click here to go to advertiser's link
Visitors :  
15-Jul-2024, Monday
Home -> Bhuj -> Big Blame BJP leader Dhaval Acharya acquiring salt land by hook and crook
Saturday, 06-Jul-2024 - Bhuj 18066 views
HMના નામે તંત્રને દબાવી ભાજપનો યુવા નેતા મીઠાની જમીન પડાવતો હોવાનો આરોપ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સત્તાધારી ભાજપ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નામે કચ્છ ભાજપનો યુવા નેતા ધવલ આચાર્ય કચ્છમાં સરકારી તંત્રો પર સખત દબાણ કરાવી, તમામ નીતિ નિયમો નેવે મૂકીને મીઠાની જમીનો પચાવી રહ્યો છે! ભુજમાં યોજેલી પત્રકાર પરિષદમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારી અને પ્રદેશ કિસાન કોંગ્રેસના જોઈન્ટ કો ઓર્ડિનેટર એડવોકેટ હરીશ એસ. આહીરે ધવલ આચાર્ય પર કરેલાં સનસનીખેજ આરોપના પગલે ભારે ચકચાર મચી ગઈ છે.

પશ્ચિમ કચ્છમાં લખપત તાલુકામાં ધવલ આચાર્યના દબાણ હેઠળ કેવી રીતે નિયમો નેવે મૂકીને સેંકડો એકર જમીનો મીઠા ઉદ્યોગ માટે ફાળવાઈ રહી છે તથા પૂર્વ કચ્છમાં છેક મોરબી સુધી કેવી રીતે સમુદ્રી કાંઠાની ક્રીક આસપાસની જમીનો તથા વન વિભાગ હસ્તકની જમીનો ગેરકાયદે પચાવાઈ રહી છે તેની પ્રેસ સમક્ષ વિગતવાર રજૂઆત કરી છે.

નિધિ માઈનીંગ અને વ્હાઈટ વાઈબના નામે ખેલ

કચ્છમાં ૧૦ એકરથી લઈ ૧૦૦ એકર સુધીની જમીનના પ્લોટને   મીઠું પકવવા માટે લીઝ મંજૂર કરવી હોય કે લીઝ રીન્યૂ કરવી હોય તે સત્તા જિલ્લા કલેક્ટર હસ્તક છે. કચ્છમાં છેલ્લાં દસ વર્ષથી નવી લીઝ મંજૂર નથી થતી અને રીન્યૂ થતી નથી. બીજી તરફ, લખપતમાં બે કંપનીઓને ગેરકાયદે લીઝ મંજૂર કરી દેવાઈ છે. એચ.એસ. આહીરે આરોપ કર્યો કે ગાંધીધામના ફ્રેન્ડ્સ ગૃપની નિધિ માઈનીંગ પ્રા. લિ. અને વ્હાઈટ વાઈબ સોલ્ટ લિમિટેડએ ૨૦૦૯માં ખાવડાના રણ વિસ્તારમાં નમક ઉદ્યોગ માટે જમીન ફાળવણીની અરજી કરેલી. આ બેઉ કંપની સાથે ધવલ આચાર્ય સંકળાયેલો છે. દરમિયાન, આ વિસ્તારમાં અદાણી ગૃપનો હાયબ્રીડ એનર્જી પ્રોજેક્ટ આવતાં મોટાભાગની જમીન તેને ફાળવાઈ ગઈ.

ધવલ આચાર્યએ મૂળ અરજીમાં ખેલ પાડીને ખાવડાના બદલે લીઝ માંગણીનો વિસ્તાર લખપતનો રણ વિસ્તાર કરી નાખ્યો! વ્હાઈટ વાઈબ સોલ્ટ લિમિટેડે તો તંત્ર પાસે પચાસ હજાર એકર જમીનની માંગણી કરેલી.

અરજીઓ સંદર્ભે રાતોરાત જૂની નવી તારીખોમાં દયાપર સર્કલ ઑફિસર, મામલતદાર કચેરી, નખત્રાણા નાયબ કલેક્ટર વગેરેના હકારાત્મક અભિપ્રાયો પણ આવી ગયાં!

ચૂંટણી પૂર્વે અચાનક ફાઈલોને પાંખો આવેલી

માર્ચમાં લોકસભા ચૂંટણી જાહેર થવાની અને ગમે તે ઘડીએ આચાર સંહિતા લાગુ થવાની ઘડીઓ ગણાતી હતી તે સમયે અચાનક આ બંને કંપનીઓની ફાઈલોને રાતોરાત પાંખો આવી હતી અને છેક ગાંધીનગરમાં કેબિનેટની મળનારી બેઠકમાં રજૂ કરી મંજૂરી મેળવી લેવાનો તખ્તો ઘડાઈ ગયો હતો.

