કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૫ વર્ષની કિશોરીને બદનામ કરવાની ધમકી આપી, અપહરણ કરી લઈ જઈને છરીની અણીએ વારંવાર દુષ્કર્મ ગુજારનાર માંડવીના યુવકને કૉર્ટે આજીવન કેદની સજા સાથે પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. ૧૭ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ બનાવ બન્યો હતો. માંડવીના ઈશાક હુસેન સાટી નામના યુવકે ૧૫ વર્ષની કિશોરીના ઘેર જઈ, તેની સાથે અગાઉ ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી પોતાની સાથે મોટર સાયકલ પર બેસી જવા દબાણ કરેલું. બદનામીની બીકમાં કિશોરી તેની બાઈક પર બેસી ગઈ હતી. ઈશાક સાટી તેને ભુજ લઈ આવેલો. ભુજથી અમદાવાદ અને ત્યાંથી ટ્રેનમાં કિશોરીને મહારાષ્ટ્ર અને પૂણેના કર્જત નજીક લઈ ગયો હતો. અહીં તેણે છરીની અણીએ કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
તમામ કલમોમાં દોષી ઠેરવી સજા અને દંડ ફટકારાયા
આ ગુનામાં આજે ભુજની વિશેષ પોક્સો કૉર્ટે સરકાર તરફે રજૂ થયેલાં ૧૮ દસ્તાવેજી પૂરાવા અને ૧૫ સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ ઈશાક સાટીને તમામ કલમો હેઠળ દોષી ઠેરવી સજા ફટકારી છે. કૉર્ટે ઈપીકો કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની કેદ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. ઈપીકો કલમ ૩૬૬ હેઠળ ૧૦ વર્ષની કેદ અને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઈપીકો કલમ ૩૭૬ હેઠળ આજીવન કેદ અને બે લાખનો દંડ તથા પોક્સો એક્ટની કલમ ૫ (એલ), ૬ હેઠળ આજીવન કેદ તથા બે લાખનો દંડ ફટકાર્યો છે. આરોપીને કરાયેલા પાંચ લાખ રૂપિયાના દંડમાંથી ૪ લાખ રૂપિયા ગુનાનો ભોગ બનનારને ચૂકવી આપવા કૉર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|