતી. સોપારીનો જથ્થો મુંદરાની મોહિત એન્ટરપ્રાઈઝ નામની પેઢીનો હતો જે તેના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. મોહિત એન્ટરપ્રાઈઝ દ્વારા સોપારીનો જથ્થો દિલ્હીની સાગર ગ્લાસ ટ્રેડર્સ નામની પેઢીને મોકલાતો હતો. તે અંગેના ઈ-વે બિલ તથા ટેક્સ ઈન્વોઈસની નકલો પણ ફરિયાદ સાથે રજૂ કરાઈ છે. ઓનલાઈન ઈ-વે બિલ ૧૩ એપ્રિલની રાત્રે ૯ કલાકે જનરેટ કરાયેલું હતું.

તોડકાંડને લઈને ઉઠતાં અનેક સવાલો

છેલ્લાં છ માસથી ચર્ચાના ચગડોળે ચઢેલાં આ પ્રકરણમાં અંતે મંગળવારે મુંદરા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. જો કે, ફરિયાદમાં નહીં જણાવાયેલી અને પબ્લિકમાં ચર્ચાતી અનેક એવી બાબતો છે કે જેના કારણે FIRથી વિવાદાસ્પદ પ્રકરણનો અંત આવે તેમ જણાતું નથી.

Share it on
   

Recent News  
ભુજમાં ઝડપાયેલી આયુ. સિરપ બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ નીકળીઃ ઘાતક કેમિકલની મળી હાજરી
 
મુંદરામાં બે યુવકે મહિલાની છેડતી કરતાં લોકોનો હિંસક હુમલોઃ સામસામી ફરિયાદ
 
ભુજના ASIની રાજસ્થાનમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