click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Bhuj -> Bhuj ACB Court send bribe case accused in jail for lingering proceedings
Saturday, 30-Mar-2024 - Bhuj 18688 views
સમય બગાડવા બદલ કૉર્ટે લાંચ કેસના આરોપી નશાબંધી અધીક્ષકને જેલમાં ધકેલી દીધો!
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) વર્ષ ૨૦૧૬માં ૫૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલાં કચ્છના પૂર્વ નશાબંધી અને આબકારી અધીક્ષક ચંદ્રેશ ત્રિવેદીને કૉર્ટનો સમય નાહક બગાડવા સબબ ભુજની સ્પેશિયલ ACB કૉર્ટે પાલારા જેલ ધકેલી દીધાં છે. જ્યુ. કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યાં બાદ કૉર્ટે તત્કાળ તેમના દ્વારા કરાયેલી જામીન અરજીની સુનાવણી હાથ ધરી હતી અને તે અંગે સોમવારે ચુકાદો જાહેર કરશે.
૨૦૧૬માં ૫૦ હજારની લાંચ લેતાં પકડાયેલો

૦૫-૦૪-૨૦૧૬ના રોજ એસીબીએ છટકું ગોઠવી ભુજના બહુમાળી ભવનમાં ફરજ બજાવતા ચંદ્રેશ દિનકરરાય ત્રિવેદી (વર્ગ ૨)ને ૫૦ હજાર લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. મિથાઈલ આલ્કોહોલના ખરીદ, વેચાણ અને સંગ્રહ માટે બે પેઢીના લાયસન્સ રીન્યૂ કરવાની અવેજમાં તેમણે લાંચ માંગી હતી. આ કેસમાં ધરપકડના થોડાંક માસ સુધી જેલવાસ બાદ ત્રિવેદીનો જામીન પર છૂટકારો થયો હતો.

ગત મહિને આ અરજી બદલ ૧૦ હજારનો દંડ થયેલો

કેસમાં ફરિયાદ પક્ષે ભુજ ACB કૉર્ટ સમક્ષ જરૂરી પૂરાવા રજૂ થયાં બાદ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટના તબક્કે આરોપીના ધારાશાસ્ત્રીએ ફરિયાદ પક્ષે રજૂ થયેલાં વૈજ્ઞાનિક પૂરાવાના અહેવાલો સંદર્ભે ફોરેન્સિક ઑફિસરની ઉલટ તપાસ (cross examination) કરવાની અરજી કરી હતી. ફરિયાદ પક્ષે ફોરેન્સિક ઑફિસરની સરતપાસ (પૂરાવા રજૂ થાય તે સમયે સાક્ષીની લેવાતી જુબાની examination in chief) કરી નહોતી. સરકારી વકીલ એચ.બી. જાડેજાએ જણાવ્યું કે એફએસએલના રીપોર્ટ કૉર્ટમાં પૂરાવા તરીકે સીધા જોડી શકાતાં હોઈ ઘણાં કેસમાં ફોરેન્સિક ઑફિસરની કોઈ સરતપાસ કરાતી નથી.

જેથી કૉર્ટે બચાવ પક્ષના વકીલને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે એફએસએલ ઑફિસરની બચાવ પક્ષના સાક્ષી તરીકે ઉલટ તપાસ ઈચ્છો છો? ત્યારે વકીલે ફરિયાદ પક્ષના સાક્ષી (પ્રોસિક્યુશન વીટનેસ) તરીકે ઉલટ તપાસ કરવા દેવા મંજૂરી માંગી હતી.

ACB કૉર્ટના જજ શિલ્પાબેન એમ. કાનાબારે ફોરેન્સિક ઑફિસરની પ્રોસિક્યુશન વીટનેસ તરીકે સરતપાસ થઈ જ નથી ત્યારે ઉલટ તપાસનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ના હોવાનું જણાવી એવિડેન્સ એક્ટની જોગવાઈઓ તથા અન્ય ઉપરી અદાલતોના ચુકાદા ટાંકીને તથા રેકર્ડ જોતાં બચાવ પક્ષ કૉર્ટ કાર્યવાહીને વિલંબીત કરતો હોવાનું જણાય છે કહીને બચાવ પક્ષની અરજી ૨૯-૦૨-૨૦૨૪ના રોજ રીજેક્ટ કરી ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

આજે અરજી થતાં કૉર્ટે જેલ મોકલવા કર્યો હુકમ

કેસના વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ જણાવ્યું કે બચાવ પક્ષે આ હુકમને હાઈકૉર્ટમાં પડકારેલો અને બાદમાં સ્વેચ્છાએ અરજી પરત ખેંચી લીધી હતી. આજે આ કેસ મામલે સુનાવણી આગળ વધી ત્યારે બચાવ પક્ષના વકીલે ફોરેન્સિક ઑફિસરની તેમના પક્ષે સાક્ષી (ડિફેન્સ વીટનેસ) તરીકે ઉલટ તપાસ કરવા ફેર અરજી કરી હતી, જેનો ફરિયાદ પક્ષે વિરોધ કર્યો હતો.

ACB કૉર્ટે આ હરકતને કૉર્ટનો સમય બગાડવાની ચેષ્ઠા ગણાવી નારાજ થઈને આરોપી ચંદ્રેશ દિનકરરાય ત્રિવેદીને જ્યુ. કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.

જેલ વૉરન્ટ ભરી આરોપીને પાલારા હવાલે કરી દેવાયો હતો. ત્યારબાદ આરોપી વતી વકીલે કૉર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. કૉર્ટે બેઉ પક્ષની દલીલો સાંભળી હતી અને હવે સોમવારે ચુકાદો જાહેર કરશે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન