કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર પોલીસે ખેડોઈની વાડીમાં દરોડો પાડીને ૪૫.૫૩ લાખના મૂલ્યના વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂ અને બિયરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. જો કે, બૂટલેગરોને દરોડાની ગંધ આવી જતાં સ્થળ પરથી ગાયબ થઈ ગયાં હતાં. બાતમીના આધારે મધરાત્રે બે વાગ્યે અંજાર પોલીસના કાફલાએ ખેડોઈ સીમમાં ખંભરા ચંદિયા રોડ પર આવેલી ઓમ ફાર્મ નામની વાડીને ચોતરફથી ઘેરો ઘાલ્યો હતો. લાંબા સમય સુધી વાડીમાં કોઈ હલચલ જોવા મળી નહોતી.
પોલીસ ઈન્સપેક્ટર અજયસિંહ આર. ગોહિલના નેતૃત્વમાં પોલીસનો કાફલો રાતના અંધારામાં ટોર્ચના અજવાળે બિલ્લી પગે વાડીની અંદર પ્રવેશ્યો હતો. વાડીમાં રાજસ્થાન પાસિંગનું એક ટ્રેલર અને બે મોટર સાયકલ પડી હતી. ટ્રેલરની અંદર તથા બહાર દારૂની પેટીઓનો મોટો જથ્થો પડ્યો હતો.
ટ્રેલરમાં લાઈમ સ્ટોનની ઓથે દારૂ લવાયેલો
ટ્રેલરની અંદર લાઈમ સ્ટોનની ૩૦૦ બોરીઓની આડમાં શરાબ લવાયો હતો. દારૂનો જથ્થો પોલીસ સ્ટેશને લઈ જઈને ગણતરી કરાતાં મૅકડોવેલ્સ, રોયલ ચેલેન્જર, રોયલ સ્ટેગ, ઑલ સીઝન, બ્લેન્ડર્સ પ્રાઈડ નામની વ્હિસ્કી સ્કૉચની ૪૦.૫૬ લાખની કિંમતની કુલ ૬૬૦૦ નંગ બાટલીઓ હતી. તો, ટ્યુબર્ગ, બી યંગ, થંડર બૉલ્ટ અને પ્રુસ્ટ પ્લેટેનિયમ બ્રાન્ડના બિયરની ૪.૯૭ લાખના મૂલ્યના ૪૪૬૪ ટીન મળી આવ્યાં હતાં.
બાટલીઓ અને ટીન પરથી બેચ નંબર ભૂંસી નખાયેલાં
શરાબ બિયરનો જથ્થો પંજાબ ચંદિગઢની વિવિધ ડિસ્ટલરીઝનો છે પરંતુ તમામ બોટલ અને ટીન પરથી બૅચ નંબર ભૂંસી નાખવામાં આવ્યાં છે. પોલીસે ૪૫.૫૩ લાખના શરાબ અને બિયર સાથે ૨૦ લાખની કિંમતનું ટ્રેલર, એક લાખની કિંમતના બે મોટર સાયકલ મળી કુલ ૬૬ લાખ ૫૩ હજાર ૫૩૨ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સાત સામે વિવિધ ધારા તળે ગુનો નોંધાયો
ખેડોઈમાં રહેતા કુલદીપ નરપતસિંહ જાડેજાની માલિકીની વાડીમાં કુલદીપ ભરતસિંહ સરવૈયા અને શક્તિ ભરતસિંહ સરવૈયાએ ભેગાં મળી, એકમેકની મદદગારીમાં કાવતરું ઘડીને શરાબનો જથ્થો મગાવી દરોડા દરમિયાન હાજર ના મળી ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્રણે સાથે દારૂ લઈ આવનાર ટ્રેલરના ચાલક, દારૂનો જથ્થો ભરી આપનાર, બે મોટર સાયકલના ચાલક મળી કુલ સાત લોકો સામે પ્રોહિબિશન સહિતની ધારાઓ તળે ગુનો દાખલ કરાયો છે.
કુલદીપ અને શક્તિ છે લિસ્ટેડ બૂટલેગર
કુલદીપ અને શક્તિ ઊર્ફે યુવરાજ નામના બેઉ ભાઈ અગાઉ દારૂના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલાં છે. ૧૪-૦૩-૨૦૨૨ની રાત્રે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચંદિયાની સીમમાં બંને ભાઈના કબજા ભોગવટાની વાડીમાં દરોડો પાડીને ૨૪.૧૨ લાખના શરાબ સાથે ક્રેટા કાર, બાઈક વગેરે મળી ૫૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરેલો. બંને ભાઈ લિસ્ટેડ બૂટલેગર છે અને દારૂના અન્ય અનેક ગુનામાં તેમની સંડોવણી બહાર આવી હોવાનું પીઆઈ ગોહિલે જણાવ્યું છે.
હવામાં બંદૂકના ભડાકા કરી મારકૂટ કરી ચૂક્યાં છે
કુલદીપ જાડેજા, કુલદીપ સરવૈયા, શક્તિ સરવૈયા સહિત ચાર સામે અગાઉ ૨૦૨૦માં આર્મ્સ એક્ટ અને મારામારીની કલમો તળે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે. બીજી ફેબ્રુઆરી ૨૦૨૦ની રાત્રે આરોપીઓ ચંદિયા પાસે ક્રેટા કાર લઈને બહાર ઊભેલાં ત્યારે ત્યાંથી બ્રેઝા કાર લઈને નીકળેલાં શખ્સે તેમને ગાડી હટાવી રસ્તો કરી આપવા જણાવતાં ઉશ્કેરાઈને ચારે જણે મારકૂટ કરીને હવામાં ફાયરીંગ કરેલું.
Share it on
|