નિયમ, પૂરાવાને અવગણીને જમીન ફાળવી દેવાઈ  

મૂળ માંગણી ખાવડા હતી તેના બદલે લખપત કરી દેવાયેલું પણ ત્યાં વિવાદ સર્જાયો. કારણ કે લખપતના ધુનાય, કૈયારી, કપુરાશી, ફતેહપર તથા મુધાન અને સાંયરાની નજીક આવેલા રણ વિસ્તારની જમીન ફાળવવાનો ખેલ કરાયેલો ત્યાં તો અગાઉ અન્ય કંપનીઓએ પણ જમીન ફાળવણી કરવા વર્ષો પહેલાં અરજીઓ કરેલી.

મહેસુલી વિભાગનો પરિપત્ર છે કે લીઝ ફાળવણીમાં પ્રથમ અરજી કરનારને પ્રથમ હક્ક આપવો.

અગાઉ ૨૦૧૬માં ગેરકાયદે રીતે આ કંપનીઓને જમીન ફાળવવા પ્રયાસ થયો ત્યારે પહેલાંથી અહીં અરજી કરનાર વિવિધ કંપનીઓ પૈકી ક્રષ્ટ માઈનકેમ પ્રા.લિ.એ હાઈકૉર્ટમાં પીટીશન દાખલ કરેલી. આ મુદ્દે ૨૦૧૮માં તત્કાલિન કલેક્ટર રેમ્યા મોહને આ વિસ્તારમાં લીઝની માંગણીવાળા ૨૦ એકમોના નામ સાથેની યાદી રજૂ કરી નિધિ માઈનીંગ કે વ્હાઈટ વાઈબ લિમિટેડે આવી કોઈ અરજી કરી જ ના હોવાનું સોગંદનામું રજૂ કરેલું.

કલેક્ટરનું સોગંદનામું છતાં લીઝ મંજૂર થઈ ગઈ

આહીરે આરોપ કર્યો કે કલેક્ટરે હાઈકૉર્ટમાં રેકર્ડ પર રજૂ કરેલાં સોગંદનામામાં આ બેઉ કંપનીઓની અરજીનો ક્યાંય ઉલ્લેખ નથી તો કયા આધાર પર ૨૦૨૪માં નિધિ માઈનીંગ અને વ્હાઈટ વાઈબ કંપનીને સેંકડો એકર જમીનની લીઝ મંજૂર કરી દેવાઈ તે એક સૌથી મોટો સવાલ છે. ભ્રષ્ટ અધિકારીઓ વ્હાઈટ વાઈબ કંપનીને મંજૂર કરાયેલી લીઝ અંગે આરટીઆઈ કરવા છતાં જવાબ આપતાં નથી!

પૂર્વ કચ્છમાં ગુંડાઓની મદદથી જમીનો પચાવે છે

એકતરફ પશ્ચિમ કચ્છના લખપતમાં સરકારી નિયમો નેવે મૂકીને ગેરકાયદે લીઝ મંજૂર કરાવાઈ છે બીજી તરફ પૂર્વ કચ્છમાં કંડલા પોર્ટ તથા વન તંત્ર, ઘુડખર અભયારણ્ય હસ્તકની જમીનો પર યુવા નેતા ગુંડાઓનો સાથ સહકાર લઈને બેફામ રીતે જમીનો પચાવે છે. ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ, વિભાભાઈ, ચાંદાભાઈ વગેરેએ જણાવ્યું કે જંગીથી સૂરજબારી સુધીની હડક્યા ક્રીક, કંડલાથી ભચાઉ સુધીની ક્રીક, જંગીથી આંબલિયારા, વોંધ, ચીરઈથી ખારીરોહર સુધીની ક્રીક, જંગીથી વવાણિયા (મોરબી), કંડલાથી નવલખી બંદર સુધીનો કાંઠાળ પટ્ટ, ઘુડખર અભયારણ્યની જમીનો પર ખુલ્લેઆમ હિટાચી મશીનોથી પાળા બાંધવામાં આવી રહ્યાં છે.

