click here to go to advertiser's link
Visitors :  
14-Jun-2024, Friday
Home -> Gandhidham -> So called journalist and five accomplice booked for extortion in Gandhidham
Monday, 10-Jun-2024 - Gandhidham 10220 views
ફાયર NOC નથી? ખર્ચા-પાણી કે એક AC આપી દો! ગાંધીધામમાં તોડ કરવાનો પ્રયાસ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી ના હોવાનું કહીને કહેવાતા પત્રકારે ખર્ચા-પાણી આપવા અથવા એસી આપી દેવાની માંગણી કરી ધાક-ધમકી કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. કચ્છ પ્રભાત નામના સાપ્તાહિકના તંત્રીએ તેની ટોળકી સાથે દુકાનમાં ઘૂસી આવી બળજબરીથી વીડિયો રેકોર્ડિંગ કરવા પ્રયાસ કરીને દુકાનદારને એટ્રોસીટીના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માંગતા પોલીસે વિવિધ ગંભીર કલમો તળે ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદી યશ મુકેશભાઈ ગર્ગ શહેરના વૉર્ડ 12/Bમાં આવેલા આઈકોનિક કોમ્પ્લેક્સમાં યશ સેલ્સના નામે ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના વેચાણની દુકાન ચલાવે છે. ગત બીજી જૂન રવિવારની બપોરે કચ્છ સાપ્તાહિક નામના ચોપાનિયાનો તંત્રી દેવેન્દ્ર સોંદરવા ફરિયાદીની દુકાને આવ્યો હતો. ફરિયાદી તે સમયે દુકાન બહાર હતા.

દેવેન્દ્રએ ફરિયાદીના મેનેજરને ‘દુકાનમાં ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી ક્યાં છે?’ કહીને બહુ લપમાં ના પડવું હોય તો ખર્ચો પાણી આપી દેવા અથવા એક એસી આપી દેવા માંગણી કરી હતી.

મેનેજરે ફરિયાદીને ફોન પર જાણ કરતાં ફરિયાદીએ દેવેન્દ્ર સાથે વાત કરાવવા કહેલું પણ દેવેન્દ્ર વાત કર્યાં વગર મેનેજરને ધમકી આપીને નીકળી ગયેલો કે ‘તારા શેઠને કહી દેજે કે આ વસ્તુ આપવી પડશે નહીં તો એટ્રોસીટીનો ખોટો કેસ કરી દઈશ’

અઠવાડિયા બાદ ગઈકાલે રવિવારે સાંજે અચાનક દેવેન્દ્ર અન્ય બે સાગરીતો સાથે ફરિયાદીની દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને મોબાઈલ ફોનથી વીડિયો રેકોર્ડિંગ કરવા માંડ્યો હતો.

ફરિયાદીએ દુકાન પોતાની અંગત માલિકીની હોવાનું કહી કોની મંજૂરીથી વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યાં છો પૂછીને ત્રણેને દુકાનની બહાર કાઢ્યાં હતાં. તે સમયે દેવેન્દ્રએ જોરશોરથી ધાક-ધમકી આપીને બળજબરીથી રેકોર્ડિંગ કરવા પ્રયાસ કર્યો હતો.

પોતે દલિત છે અને તમારી ઉપર એટ્રોસીટીનો કેસ કરીશ કહીને દેવેન્દ્રએ ફોન કરી વધુ પાંચ માણસોને ત્યાં બોલાવ્યાં હતાં.

બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દેવેન્દ્ર સોંદરવા તથા તેના સાત અજાણ્યા સાગરીતો વિરુધ્ધ ઈપીકો કલમ ૩૮૪, ૩૮૫, ૫૧૧, ૫૦૬ (૧) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભુજમાં ઘણાં તોડબાજો થયાં એક્ટિવ

રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટી અને એનઓસી મુદ્દે તંત્રએ નિયમભંગ કરતી મિલકતો સામે કડકાઈથી પગલાં લેવાનું શરૂ કરતાં કચ્છમાં ઠેર ઠેર તોડબાજ પત્રકારોને જાણે દિવાળી આવી હોય તેવો ઘાટ સર્જાયો છે. ભુજમાં પણ ફાયર એનઓસી ના હોવાની નોટિસો મળ્યાં બાદ ઘણાં તોડબાજ પત્રકારો કેટલીક હોસ્પિટલો સહિતના ખાનગી મિલકતધારકો પાસેથી તોડ કરવા વિવિધ રીતરસમો અજમાવી રહ્યાં હોવાનું અઠવાડિયાથી ચર્ચાય છે.

ગમે તેવા તત્વો પોતાને પત્રકાર માની હવામાં ઉડે છે!

રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરની ટીવી ચેનલો તથા યુટ્યુબ ચેનલો, ઓનલાઈન પોર્ટલોનો તાલુકે તાલુકે રાફડો ફૂટી નીકળ્યો છે. રોજ દિવસ ઉગે ને વોટસએપ પર છાપાંના નામે અવનવા ચોપાનિયાં ઝબકવા માંડે છે.

ઘ ઘરનો ઘ અને ધ ધજાનો ધ વચ્ચેનો સામાન્ય ભેદ ખબર ના હોય તેવા કહેવાતા તંત્રીઓ અને પત્રકારો દિવસ ઉગતાં જ પાંચસો હજારની દાડી શોધવા નીકળી પડે છે!

ભુજમાં ઘોડાઓને ઘાસ નીરી પેટિયું રળતાં રળતાં અચાનક નવી નવી ફૂટી નીકળેલી ટીવી ચેનલનું માઈક હાથમાં આવી જતાં પોતાને પત્રકાર માની બેસેલો એક તોડબાજ પણ એટ્રોસીટી જેવા ગુનાઓમાં લોકોને ફીટ કરાવી દેવાના ડાટી ડફારા કરતો ફરે છે! આવા તોડબાજો ક્યાંય કશું ના ઉપજે તો બે-ચાર ફોટો કે ટૂંકા વીડિયો સરકારી મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓને ટ્વિટર પર ટેગ કરીને સ્થાનિક અધિકારીઓને પ્રેશરમાં લાવવા કે તેમને રાજી રાખવા હવાતિયાં માર્યાં કરે છે.

Share it on
   

Recent News  
ભુજમાં ઝડપાયેલી આયુ. સિરપ બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ નીકળીઃ ઘાતક કેમિકલની મળી હાજરી
 
મુંદરામાં બે યુવકે મહિલાની છેડતી કરતાં લોકોનો હિંસક હુમલોઃ સામસામી ફરિયાદ
 
ભુજના ASIની રાજસ્થાનમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