કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’ના સરકારી દાવા સામે ભ્રષ્ટાચારના ભોરીંગે કસ્ટમ તંત્રનો ટોપ ટૂ બોટમ સકંજો લઈ લીધો છે. મુંદરા કસ્ટમમાં લાબાં સમય સુધી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવીને બે માસ અગાઉ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પ્રમોશન મેળવી જામનગરમાં બદલી પામેલો નીતિન શર્મા મુંદરામાં ફરજ દરમિયાન થયેલાં જૂના ‘વહીવટ’ની પતાવટ કરતાં ઝડપાયો છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નીતિન શર્મા મુંદરામાં મલાઈદાર ગણાતાં ડૉક એક્ઝામિનેશન સેક્શનમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. જુદાં જુદાં કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનમાં રહેલાં કન્ટેઈનરનું વેરીફિકેશન કરવા પેટે કન્ટેઈનરદીઠ લાંચ વસૂલી ક્લિયરન્સ આપતો હતો. અનિલ નારાયણ સિંઘ નામની પાર્ટીના કન્ટેઈનરોના ક્લિયરન્સ પેટે તેને ૭.૫૦ લાખ રૂપિયા લેવાના નીકળતાં હતાં. દરમિયાન, જામનગરમાં પ્રમોશન સાથે બદલી થઈ ગઈ હતી.
જામનગર ગયાં બાદ બાકી હિસાબ પૂરો કરવા તે પાર્ટીને દબાણ કર્યાં કરતો હતો. મામલો સીબીઆઈના ધ્યાને આવ્યાં બાદ સીબીઆઈએ ગત સાંજે મુંદરામાં શર્મા વતી બે લાખ રૂપિયા સ્વિકારી, નાણાં મળી ગયાં હોવાનું શર્માને ફોન પર કન્ફર્મેશન કરનારાં વચેટિયાને દબોચી લીધો હતો. બાદમાં જરૂરી પૂરાવા એકત્ર કરી જામનગરથી શર્માને પણ ઝડપી પાડ્યો હતો.
CBIને મળેલી ડાયરીથી કસ્ટમ તંત્રની ઊંઘ હરામ
વિશ્વસનીય સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ શર્મા અને તેના વચેટિયાને દબોચી લીધાં બાદ તેમની પૂછતાછ, તપાસમાં સીબીઆઈને એક ડાયરી હાથ લાગી છે. આ ડાયરીમાં ભ્રષ્ટાચારનો હિસાબ-કિતાબ છે, કોને કેટલાં રૂપિયા ચૂકવાયાં તેની સ્ફોટક વિગતો છે.
ભ્રષ્ટાચારનો રેલો ઉચ્ચ સ્તરે બીરાજતાં ઑફિસરોના પગ તળે જાય તેવી શક્યતા હોવાના કારણે અન્ય ભ્રષ્ટ કસ્ટમ કર્મચારી અને અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
CBIએ મુંદરામાં કરેલી કાર્યવાહી અંગે હજુ સત્તાવાર વિગતો જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટ તંત્રના પરિણામે જ દેશના બંદરો પર મોટાપાયે આયાત નિકાસમાં કરોડો રૂપિયાની દાણચોરી થાય છે. ઉલ્લેખનીય છે કે જૂલાઈ ૨૦૧૭માં હેવી મેટલ સ્ક્રેપની આડમાં ઈરાનથી ૨૭ કિલો સોનુ આયાત કરવાના કૌભાંડમાં CHAને ક્લિનચીટ આપવા બદલ ૪૦ લાખની લાંચના કેસમાં મુંદરા કસ્ટમના ડેપ્યુટી કમિશનર એસ.જે. સિંહ સામે સીબીઆઈએ ગુનો દાખલ કર્યો હતો. સીબીઆઈએ મુંદરામાં ઓપરેશન હાથ ધરી સિંહ વતી વીસ લાખની લાંચ લેતાં હિતેન ઠક્કરને દબોચી લીધો હતો.
અ’વાદનો પૂર્વ IT એડિ. કમિશનર વધુ એક કેસમાં ફીટ
મુંદરાના લાંચકાંડ સમાંતર CBIએ અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગના પૂર્વ એડિશનલ કમિશનર સંતોષ કરનાની સામે ભ્રષ્ટાચારનો વધુ એક ગુનો નોંધ્યો છે. ૧૨-૧૦-૨૦૨૨ના રોજ ગુજરાત ACBએ લાંચિયા સંતોષ કરનાનીને પકડવા ટ્રેપ ગોઠવી હતી પરંતુ કરનાની હોબાળો કરીને કચેરીમાંથી નાસી છૂટ્યો હતો. પાછળથી આ કેસની તપાસ CBIએ સંભાળી હતી. CBIએ કરનાનીના મિડલમેન વિવેક જોહરીની પૂછતાછ કરતાં બહાર આવ્યું હતું કે કરનાનીએ વિવેકને તેના બે મોબાઈલ ફોન સાબરમતિ નદીમાં ફેંકી દઈ નાશ કરવા આપ્યાં હતાં.
CBIએ નદીમાં જે જગ્યાએ વિવેકે ફોન ફેંકી દીધા હતા ત્યાં એડવાન્સ્ડ સોનાર ટેકનોલોજીનો ઉપયોગ કરી બેઉ ફોન રીકવર કર્યાં હતાં. બંને ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યાં હતાં. ફોરેન્સિક તપાસમાં કરનાની અને અમદાવાદના એક બિલ્ડરની વોટસએપ ચેટ બહાર આવી હતી.
તે અંગે ઊંડાણપૂર્વક થયેલી તપાસમાં કરનાનીના લાંચકાંડનો નવો ઘટસ્ફોટ થયો છે. CBIએ જણાવ્યું કે અમદાવાદની શ્રી કાન્હાઈ રીયલ્ટી પ્રા. લિ. સામે ઈન્કમટેક્સ વિભાગે કરચોરી સંદર્ભે કરેલો એક કેસ ઈન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુલમાં આવ્યો હતો. આ કેસમાં પોતાની ફેવર કરવા માટે કાન્હાઈ રીયલ્ટી લિમિટેડના ડિરેક્ટર ઈલેશ શાહે કરનાનીનો સંપર્ક કર્યો હતો. કરનાનીએ ફેવર કરવાના બદલામાં પોતાની પત્ની આરતીના નામે ૪૦ લાખની કિંમતે ૨૪૨૮ ચોરસ મીટર જમીન મેળવી હતી. માર્કેટ રેટ મુજબ જમીનનો ભાવ સાડા ત્રણ કરોડ રૂપિયા થાય છે. બદલામાં કરનાનીએ ઈલેશ શાહ સાથે કેસ બાબતે મહત્વની માહિતી શેર કરી હતી તેમજ તેના એડવોકેટ સાથે મીટીંગ કરી હતી. કરનાની ‘ફૂટી’ જવાના કારણે ઈન્કમટેક્સ વિભાગ કેસ હારી ગયો હતો.
Share it on
|