કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભચાઉ તાલુકાના મોરગર (દેશલપર) ગામે સરકારી જમીન પર ગેરકાયદે થયેલાં દબાણ મુદ્દે ગુજરાત હાઈકૉર્ટે કલેક્ટર, અંજાર DySP અને એસપીનો ઉધડો લઈ આકરાં પગલાં લેવાની ચીમકી આપતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કૉર્ટના તીખાં તેવરથી ફફડી ગયેલાં તંત્રએ આજે મોરગર ખાતે દોડી જઈ સરકારી જમીન પર નિર્માણ પામેલી રામદેવ હોટેલ અને બે ઓરડીઓ જમીનદોસ્ત કરી નાખી છે.
જાણો શો છે મોગરગના દબાણનો મામલો
ભચાઉ તાલુકાના મોરગર (દેશલપર) ગામે સર્વે નંબર ૫૬૧/૧ની સરકારી પડતર જમીન ઉપર રામદેવ પીર મંદિર ટ્રસ્ટના નામે છેલ્લાં બાર-તેર વર્ષથી મંદિર અને હોટેલનું દબાણ ખડકી દેવાયું હોવાની ૯-૧૧-૨૦૨૧ના રોજ લેન્ડગ્રેબિંગ એક્ટ તળે દુધઈ પોલીસ મથકે ફોજદારી ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદી લધા ઊર્ફે ડાડો અલીમામદ ખારાએ મંદિરના ૬૨ વર્ષિય પૂજારી ગોવિંદ ભીમાભાઈ ગરવા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભુજની વિશેષ કૉર્ટે ૦૨-૦૨-૨૦૨૨ના રોજ આરોપીની અરજી ફગાવી દેતાં આરોપીએ હાઈકૉર્ટમાં અરજી કરેલી. આરોપીએ જામીન મુક્ત થયાંના ૧૫ દિવસમાં દબાણ દૂર કરવાની લેખીત બાંહેધરી આપતાં કૉર્ટે તેને ૦૫-૦૭-૨૦૨૨ના રોજ જામીન પર મુક્ત કર્યો હતો. જામીન મુક્ત થયા બાદ આરોપીએ દબાણ દૂર ના કરતાં ફરિયાદીએ શરતભંગ બદલ તેની જામીન અરજી રદ્દ કરવા રજૂઆત કરતાં હાઈકૉર્ટે સરકારી જમીન પરનું દબાણ તંત્રને દૂર કરવા હુકમ કરી તે અંગેનો રીપોર્ટ સુપ્રત કરવા જણાવ્યું હતું.
હાઈકૉર્ટ જસ્ટીસની કન્ટેમ્પ્ટ અને વૉરન્ટની ચીમકી
આ મામલે શુક્રવારે જસ્ટીસ જે.સી. દોશીએ હજુ દબાણ ના હટ્યું હોવાનું જાણીને સરકારી વકીલને ઉદ્દેશીને કલેક્ટર, ગુનાની તપાસ કરી રહેલા અંજાર DySP અને એસપીનો ઉધડો લઈ આકરાં વેણ ઉચ્ચારતાં જણાવ્યું હતું કે ‘શું છે આ બધું? પ્રથમ નજરે આ કૉર્ટના હુકમનો અનાદર જણાય છે. કલેક્ટર ક્યાં છે? હી ઈઝ અબૉવ મી? મને કલેક્ટરનો રીપોર્ટ જોઈએ છે, મામલતદારનો નહીં. આ સિરિયસ મેટર છે. કૉર્ટે વિવાદી જમીનનો કબજો લેવા નિર્દેશ આપેલો. આ કૉર્ટનો હુકમ તમારા પોલીસવાળા અને કલેક્ટર માનતાં નથી? તમારા કલેક્ટરને જોવાનો