કચ્છખબરડૉટકોમ, ભુજઃ ISIના ટૂંકા નામે ઓળખાતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સના ઈશારે ભારતીય સૈન્ય અને સૈન્ય સ્થળોની જાસૂસી કરવાના ગુનામાં મુંદરાના રજાક સુમાર કુંભારને લખનૌ વિશેષ NIA કૉર્ટે ૬ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જાન્યુઆરી ૨૦૨૦માં ઉત્તરપ્રદેશના વારાણસીમાંથી પકડાયેલાં ISIના ભારતીય એજન્ટની પૂછપરછ અને તપાસમાં મુંદરા કુંભારવાસમાં રહેતા રજાક કુંભારની સંડોવણી બહાર આવી હતી. જેના પગલે NIAએ ઑગસ્ટ ૨૦૨૦માં રજાકની ધરપકડ કરી હતી. લખનૌ NIAએ બેઉ આરોપી સામે ઈપીકો કલમ ૧૨૦-બી, ૧૨૩ અને યુએપીએ એક્ટની કલમ ૧૮ હેઠળ ગુનો નોંધ્યો હતો.
વારાણસીમાંથી સૌપ્રથમ રાશિદ ઝડપાયેલો
૧૯-૦૧-૨૦૨૦ના રોજ ઉત્તર પ્રદેશના ગોમતીનગર (લખનૌ)ની એન્ટી ટેરરીસ્ટ સ્ક્વૉડે વારાણસીમાંથી ૨૩ વર્ષિય મોહમ્મદ રાશિદ ઈદ્રીશ નામના ISI એજન્ટની ધરપકડ કરેલી. મૂળ ચંદૌલી (યુપી)ના મુગલસરાઈના વતની રાશિદે ભારતીય સુરક્ષા દળોની મૂવમેન્ટ અને સંરક્ષણની દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક તથા સંવેદનશીલ ઘણાં સ્થળોના ફોટોગ્રાફ પાકિસ્તાનસ્થિત ISI એજન્ટોને મોકલ્યાં હતાં.
રાશિદના સંબંધી પાકિસ્તાનમાં રહેતાં હોઈ લગ્નપ્રસંગે તે ૨૦૧૭ અને ૨૦૧૮માં પાકિસ્તાન ગયો હતો. ત્યાં તે ISI હેન્ડલરના કોન્ટેક્ટમાં આવ્યો હતો. નાણાંની લાલચમાં રાશિદે ISI માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.
તેણે વારાણસીના વિવિધ ઘાટ, મહત્વના મંદિરો, રેલવે સ્ટેશન, લખનૌના વિવિધ વ્યૂહાત્મક સ્થળો, મિર્ઝાપુર અને સોનભદ્ર જેવા નક્સલાઈટ એરીયામાં આવેલા CRPF કેમ્પ વગેરેની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ વોટસએપ મારફતે સામે પાર શૅર કર્યાં હતા. ધોરણ આઠ પાસ રાશિદ ફોનથી અવારનવાર સામે પાર સંપર્કમાં રહેતો હોઈ એજન્સીઓના સર્વેલન્સમાં આવી ગયો હતો.
ઓનલાઈન મની ટ્રેઈલમાં રજાકની સંડોવણી ખૂલેલી
ઘટનાની ગંભીરતા જોતાં ૦૬-૦૪-૨૦૨૦ના રોજ કેસની તપાસ NIAને સુપ્રત કરાઈ હતી. NIAએ નવેસરથી ગુનો નોંધીને તપાસ કરતાં સ્પષ્ટ થયું હતું કે જૂલાઈ ૨૦૧૯માં રાશિદના ખાતામાં પેટીએમ મારફતે પાંચ હજાર રૂપિયા જમા થયા હતા. NIAએ તે સમયે જાહેર કરેલું કે ISIની સૂચનાના પગલે રજાક કુંભારે પેટીએમ મારફતે રીઝવાન નામના શખ્સના ખાતામાં 5 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. આ નાણાં રીઝવાને રાશિદને આપ્યા હતા.
NIAએ ઑગસ્ટ માસમાં મુંદરામાં દરોડો પાડીને મુંદરા ડૉકયાર્ડમાં નોકરી કરતાં રજાકને પકડી તેના ઘરની તલાશી લઈ કેટલાંક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાં હતાં.
આ ગુનામાં માર્ચ માસમાં રાશિદને કૉર્ટે ૬ વર્ષની કેદની સજા ફટકારી હતી અને હવે રજાકને પણ ૬ વર્ષની સખ્ત કેદ ભોગવવાનો વારો આવ્યો છે.
Share it on
|