|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોલીસ કંટ્રોલ રૂમમાં અડધો કલાક સુધી ગેરકાયદે રીતે ગોંધી રાખવા બદલ ભુજ કૉર્ટે જેમને ૩ માસની સાદી કેદ અને એક હજારનો દંડ ફટકાર્યો છે તે કચ્છના એસપી રહી ચૂકેલાં નિવૃત્ત IPS કુલદીપ શર્મા દેશની સર્વોચ્ચ અદાલતના શરણે ગયાં છે. ૦૬-૦૫-૧૯૮૪ના રોજ ભુજમાં પોલીસ કંટ્રોલ રૂમમાં બનેલા બનાવ અંગે શર્મા સહિતના અધિકારીઓ સામે ૦૮-૦૫-૧૯૮૪ના રોજ ખાનગી ફરિયાદ દાખલ થયેલી. જો કે, આ ફરિયાદ અન્વયે રાજ્ય સરકારે પોલીસ અધિકારીઓનો કૉર્ટમાં બચાવ કરેલો. તેમની સામે તહોમત ફરમાવવા સામે ૨૬ વર્ષ સુધી કોઈ મંજૂરી આપી નહોતી. ફેબ્રુઆરી ૨૦૧૨માં સરકારે પ્રોસિક્યુશનની મંજૂરી આપ્યા બાદ ભુજમાં જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટમાં કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.
ફરિયાદમાં શર્મા સહિતના અધિકારીઓ પર હાજી અબ્દુલ્લા ઈબ્રાહિમ મંધરા ઊર્ફે ઈભલા શેઠને ગેરકાયદે ગોંધી રાખી, માર મારવાનો અને ધમકી આપવાનો આરોપ હતો.
આ કેસમાં ૧૦-૦૨-૨૦૨૫ના રોજ જ્યુ. મેજિસ્ટ્રેટે ઈપીકો કલમ ૩૪૨, ૧૧૪, ૩૪ (એકમેકની મદદગારીમાં માણસને ગોંધી રાખવો) હેઠળ શર્મા અને તત્કાલિન પો.સ.ઈ. ગિરીશ વસાવડાને ૩ માસની સાદી કેદ અને એક હજારનો દંડ ફટકારેલો. નીચલી કૉર્ટના હુકમ સામે બેઉ અધિકારીએ સેશન્સમાં અપીલ કરેલી.
૨૪-૦૯-૨૦૨૫ના રોજ સેશન્સ જજે અપીલ ફગાવી દેતાં બેઉ અધિકારીએ વડી અદાલતમાં રિવિઝન માટે અરજી કરવાની મહેતલ માંગતા કૉર્ટે ૧૫ દિવસનો સમય આપ્યો હતો.
શર્મા અને વસાવડાએ હાઈકૉર્ટમાં રિવિઝન અરજી દાખલ કરેલી જેને ૯-૧૦-૨૦૨૫ના રોજ હાઈકૉર્ટે ફગાવી દીધી હતી. ૧૫ દિવસની મહેતલ પૂરી થતાં જ ભુજ કૉર્ટે બીજા દિવસે બેઉ સામે પકડ વૉરન્ટ જારી કર્યું હતું. સુપ્રીમ કૉર્ટમાં મેટર હજુ લિસ્ટ થઈ નથી.
Share it on
|