click here to go to advertiser's link
Visitors :  
14-Jun-2024, Friday
Home -> Bhuj -> Smell of Scam There is need to recover taxes from all properties of Bhuj
Thursday, 06-Jun-2024 - Bhuj 9545 views
સીલીંગ ઝુંબેશની જેમ પાલિકાના ચોપડે ના ચઢેલી મિલકતોની વેરા વસૂલાત ઝુંબેશ છેડો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં મોટેરાં અને બચ્ચાં સહિત ૩૦ જણ જીવતાં ભૂંજાઈ ગયાં. કથિત રીતે બેદરકાર રહેલાં ઘણાં અધિકારીઓ પર ફોજદારી કેસ થયાં, સસ્પેન્ડ થયાં. દુર્ઘટના બાદ આખા ગુજરાતની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ઊંઘતી ઝડપાઈ હોય તેમ ફાયર એનઓસી વગરની મિલકતો સીલ કરવાની કાર્યવાહી શરૂ થઈ છે.

ભુજમાં પણ આજે ચાર હોટેલ રેસ્ટોરન્ટને સીલ મારી દેવાયાં. સલામતિની પરવા કર્યા વગર જાહેર જનતાના જીવને જોખમમાં મૂકતાં લોકો સામે કાર્યવાહી કરાય તે આવકારદાયક બાબત છે. પરંતુ, જિલ્લા કલેક્ટર સંબંધિત તંત્રોને આ જ રીતે ભુજ શહેર અને આસપાસની ગ્રામ પંચાયત વિસ્તારોમાં આવતી મિલકતો ફાયર એનઓસી તો ઠીક જરૂરી વેરા ભરે છે કે કેમ તે અંગે પણ ખાસ ઝુંબેશ છેડે તે અનિવાર્ય છે.

મોટું કૌભાંડ છતાં સૌ કોઈ છાવરે છે

નગરપાલિકાઓની આવકનો મુખ્ય સ્ત્રોત છે નગરજનો દ્વારા ભરવામાં આવતાં કરવેરા. નગરપાલિકાઓ દ્વારા શહેરીજનો પાસેથી મિલકત વેરો, દિવાબત્તી વેરો, ગટર અને પાણી વેરો વસૂલાય છે. આપને જાણીને આઘાત લાગશે કે ભુજ નગરપાલિકા દ્વારા ભૂકંપ પછી બનેલી મોટાભાગની રહેણાંક અને વ્યાવસાયીક ઈમારતો અને તેના રહેવાસી કે વપરાશકર્તાઓ પાસેથી કોઈ વેરો વસૂલાતો નથી! દર વર્ષે માર્ચ માસમાં બે-પાંચ હજારનો ટેક્સ વસૂલવા ગરીબોના ઘર આગળ ઢોલ વગાડતી નગરપાલિકા વર્ષોથી લાખોનો ટેક્સ ના ભરતી મિલકતોની યાદી જાહેર જ કરતી નથી.

પાલિકા પ્રમુખે કબૂલાત કરેલી કે ટેક્સ વસૂલાતો નથી

ટેક્સ વસૂલાતના પીટાતાં ઢોલ માંહેની પોલમપોલ વચ્ચે શહેરમાં કેટલાંક ચોક્કસ છાપાંના કાર્યાલયો, ટ્રસ્ટ સંચાલિત તેમજ ખાનગી કોર્પોરેટ હોસ્પિટલો, ચોક્કસ વૈભવી હોટેલો કે બડા બડા બંગ્લોમાં વસતાં માલદારોનો વર્ષોથી લાખોનો ટેક્સ બાકી છે. ભૂતકાળમાં આ મામલે ભુજ નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે ‘જે લોકો પાલિકાના વેતન ખાય છે તે લોકોને જ પાલિકાના હિતની પડી નથી! પાંચસો અને છસ્સો વારના વિશાળ પ્લોટમાં આલિશાન બંગ્લો અને દિલ્હીના મુઘલ ગાર્ડન કરતાં મોટા બગીચા ધરાવતી અનેક મિલકતોના વેરા બાકી છે’

પાલિકા પ્રમુખની આ કબૂલાત છતાં કાર્પેટ એરિયા મુજબ વસૂલાતા કરવેરામાં નવી મિલકતો બહુ ઓછી ચઢે છે. ભુજમાં આવી ૧૦ હજારથી વધુ મિલકતો હોવાનો અંદાજ છે.

રખે એવું માનતાં કે આ ટેક્સ વસૂલવા કર્મચારીઓ જતાં નથી. હકીકતે સંબંધિત બ્રાન્ચના કર્મચારીઓને બધી ખબર હોય છે. તેઓ વેરા વસૂલવાના બદલે જે-તે મિલકતધારક પાસે જઈ નોટીસ અને સીલીંગની વાતો કરીને છેલ્લે પોતાના ગજવા ગરમ કરી લે છે. ફાયર સીલીંગની ઝુંબેશ બાદ ચોપડે નહીં ચઢેલી મિલકતો પાસેથી વેરા વસૂલવા ઝુંબેશ છેડાય તો પાલિકાને સરકારી ગ્રાન્ટની પણ જરૂર ના પડે તેટલી આવક થાય તેવી સ્થિતિ છે.આ પ્રકારના કૌભાંડ અન્ય નગરપાલિકાઓમાં પણ ચાલતી હોવાની આશંકા છે.

Share it on
   

Recent News  
ભુજમાં ઝડપાયેલી આયુ. સિરપ બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ નીકળીઃ ઘાતક કેમિકલની મળી હાજરી
 
મુંદરામાં બે યુવકે મહિલાની છેડતી કરતાં લોકોનો હિંસક હુમલોઃ સામસામી ફરિયાદ
 
ભુજના ASIની રાજસ્થાનમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