click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Bhuj -> Police Bust Gang Posing as Transgenders to Cheat People Under Pretext of Religious Rituals
Tuesday, 09-Jun-2026 - Paddhar 1598 views
ધાર્મિક વિધિથી દુઃખ દૂર કરવાના બહાને ઠગાઈ કરતી ગેંગ માટે પોલીસ બની નડતર!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કિન્નર જેવો સ્ત્રીવેશ ધારણ કરીને, લોકોને વિશ્વાસમાં લઈ ધાર્મિક વિધિ કરીને નડતર દૂર કરી આપવાના નામે ઠગાઈ કરતી ત્રિપુટી કોઈની જોડે છેતરપિંડી કરે તે પહેલાં તેને પધ્ધર પોલીસ ‘નડી’ ગઈ છે! પોલીસે પકડેલી ત્રિપુટી પૈકીના સૂત્રધારને ૨૦૨૧માં અંજારની એક સોસાયટીના લોકોએ રંગેહાથ દબોચીને પોલીસ હવાલે કર્યો હતો.

બાતમીના આધારે પધ્ધર પોલીસે અલ્ટો કારમાં ફરી રહેલા ત્રણ જણને પકડીને પૂછપરછ કરતાં તેઓ ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કારમાંથી અરવિંદનાથ ઊર્ફે ફુક્કો જીવણનાથ પરમાર (ઉ.વ. ૪૩, રહે. તરઘડી, પડધરી, રાજકોટ), સ્ત્રીવેશ ધારણ કરીને બેઠેલા પરબત નથુભાઈ રાઠોડ (ઉ.વ. ૪૦, રહે. હડમતીયા, ધોરાજી, રાજકોટ) અને બળવંત હિરાભાઈ વાદી (ઉ.વ. ૨૬, કંબોઈ, કાંકરેજ, બનાસકાંઠા)ની અટક કરી છે. ત્રિપુટી પાસેથી પોલીસે ૧૭૨૪૦ રોકડાં રૂપિયા, ચાર મોબાઈલ ફોન, ઘીનો ડબ્બો, શ્રીફળ, એક નાનો થેલો અને અલ્ટો કાર વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે.

ધાર્મિક વિધિથી નડતર દૂર કરવાના બહાને ઠગાઈ

પકડાયેલો અરવિંદ રીઢો શખ્સ છે. અરવિંદ અને તેની ગેંગ  સ્ત્રીવેશ ધારણ કરીને લોકોના ઘરે જાય છે. ત્યારબાદ, નડતર હોવાનું કહીને ધંધામાં બરકત કે સંતાનપ્રાપ્તિ યા ઈચ્છિત કામ ના થતું હોવાનું કહીને ધાર્મિક ભોળાં લોકોને વિશ્વાસમાં લેતાં. નડતર દૂર કરવાના નામે કંકુ ચોખા ફેરવી, લોટામાં પાણી લઈને મંત્રોચ્ચાર કરી પૂજા-વિધિનું નાટક કરીને યુક્તિપૂર્વક લોકો પાસેથી એક બે દાગીના કે નાણાં મેળવીને મોટી વિધિ કરવી પડશે તેમ કહીને લોકોને જાળમાં ફસાવતાં.

સૂત્રધાર અરવિંદને ૨૦૨૧માં લોકોએ રંગેહાથ પકડેલો

માર્ચ ૨૦૨૧માં અરવિંદનાથે અંજારના મેઘપર બોરીચીમાં આવેલા જલારામનગરમાં સ્ત્રીવેશ ધારણ કરીને, ધાર્મિક વિધિ કરવાના બહાને એક યુગલ પાસેથી સોનાની વીંટી અને રોકડાં રૂપિયા સહિત ૮૮૦૦ની માલમતા પડાવેલી. વિધિના થોડાંક સમય બાદ મકાન માલિકને ઠગાઈ થયાનો ખ્યાલ આવતા તેણે સોસાયટીના લોકોની મદદથી અરવિંદને રંગેહાથ દબોચી લઈને પોલીસ હવાલે કરી ફરિયાદ નોંધાવી હતી. અરવિંદે આ સોસાયટીમાં અન્ય એક મહિલા સાથે પણ અઢી હજાર પડાવ્યાં હોવાનું બહાર આવેલું.

પધ્ધર પોલીસે જણાવ્યું કે અરવિંદ પર અંજારના બે ગુના ઉપરાંત અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશન, રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, ગાંધીનગરના ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં આવા અન્ય ગુના નોંધાયેલાં છે.

એટલું જ નહીં, મકાન, દુકાન, વાહનોમાંથી ચોરી કરવાના, સાડા પાંચ કિલો ગાંજો રાખવા સહિતના અન્ય ગુનાઓ મળી ૧૧થી વધુ ગુના નોંધાયેલાં છે. પધ્ધરના પીઆઈ એ.ડી. ખાંટના માર્ગદર્શનમાં એએસઆઈ કૃષ્ણદેવસિંહ ગોહિલ, રામસંગજી સોઢા, કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ રાણા, બળદેવ રબારીએ ત્રિપુટીને ઝડપી પાડી હતી.

Share it on
   

Recent News  
આડેસરમાં દારૂની ખેપ મારતાં ભુજનો પોલીસ હેડ કોન્સ્ટેબલ ઝડપાયોઃ સીક લીવ પર ઉતરેલો
 
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!