કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલાં જે.ડી. જોશી વિરુધ્ધ ચાર જેટલાં કેસમાં ગેરકાયદે રીતે જમીન નિયમિત કરી આપી સરકારી તીજોરીને ૭૯.૬૭ લાખનું નુકસાન કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. જોશીએ સત્તા અને નિયમોની ઉપરવટ જઈ આ ગુનો આચર્યો હોવાનું ગાંધીનગર મહેસુલ વિભાગના સંયુક્ત સચિવ (તપાસ)ના અભ્યાસમાં ખુલાસો થયાં બાદ ભુજ (ગ્રામ્ય) મામલતદાર ભરત શાહે જોશી વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ઈપીકો કલમ ૪૦૯ અને ૨૧૭ તળે ફરિયાદ નોંધાવી છે. માધાપરમાં સરકારી જમીન પરનું દબાણ નિયમિત કરી આપેલું
મે ૨૦૨૩માં મહેસુલ તપાસણી કમિશનરે ભુજ પ્રાંત અધિકારીની કચેરીની કામગીરી અને હુકમોની આકસ્મિક તપાસ હાથ ધરી ત્યારે આ ચાર કેસમાં ગેરરીતિ થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જોશીએ પોતાના કાર્યકાળ સમયે ભુજ નજીક માધાપરના સર્વે નંબર ૩૬૫/૧ની શ્રીસરકાર થયેલી ૭ એકર ૩૦ ગુંઠા જમીન ૨૦૦૮માં નિયમિત કરી આપી હતી. અરજદાર રામજી શામજી પિંડોરીયાએ અરજીમાં એવો દાવો કરેલો કે તેમના પિતાની માલિકીની જમીન શ્રીસરકાર થઈ ગયેલી છે. તપાસમાં બહાર આવ્યું હતું કે ખરેખર તો અરજદારે ત્યાં ગેરકાયદે દબાણ જ કરેલું. પ્રાંત અધિકારીને નિયમ મુજબ મહત્તમ બે એકર સુધીની જમીન નિયમિત કરવાની સત્તા છે. આ અરજી કલેક્ટરને મોકલવાના બદલે તેમણે ગેરકાયદે કેસ ચલાવીને નિયમિત કરી આપી હતી. તે વખતની જંત્રી મુજબ જમીન ૯.૪૧ લાખના મૂલ્યની હતી અને નિયમિત થતાં તેનું મૂલ્ય અઢી ગણું વધી જતાં જોશીએ ૨૩.૫૪ લાખ રૂપિયાનો સરકારી તીજોરીને ધુંબો માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
એશિયા મોટર વર્કસ પાસેથી ૩૯.૨૬ લાખ વસૂલ્યાં નહીં
જોશીએ ભુજ તાલુકાના કનૈયાબે ગામે એશિયા મોટર વર્કસની અરજી અંતર્ગત માપણી વધારા સાથે ૨ એકર ૧ ગુંઠા જમીન નિયમિત કરી આપી હતી. અરજદાર બિનખેડૂત હોઈ નિયમ મુજબ ૮૯ (ક)નું પ્રમાણપત્ર હોવું જોઈએ જે અરજદાર પાસે નહોતું. તેમણે સત્તાની ઉપરવટ જઈને ૧૦૦ ટકા ઉપરાંતનો માપણી વધારો કરી આપ્યો હતો. એટલું જ નહીં, નિયમ મુજબ અઢી ગણું એટલે કે ૩૯.૨૬ લાખ રૂપિયા પ્રિમિયમ વસૂલવાનું થતું હોવા છતાં તેમણે ઓછી આકારણી કરીને ફક્ત ૮૧ હજાર ૯૫૦ રૂપિયા પ્રિમિયમ વસૂલી સરકારી તીજોરીને ૩૯.૨૬ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું.
ભુજની જમીનને પણ ગેરકાયદે નિયમિત કરેલી
આ જ રીતે, જોશીએ તેમના કાર્યકાળ સમયે દિલીપકુમાર શ્યામદાસ કબીરપંથીએ કરેલી અરજી મુજબ ભુજ શહેરના નવા સર્વે નંબર ૮૩૯૨ની ૩ એકર જમીન માપણી વધારા સહિત નિયમિત કરી આપેલી. ખરેખર તો શહેરી વિસ્તારોની જમીનોમાં ૧૦ ટકાથી વધુ માપણી વધારો નિયમબધ્ધ કરવાની કશી જોગવાઈ જ નથી. જોશીએ કલેક્ટરને જાણ કર્યાં વગર પોતાની મેળે કેસ ચલાવીને આ કેસમાં દબાણ ગણવાના બદલે તેને નિયમિત કરી આપી હતી. અઢી ગણા દંડની રકમ ૧૫.૭૮ લાખ રૂપિયા વસૂલવાના બદલે સરકારને તેનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
૧ લાખના બદલે ૧૦ રૂપિયા વસૂલી જમીન નિયમિત કરી
જોશીએ શ્રૃજન ટ્રસ્ટના અરજદાર ચંદાબેન શ્રોફે પધ્ધરના નવા સર્વે નંબર ૭૦૫/૧ ૭૦૫/૨ની ૪ ગુંઠા જમીન પર ૧ લાખ ૮ હજારનું થવાપાત્ર પ્રિમિયમ વસૂલવાના બદલે ગેરકાયદે રીતે કેવળ ૧૦ રૂપિયા વસૂલીને નિયમિત કરી આપેલી. અરજદાર બિનખેડૂત હતા તેથી નિયમ મુજબ ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર જોડવું જરૂરી હોવા છતાં તેની અવગણના કરાયેલી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં જોશી અને પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિતના અન્ય આરોપીઓ સામે જમીન કૌભાંડોને લગતી અન્ય ફોજદારી ફરિયાદો નોંધાઈ ચૂકેલી છે.
Share it on
|