કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ માલ્ટા નામના દેશમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીને પંજાબના ગઠિયાઓએ ગાંધીધામમાં રહીને મજૂરી કરતાં બે મિત્રો પાસેથી ૩.૨૪ લાખ રૂપિયા પડાવીને ઠગાઈ કરી છે. ૨૦૨૩ના એપ્રિલ અને મે માસ દરમિયાન થયેલી ઠગાઈ અંગે પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીધામના ખોડિયારનગરના મારવાડી વાસમાં રહેતો ફરિયાદી ભંવરલાલ પરિહાર કંડલા ફ્રી ટ્રેડ ઝોનની ફેક્ટરીમાં કામ કરે છે. ફેક્ટરીના સહકર્મી મિત્ર નરેશ મકવાણાએ ફેસબૂક પર RMR ઈમિગ્રેશન નામની પેઢીની જાહેરાત જોઈ હતી, જેમાં વિદેશમાં ઊંચા પગારે નોકરીની લાલચ અપાઈ હતી. નરેશ અને ભંવરલાલે લલચાઈને આ પેઢીનો ફોન પર સંપર્ક કરેલો.
ગઠિયાઓએ તેમની પાસે સૌપ્રથમ જરૂરી ડોક્યુમેન્ટ મગાવેલાં. બાદમાં તેમના ડોક્યુમેન્ટ માલ્ટા માટે ક્લિયર થઈ ગયાં હોવાનું જણાવી પંજાબના મોહાલીમાં આવેલી ઑફિસે પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સાથે રૂબરૂ બોલાવેલાં.
બેઉ જણ ૧૫-૦૪-૨૦૨૩ના રોજ મોહાલીની ઑફિસે રૂબરૂ ગયેલાં ત્યારે ત્યાં હાજર કર્મચારીએ મેડિકલ ચેકઅપ કરાવી તે પેટે ૧૪ હજાર રૂપિયા મેળવ્યાં હતાં. ત્યારપછી માલ્ટા જવાનો ખર્ચ ૬૦ હજાર થશે તેમ કહી રૂપિયા મેળવાયાં હતાં. ત્યારબાદ પેઢીની મહિલા વકીલે જરૂરી કાગળો અને ક્લિયરન્સ વગેરેની પ્રોસિજર પેટે ટૂકડે ટૂકડે અઢી લાખ રૂપિયા મેળવ્યાં હતાં.
એક વખત માલ્ટાના કન્ટ્રી કોડ +356 પરથી ગઠિયાઓએ ફોન કરી તેમને અભિનંદન પાઠવી તેમના દસ્તાવેજો મળી ગયાં છે તેમ કહી ભરમાવ્યાં હતાં. પરંતુ, પાછળથી ‘માલ્ટાથી ફાઈલ કેન્સલ થઈ છે’ કહી ગઠિયાઓએ હાથ અધ્ધર કરી દીધાં હતાં.
ગયેલાં રૂપિયા મેળવવા બેઉ મિત્રો આરોપીઓનો ફોન પર સતત સંપર્ક કરતાં રહ્યાં પરંતુ કોઈએ જવાબ આપવાની તસ્દી લીધી નહોતી. બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી તથા આઈટી એક્ટની કલમ ૬૬-ડી હેઠળ પ્રિયા ઠક્કર, પૂનમબેન, આશિષ રાજપૂત, એડવોકેટ સમીક્ષા ઠાકુર અને એડવોકેટ આકાશ માથુર નામના પાંચ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|