કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામનો ૨૪ વર્ષિય સુનીલ વાલજીભાઈ વિંઝોડા આજે ભલે કાયમ માટે દુનિયાને અલવિદા કરી ગયો હોય પરંતુ અન્ય ચાર લોકોને તે નવજીવન આપતો ગયો. એક સુનીલે ભલે પાર્થિવ દેહ ત્યાગી દીધો હોય પરંતુ અન્ય ચાર જણમાં તે ધબકતો રહેશે. ગાંધીધામના કિડાણામાં રહેતા સુનીલ વિંઝોડાને બે દિવસ અગાઉ માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી. ગાંધીધામની ખાનગી હોસ્પિટલે ગત રાત્રે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. આ અંગે જાણ થતાં સામાજિક આગેવાન નવીનભાઈ ધેડા અને અંગદાન જાગૃતિ માટે અહાલેક જગાવનારાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોભી દિલીપભાઈ દેશમુખ ‘દાદા’એ હોસ્પિટલમાં જઈ સુનીલના અંગોનું દાન કરવા સ્વજનોને સલાહ-સૂચન આપી આ ઉત્તમ દાન કરવા સમજણ આપી હતી.
પિતા વાલજીભાઈ અને અન્ય સ્વજનોએ સંમતિ આપ્યાં બાદ આજે સવારે ગાંધીધામથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધી ખાસ ગ્રીન કોરિડોર મારફતે એર એમ્બ્યુલન્સમાં સુનીલનું હૃદય, કિડની અને લિવર પહોંચાડાયાં હતાં.
હજુ બે મહિના પૂર્વે જ સુનીલના લગ્ન થયેલાં. પુત્રની અંતિમ વિદાય ટાણે પિતા વાલજીભાઈએ ભારે હૃદયે જણાવ્યું કે આ ગર્વની વાત છે, મહેશ્વરી સમાજ અને સમસ્ત માનવજાતને એ સંદેશો પહોંચે કે આ એક ઉત્તમ દાન છે. નવીન ધેડા અને દેશમુખે અંગદાનની આ ઘટનાને અદભૂત ઘટના ગણાવી ઉદગાર વ્યક્ત કર્યાં કે એક સુનીલ ભલે કાયમ માટે ગયો હોય પરંતુ તે અન્ય ચાર લોકોમાં જીવતો રહેશે.
Share it on
|