કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના રતડીયા નજીક આવેલી ક્રોમેની સ્ટીલ કંપનીની અંદર, પાણીના ટાંકામાંથી માનવ કંકાલ મળી આવતાં રહસ્ય સર્જાયું છે. આ કંકાલ સ્ત્રીનું છે કે પુરુષનું, અપમૃત્યુ કેવી રીતે થયું તે જાણવા પ્રાગપર પોલીસે તપાસ હાથ ધરી છે. અંદાજે આઠ-દસ મહિના અગાઉ અપમૃત્યુનો બનાવ બન્યો હોવાનું પોલીસનું માનવું છે. ગઈકાલે સાંજે કંપનીના કંપાઉન્ડમાં ગાયો ઘૂસી આવતાં સિક્યોરીટી ગાર્ડ ગાયો બહાર ભગાડવા જતાં કંપનીની જૂની ઑફિસ પાછળ આવેલા પાણીના ભૂગર્ભ ટાંકા પાસે પહોંચ્યો હતો. ટાંકામાં નજર કરતાં હાડપિંજર પર નજર પડતાં મામલો બહાર આવ્યો હતો. પાણીના ટાંકાનો લાંબા સમયથી ઉપયોગ કરાતો નથી. હાડપિંજરના આધારે મૃતકની ઓળખ કરી અપમૃત્યુનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારરૂપ કાર્ય છે. પીઆઈ હાર્દિક ત્રિવેદીએ અકસ્માત મૃત્યુની નોંધ પાડી તપાસ હાથ ધરી છે.
Share it on
|