કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉસ્થિત સ્ટેટ રીઝર્વ્ડ પોલીસ ફોર્સ જૂથ-૧૬ની સહકારી મંડળીના કૅશિયરે સહકારી મંડળીઓના સબ ઑડિટર સાથે સાંઠગાંઠ કરીને ૯૬ લાખ ૪૩ હજાર રૂપિયાની ઉચાપત કરી હોવાની ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. SRP જૂથ-૧૬ના DySP યાસિન મહમદ સંધીએ પૂર્વ કૅશિયર કમ ASI રાજુ બી. પવાર અને ભુજમાં સહકારી મંડળીઓના સબ ઑડિટર તરીકે ફરજ બજાવતા સામતભાઈ એસ. એવારીયા વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે SRP જૂથ-૧૬ની પોલીસ જવાનો અને સિવિલયન સ્ટાફની સહકારી મંડળી ધી શક્તિ ધીરાણ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડમાં કૅશિયર તરીકેની ફરજ દરમિયાન રાજુ પવારે ૦૧-૦૪-૨૦૧૪થી ૩૧-૦૩-૨૦૨૩ના સમયગાળા દરમિયાન નાણાંકીય ઉચાપત કરી છે.
૨૦૨૨માં પવારની કૅશિયર તરીકે ટ્રાન્સફર થઈ ત્યારબાદ તેના સ્થાને આવેલા કૅશિયરે બેલેન્સ શીટની મેળવણી કરતાં સંખ્યાબંધ ગેરરીતિ જોવા મળેલી. જેથી તેણે ચાર્જ લીધો નહોતો.
તપાસ કરાતાં બહાર આવ્યું હતું કે નાણાંકીય લેવડ-દેવડ થયેલી, નાણાંની રસીદો અપાયેલી છે પરંતુ નાણાં ડે બૂકમાં ચડ્યાં નથી કે નથી મંડળીના બેન્ક ખાતામાં જમા થયાં. એટલું જ નહીં, લાખો રૂપિયાના ગેરકાયદે ચૂકવણા મંડળી વતી કરાયાં હતા. પવારે અનેક કર્મચારીઓની જાણ બહાર તેમના નામે લોન લઈને રકમ પોતાના અંગત બેન્ક ખાતામાં જમા કરાવેલી.
સબ ઑડિટર સાથે મળી નાણાંકીય ઉચાપત કરી
૨૦૧૮માં જ્યારે મંડળીનું ઑડિટ કરાયું ત્યારે સબ ઑડિટર એવારીયાએ હિસાબોમાં આંખે ઊડીને વળગે તેવી વિસંગતતાઓ હોવા છતાં કોઈ બાબતે વાંધો લીધો નહોતો. એવારીયાએ બેઝિક ઑડિટ કે જેમાં કૅશ બૂક, પાવતી બૂક હોય તેની ચકાસણી સુધ્ધાં નહોતી કરી અને પવાર સાથે ગુનાહિત કાવતરું રચીને નાણાંકીય ઉચાપતમાં સામેલગીરી કરી હતી.
બચવા માટે પવારે ખોટાં રેકર્ડ ઊભાં કર્યાં
પવારની નાણાંકીય ઉચાપત ધ્યાને આવ્યાં બાદ આંતરિક ઈન્ક્વાયરી શરૂ કરાયેલી. ઈન્ક્વાયરી દરમિયાન પવારે પોતાના પાપને છાવરવા માટે બોગસ રેકર્ડ રજૂ કર્યાં હતા અને ઘણાં રેકર્ડમાં છેડછાડ કરી હોવાનું બહાર આવ્યું હતું. આમ, પવાર અને એવારીયાએ ઉચાપત કરીને જૂથના સિવિલિયન અને પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
Share it on
|