click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Bhuj -> Replace Rupala for his defematory comment Demands Rajput community in Bhuj
Wednesday, 03-Apr-2024 - Bhuj 16283 views
કચ્છમાં રૂપાલા સામે વધતો વિરોધઃ ભુજમાં વિરોધ રેલીઃ એક જ માગ રૂપાલા હટાવો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત ક્ષત્રિય સમાજ અંગે કરેલી આપત્તિજનક ટીપ્પણી બદલ સમગ્ર રાજ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. ટીપ્પણી બદલ માફી માગી રૂપાલા અને ભાજપે વિરોધ અને વિવાદને શમાવવા પ્રયાસ કર્યો પરંતુ ઉલટાનો સમાજનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો છે. રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગણી સામે ભાજપ નમતું જોખવા તૈયાર નથી.

રાજપૂત સમાજ આ મુદ્દાને સમાજના સ્વાભિમાન સાથે સાંકળીને ટિકિટ કેન્સલ કરવા સિવાય બીજા કોઈ વિકલ્પ પર વાત કરવા તૈયાર નથી. આજે મળેલી સંકલન સમિતિની બેઠકમાં થયેલી મંત્રણાઓ પણ પડી ભાંગી છે.

એક જ માગઃ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરો

કચ્છમાં પણ રૂપાલા સામેનો વિરોધ ધીમે ધીમે વધી રહ્યો છે. થોડાંક દિવસો અગાઉ ભુજમાં રૂપાલાના પૂતળાદહન બાદ આજે જિલ્લાની રાજપૂત ક્ષત્રિય મહાસભાએ બેઠક યોજી એકસૂરે રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગણી કરી હતી.

જિલ્લાના વિવિધ ગામોમાં ભાજપના કાર્યકરોની પ્રવેશબંધીની જાહેરાતો કરાઈ રહી છે. ઠેર ઠેર વિરોધ સભાઓનું આયોજન થઈ રહ્યું છે.

ભુજની સભામાં કરણી સેના સાથે સમાજની મહિલા અને યુવા પાંખના હોદ્દેદારો જોડાયાં હતાં. ત્યારબાદ વિશાળ રેલી યોજી તંત્રના માધ્યમથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લેખીત રજૂઆતનો પત્ર પાઠવ્યો હતો. બેઠકમાં રાજ પરિવારના સદસ્ય હનુવંતસિંહ જાડેજા, સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો શૈલેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા વગેરે જોડાયાં હતાં. પેપર લીકકાંડ ફેમ ભાવનગરના યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા. 

ઉમેદવાર ના બદલાય તો પરિણામ બદલાઈ જશે

બેઠકમાં સૌએ એક સૂરે જણાવ્યું હતું કે વડોદરા અને સાબરકાંઠા જેવી બેઠકો પર ભાજપના કાર્યકરોના સામાન્ય આંતરિક વિરોધ બાદ તુરંત ઉમેદવારો બદલી નખાયાં ત્યારે રાજ્યમાં નોંધપાત્ર વસતિ ધરાવતાં ક્ષત્રિય રાજપૂત સમાજના સ્વમાનને ઠેસ પહોંચાડનારા રૂપાલાને બદલવા માટે ભાજપ શા માટે તૈયાર નથી? જો રૂપાલાને ના હટાવાય તો આગામી દિવસોમાં આ વિરોધ અને લડાઈ રાષ્ટ્રીયસ્તરે લઈ જવાશે.

સમાજ ભાજપ વિરુધ્ધ નથી પરંતુ ફક્ત રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા માંગણી કરી રહ્યો છે. આ મુદ્દા સિવાય સમાજ બીજું કંઈપણ માંગતો નથી.

ભાવનગરના યુવરાજસિંહે જણાવ્યું કે જો ભાજપ નહીં સમજે તો તેઓ જે માધ્યમથી સમજે તે માધ્યમથી સમાજ સમજાવશે. જો ઉમેદવાર નહીં બદલાય તો સમાજ પરિણામ બદલવા સક્ષમ છે. ફક્ત રાજકોટ જ નહીં પરંતુ ક્ષત્રિય સમાજની નોંધપાત્ર વસતિ ધરાવતી કચ્છ, ભાવનગર, જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે જેવી સાત બેઠકો પર ભાજપે સમાજના વિરોધનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન