click here to go to advertiser's link
Visitors :  
26-Jan-2025, Sunday
Home -> Gandhidham -> Dont dump any garbage in Ramleela ground and clean it within a week Orders Civil Court GDM
Thursday, 01-Aug-2024 - Gandhidham 45187 views
ગાંધીધામના રામલીલા મેદાનમાં કચરાના ગંજ ઠાલવવા પર કૉર્ટે કડક પ્રતિબંધ ફરમાવી દીધો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના રામલીલા મેદાનને છેલ્લાં ચાર વર્ષથી ઉકરડો બનાવી દેનારી નગરપાલિકાને કૉર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. કૉર્ટે પાલિકાના ચીફ ઑફિસર સહિતના કોઈપણ સ્ટાફને મેદાનમાં કોઈપણ પ્રકારનો કચરો ના ઠાલવવા અને સાત દિવસની અંદર તમામ કચરો હટાવી દેવાનો વચગાળાનો હુકમ કર્યો છે.

૧૯૮૫માં કંડલા પોર્ટે શહેરીજનો માટે જાહેર કાર્યક્રમોના આયોજન અને રમતગમતના મેદાન તરીકે ૧૩ હજાર ૭૩૦ ચોરસ મીટરનું રામલીલા મેદાન ગાંધીધામ નગરપાલિકાને ટોકન લીઝ પર ફાળવ્યું હતું.

આ મેદાનનો ઉપયોગ રાજકીય પક્ષોની જાહેર સભાઓ, સર્કસ, કથા સપ્તાહ, રામલીલા અને રાવણદહન તથા દિવાળી સમયે ફટાકડાં માર્કેટ તરીકે થતો હતો. જો કે, ૨૦૧૯ ૨૦૨૦થી ગાંધીધામ પાલિકાએ અચાનક આ મેદાનનો ડમ્પિંગ સ્ટેશન તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધેલું.

શહેરભરના મરેલાં ઢોર સહિતના કચરા-ગંદકીની ગાડીઓ અહીં ઠલવાવા માંડેલી. આસપાસમાં GST ભવન, હોટેલો,ઉદ્યોગપતિઓની ઑફિસો તથા રહેણાંક મકાનો આવ્યાં હોવા છતાં જાહેર સુખાકારી, ગંદકીના કારણે સંભવિત રોગચાળો ફેલાવાની સંભાવનાને નજરઅંદાજ કરીને પાલિકાએ આ મેદાનનો ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે ધરાર ઉપયોગ શરૂ કરેલો. એટલું જ નહીં, પાલિકાએ ગાંધીધામ વિસ્તાર વિકાસ મંડળની મંજૂરી વગર રામલીલા મેદાનમાં પાણીનો ટાંકો અને સમ્પ બનાવવાની કામગીરી શરૂ કરેલી.

આ મામલે વિપક્ષી નેતા અને એડવોકેટ સમીપ જોશીએ ગાંધીધામની સિવિલ કૉર્ટમાં ધા નાખી હતી. અરજીમાં ગાંધીધામ નગરપાલિકા સાથે દિનદયાળ પોર્ટ ઑથોરીટી તથા જીડીએને પણ પ્રતિવાદી બનાવ્યાં હતાં.

કૉર્ટમાં સુનાવણી દરમિયાન સ્પષ્ટ થયું હતું કે ૨૦૧૬માં લીઝ પૂર્ણ થયાં બાદ કંડલા પોર્ટે પ્લોટનો કબજો શાંતિપૂર્વક સુપરત કરી દેવા પાલિકાને નોટીસ પાઠવેલી પરંતુ નિયત મુદ્દત વીતી ગયાં બાદ પણ બેઉ પક્ષે કોઈ કાર્યવાહી કરી નહોતી. પાલિકાએ કૉર્ટમાં રજૂઆત કરી હતી કે અગાઉ આદિપુર નજીક શિણાય પાસે ડમ્પિંગ યાર્ડ બનાવાયેલું પરંતુ ગ્રામજનોએ હાઈકૉર્ટમાં અરજી કરતાં હાઈકૉર્ટે ત્યાં ડમ્પિંગ યાર્ડ બનાવવા સામે મનાઈ ફરમાવતાં પાલિકાએ ગાંધીધામથી ૪૫ કિલોમીટર દૂર અંજારના વાડા ગામે ડમ્પિંગ સ્ટેશન બનાવવા નિર્ણય કર્યો હતો.

શહેરમાંથી રોજ નાનાં નાનાં વાહનો મારફતે એકત્ર કરાતો કચરો પ્રથમ રામલીલા મેદાનમાં એકઠો કરાય છે અને બાદમાં મોટાં વાહનો મારફતે વાડા ગામે લઈ જવાય છે. આ રીતે, રામલીલા ગ્રાઉન્ડનો ઉપયોગ ફક્ત ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે થાય છે.

પાલિકાએ નવી પાર્ટી સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોવાનું જણાવી જૂલાઈ સુધીમાં શહેરમાંથી એકત્ર કરાતો તમામ કચરો રામલીલા મેદાનના બદલે સીધો વાડાના ડમ્પિંગ સ્ટેશનમાં ઠાલવાશે તેમ જણાવેલું. જો કે, આખો જૂલાઈ મહિનો વીતી ગયાં છતાં પાલિકાએ આપેલા જવાબ મુજબ કશી કાર્યવાહી થઈ નહોતી.

આજે પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ એમ.બી. પરમારે વાદીની રજૂઆતોને ગ્રાહ્ય રાખી, પ્રથમદર્શનીય રીતે આ મજબૂત કેસ હોવાનું જણાવી રામલીલા મેદાનમાં કચરો ઠાલવવા પર પ્રતિબંધ ઠાલવી હયાત કચરો અઠવાડિયામાં ઉપાડી લેવા વચગાળાનો હુકમ કર્યો છે.

આ કેસમાં પ્રતિવાદી તરીકે જોડાયેલાં ડીપીએ અને જીડીએ આ કેસમાં પોતાને બિનજરૂરી પ્રતિવાદી બનાવાતાં હોવાની દલીલો કરેલી. હવે તેમના વિસ્તૃત જવાબો અને દલીલો સાંભળ્યાં બાદ કૉર્ટે અંતિમ ચુકાદો આપશે.

Share it on
   

Recent News  
કચ્છ બોર્ડર રેન્જ IGP ચિરાગ કોરડીયાની મેડલ ફોર મેરિટોરીયસ સર્વિસ માટે પસંદગી
 
મુંદરામાં એકસાથે બે ઘરના તાળાં તોડીને ૧.૨૮ લાખ રૂપિયાની માલમતાની ચોરી
 
ભચાઉમાં દલિત યુવક પર નજીવી વાતે છરીથી હુમલો કરનાર યુવકને ૩ વર્ષની સખ્ત કેદ