ટાઈમ નથી? સરકારી લેન્ડનું જે થવું હોય તે થાય? જમીનનું પઝેશન લેવા હુકમ કરેલો પછી તમારા કલેક્ટરને શું પ્રોબ્લેમ થાય છે? જાહેર માફી મગાવીશ અથવા સરકારને આ મામલે પગલાં લેવા જણાવીશ. આ કમ્પલિટલી હેન્ડ ઈન ગ્લૉવ વીથ એક્યુઝ્ડ (આરોપી સાથેનું મેળાપીપણું) લાગે છે. કૉર્ટે આગલી સુનાવણી વખતે ત્રણે અધિકારીને કૉર્ટમાં રૂબરૂ હાજર રહેવા ફરમાન કરી ચીમકી ઉચ્ચારી હતી કે હાજર નહીં રહે તો વૉરન્ટ કાઢીશ’
અગાઉ આ કેસમાં લેન્ડગ્રેબિંગ કમિટી અડફેટે ચઢેલી
ફેબ્રુઆરી ૨૦૨૨માં આરોપીએ ભુજ સેશન્સ કૉર્ટમાં જામીન અરજી કરી ત્યારે કૉર્ટે કલેક્ટરની અધ્યક્ષતાવાળી લેન્ડગ્રેબિંગ કમિટીને અડફેટે લીધી હતી. આરોપીએ મંદિર અને હોટેલના નામે ૧ એકર ૨૦ ગુંઠા સરકારી જમીન પર દબાણ કરી PGVCLમાંથી વીજ જોડાણ મેળવ્યું હતું. દક્ષિણ બાજુએ સાંસદના લોકલ એરીયા ડેવલોપમેન્ટ ફંડના નાણાંમાંથી દિવાલ બનાવાઈ હતી જે અંગેની તકતી પણ હયાત હતી. એટલું જ નહીં ગેટથી પ્રવેશદ્વાર સુધીના રસ્તા અને આસપાસમાં તાલુકા પંચાયતે પેવર બ્લોક જડી આપ્યાં હતા. આ બાબતની ગંભીર નોંધ લેતાં તત્કાલિન જજ પી.એસ.ગઢવીએ જણાવ્યું કે સરકારી કાયદેસરના કામોમાં વાપરવા માટે અપાતી ગ્રાન્ટનો ગેરકાયદેસરના કામોમાં ગેરકાયદેસર ઉપયોગ કરાયો છે. આ તમામ બાબતો રેકર્ડ પર આવેલી હોવા છતાં આ મુદ્દે થયેલી તપાસનો કોઈ સ્પષ્ટ અભિપ્રાય ચાર્જશીટના કાગળોમાં જોવા મળતો નથી. વળી, કલેક્ટરે પણ ઉપરોક્ત તમામ બાબતો તેમના વડપણ હેઠળની કમિટિ સમક્ષ ગુનો દાખલ કરતાં સમયે વિચારણામાં લીધી હોવાનો પણ નિર્દેશ મળે છે.
સરકારી નાણાંનો દુર્વ્યય થયો હોવાની હકીકત કમિટી સમક્ષ ઉજાગર થયેલી હોવા છતાં કમિટીએ અગમ્ય કારણોસર ભેદી મૌન સેવી આ મુદ્દે કોઈ જ પગલાં ના લીધાં હોવાનું જણાઈ આવતું હોવાનું કૉર્ટે જણાવેલું.
આ બાબત ઘણી ગંભીર હોઈ તથા સરકારી જમીનો ઉપર થતાં દબાણોમાં, ખુદ સરકારી નાણાંનો દુર્વ્યય થઈ, ગુનો કરનારને મદદગારી થયેલાનું જણાય છે. ત્યારે, આ મુદ્દે પણ વિશિષ્ટ તપાસ થઈ રીપોર્ટ રજૂ થવો આવશ્યક છે. દબાણ કરનારને આર્થિક સહાય પૂરી પાડી મદદગારી કરાઈ હોવાના મુદ્દે તપાસ કરવા અને આગળની કાર્યવાહી કરવા કલેક્ટર-નાયબ કલેક્ટરને જજે હુકમ કર્યો હતો.
Share it on
|