કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના સુખપર ગામના સીમાડે ગત ૭-૮ ડિસેમ્બરની રાત્રે લગ્નપ્રસંગમાં ગયેલાં મિરજાપરના યુવકની થયેલી ઘાતકી હત્યાના કેસના એક આરોપીની નિયમિત જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. સુખપરના સીમાડે ૨૩ વર્ષિય દિનેશ ઊર્ફે સુનીલ ઓસમાણ કોલીને માથામાં પથરો ઝીંકી તથા પડખામાં છરી ઝીંકી સ્થળ પર મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક દિનેશની વિધવા માતા રમીલાને લાંબા સમયથી મિરજાપરના ઈબ્રાહિમ અબ્દુલ્લા કુંભાર સાથે આડો સંબંધ હતો. પુત્રને આ સંબંધ મંજૂર નહોતો, જેથી તે અવારનવાર માતા સાથે ઝઘડતો રહેતો હતો.
પ્રેમી સાથેના સંબંધોમાં પુત્ર આડખીલી બનતો હોઈ રમીલાએ ૪૦ હજારમાં સોપારી આપીને દિનેશનો ‘કાંટો’ કઢાવવાનું નક્કી કર્યું હતું.
સુખપરમાં સંબંધીના સંતાનના લગ્નપ્રસંગે રમીલા અને દિનેશ સહુ ગયાં હતા ત્યારે ઈબ્રાહિમનો સાગરીત એવો સુખપરનો અસલમ સુલેમાન નોતિયાર મધરાત્રે દાંડિયા રાસ રમવામાં ગુલતાન દિનેશને પોતાની સાથે ગામના સીમાડે લઈ આવ્યો હતો. બાદમાં તેની હત્યા કરી નખાઈ હતી.
આ ગુનામાં ચાર્જશીટ બાદ અસલમે નિયમિત જામીન અરજી કરી હતી. બંને પક્ષની દલીલો અને રેકર્ડ પર ઉપલબ્ધ મટિરીયલ જોતાં સેશન્સ જજ અંબરીષ વ્યાસે અરજી નામંજૂર કરી છે.
જજે જણાવ્યું કે કાવતરામાં તેની પ્રત્યક્ષ હાજરી છે, કૉલ ડિટેઈલ રેકર્ડ પરથી સ્થળ પર તેની હાજરી પૂરવાર થાય છે, ગુનામાં તેની પ્રથમદર્શનીય સંડોવણી સ્પષ્ટ થાય છે, અસલમ સામે અગાઉ વિવિધ પ્રકારના આઠ ગુના નોંધાયેલાં હોઈ તે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. તેથી જામીન પર છોડાય તો લોભ-લાલચ કે ધાક-ધમકી કરી પૂરાવા યા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.
Share it on
|