કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરા કસ્ટોડિયલ ડેથના ગુનામાં સુપ્રીમ કૉર્ટમાંથી એક આરોપી માટે જામીનની બારી ખૂલ્યાં બાદ અન્ય એક આરોપી પેરીટીના ગ્રાઉન્ડ પર હાઈકૉર્ટમાંથી જામીન મુક્ત થયો છે. આ રીતે, કુલ બે જણ તાજેતરમાં જામીન પર મુક્ત થઈ ગયાં છે. આ બારી વાટે જેલમાંથી જામીન મુક્ત થવા ઈચ્છતાં અન્ય એક આરોપી એવા મુંદરાના પૂર્વ પોલીસ ઈન્સપેક્ટર જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢિયારને ભુજ સેશન્સ કૉર્ટ ઝટકો આપ્યો છે. કૉર્ટે જયેન્દ્રસિંહની જામીન અરજી ફગાવી દીધી છે. આરોપી પીઆઈએ સુપ્રીમ કૉર્ટમાંથી જામીન પર છૂટેલાં પ્રથમ આરોપી શંભુ દેવરાજ જરૂ અને બાદમાં જરૂની જામીનના આધાર પર હાઈકૉર્ટમાંથી જામીન મેળવનાર ગ્રામ રક્ષક દળના જવાન વિરલ મા’રાજ (જોશી)ની જામીન અરજીઓ અને મુક્તિના હુકમને આધાર બનાવીને પેરીટી એટલે કે સમાનતાના સિધ્ધાંતના આધારે જામીન પર છોડવા રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વતની ૪૧ વર્ષિય જયેન્દ્રસિંહના વકીલે કૉર્ટમાં રજૂઆત કરી હતી કે જામીન પર છૂટેલાં બે આરોપીના એફઆઈઆરમાં નામ નહોતાં, સહઆરોપીઓના નિવેદનના આધારે તેમની સંડોવણી ગણી ધરપકડ કરવામાં આવેલી. અરજદાર પીઆઈના કેસમાં પણ આવું જ થયેલું છે, ત્રણેની ગુનામાં એકસરખી ભૂમિકા છે.
ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી કે જામીન પર છૂટેલાં અન્ય બે સહઆરોપીની તુલનાએ ગુનામાં આરોપી પીઆઈની ભૂમિકા ગંભીર છે. તેમની દેખરેખમાં જ આખું ષડયંત્ર રચાયેલું જેમાં બે નિર્દોષ યુવકોએ જીવ ગૂમાવેલાં અને એક જણ ગંભીર રીતે ઘાયલ થયેલો.
એફઆઈઆરમાં નામ ના હોવા માત્રથી પેરીટીના ગ્રાઉન્ડ પર જામીન ના માંગી શકાય. અરજદાર પીઆઈએ અગાઉ હાઈકૉર્ટમાં જામીન મેળવવા અરજી કરેલી ત્યારે કૉર્ટે ગુનામાં પ્રથમદર્શનીય રોલ હોવાનું જણાવી અરજી ફગાવી દીધેલી. સુપ્રીમ કૉર્ટમાં તેમણે દાખલ કરેલી સ્પે. લિવ પીટીશન પણ રદ્દ થયેલી.
પાંચમા અધિક સેશન્સ જજ વી.એ. બુધ્ધે ગુનામાં આરોપીઓના જુદાં જુદાં રોલ હોવાના આધાર સહિતના મુદ્દે પઢિયારની અરજી નામંજૂર કરી દીધી છે.
Share it on
|