NGTના હુકમનો ભંગ છતાં સૌ ચૂપ

ક્રીક વિસ્તારમાં પાળા બંધાતાં ચેરિયાંનો નાશ થઈ રહ્યો છે. પરિણામે ચેરિયાં પર નભતાં એવા લુપ્ત થવાના આરે આવીને ઊભેલાં ખારઈ ઊંટના અસ્તિત્વ પર સંકટ તોળાઈ રહ્યું છે. પાળા બંધાવાથી ચેરિયાં સૂકાઈ જાય છે. ઘણીવાર એટલા ઊંડા ખાડા કરી દેવાય છે કે ઊંટ પડે તો બહાર નીકળી ના શકે અને મૃત્યુ પામે. આ મુદ્દે સંગઠને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ધા નાખેલી અને ૨૦૧૮માં ટ્રિબ્યુનલે વન તંત્રને ચેરિયાંનું પુનઃસ્થાપન કરવા હુકમ કરેલો. ભીખાભાઈએ કહ્યું કે કાગળ પર સરકારી તંત્રો બધા આદેશોનું પાલન કરે છે પરંતુ સાહેબ વાસ્તવિક્તા જોવી હોય તો અત્યારે જ અમારી સાથે ચાલો, અહીં બેફામ રીતે હિટાચી મશીનો વડે મીઠાના પાળા બંધાઈ રહ્યાં છે.

તંત્રો એકમેકને ખો આપી એક્શન નથી લેતાં

ભીખાભાઈએ કહ્યું કે કલેક્ટરને રાવ કરીએ તો વન વિભાગ પાસે જવા કહે છે ને વન વિભાગને રાવ આપીએ તો મહેસુલ વિભાગ પર ખો નાખે છે. કંડલા પોર્ટ પ્રશાસન પણ ચૂપ છે. આહીરે ગંભીર આરોપ કર્યો કે ધવલના મળતિયા માથાભારે માણસોથી લોકો ફફડે છે.

હર્ષ સંઘવીના નામે ધવલ બધાને દબાવે છે

આહીરે જણાવ્યું કે ભાજપનો આ યુવા નેતા ગૃહમંત્રી હર્ષ સંઘવીના નામે ખુલ્લેઆમ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓને દબાવી રહ્યો છે. ધવલની મનમાની, દબાણ વગેરે અંગે કચ્છના સ્થાનિક અને ગાંધીનગર બેસતાં અધિકારીઓ ખાનગીમાં બધું કબૂલી લાચારી દર્શાવે છે. પોલીસ ખાતું તો સાવ ચૂપ છે. થોડાંક સમય અગાઉ કાનમેરમાં મીઠાના કારખાના માટે જે ફાયરીંગ વીથ મર્ડર થયેલું તેના આરોપીઓના સીડીઆરની ઝીણવટભરી તપાસ થાય તો તેનો રેલો ધવલ સુધી પહોંચે તેવી શક્યતા છે.

મારી ઈમેજ બગાડવા વાહિયાત આરોપબાજી

સમગ્ર મુદ્દે ધવલ આચાર્યએ ખુલાસો કરતાં જણાવ્યું કે નિધિ માઈનીંગ કે વ્હાઈટ વાઈબ નામની બે કંપનીઓ સાથે મારે સ્નાનસૂતકનો સંબંધ નથી. આ કંપનીઓને મીઠા માટેની કોઈ જમીન પણ મંજૂર નથી કરાઈ.

આરોપ કરનાર એચ.એસ. આહીર કોંગ્રેસનો માણસ છે અને અગાઉ આહીરે મારી હોટેલની જમીન માલિકી મુદ્દે પણ ફાલતુ અરજીઓ કરી મારી ઈમેજ ખરડવા નિરર્થક પ્રયાસો કરેલાં છે.

પૂર્વ કચ્છમાં જે જગ્યાએ જમીનો પચાવવા પ્રયાસ ચાલી રહ્યા હોવાનો આરોપ છે તે જગ્યાએ રૂબરૂ જઈ તપાસ કરશો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કાનમેરના મર્ડર કેસમાં ભાજપના નેતા એન.આર. ગઢવીની પોલીસે ધરપકડ કરેલી છે એટલે પોલીસ કોઈને છાવરતી હોય તેવા આરોપ બેબુનિયાદ છે. આમાં મારી રાજકીય પ્રતિષ્ઠા ખરડવા માટે પાયાવિહોણી આરોપબાજી સિવાય બીજું કંઈ નથી.

Share it on
   

Recent News  
ઉપ સરપંચના હત્યા કેસમાં પેરોલ પર ફરાર થઈ ગાંધીધામમાં ગુના આચરતો રીઢો ગુંડો ઝબ્બે
 
સયાજીનગરી અને બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ સહિત ૪૬ ટ્રેનોમાં વધારાના ૯૨ જનરલ કોચ જોડાયા
 
ભુજના પૂર્વ SDM જોશીનું જમીન કૌભાંડઃ ૪ કેસમાં જમીનો ગેરકાયદે નિયમિત કરી આપેલી