click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Vishesh -> Why Bhuj municipality is hiding name of tax evaders
Tuesday, 13-Mar-2018 - Bhuj 30825 views
ભુજ નગરપાલિકા પાસે આ ‘ખાસ યાદી’ ના માંગતા, ખો-ખો રમાડશે!

કચ્છખબરડૉટકોમ, ભુજઃ માર્ચ એન્ડિંગ આડે પખવાડીયાનો સમય બાકી રહ્યો છે. ત્યારે, ભુજ નગરપાલિકાએ બાકી વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવી છે. કચ્છખબરે ટેક્સ બ્રાન્ચના અધિકારી અરવિંદસિંહ જાડેજાને પૂછ્યું તો તેમણે કહ્યું કે, ‘’2017માં 11.50 કરોડની વસૂલાત થઈ હતી. આ વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં 4.30 કરોડની વસૂલાત થઈ છે. બાકી ટેક્સપેયર સામે નગરપાલિકા સીલીંગની ઝુંબેશ છેડશે.’’

વર્ષોથી મોટી રકમનો ટેક્સ બાકી હોય તેમના નામ પાલિકા છૂપાવે છે!

કચ્છખબરે ભુજમાં રહેણાંક અને કૉમર્સિયલ મિલકતો પૈકી છેલ્લાં ત્રણ કે તેથી વધુ વર્ષથી વેરો ના ભરાતો હોય તેવી મિલકતોની યાદી માંગી તો જાણે અંગારા ઉપર પગ મુકાઈ ગયો હોય તેમ નગરપાલિકાના સત્તાધિશો ચૂપ થઈ ગયાં. જેમને પૂછતાં જ છેલ્લાં પાંચ વર્ષની વેરા વસૂલાતના આંકડા ફટાફટ બોલે છે તે અરવિંદભાઈએ નગરપ્રમુખના માથે ટોપી ફેરવી એવો જવાબ આપ્યો કે એ યાદી ના આપી શકાય. તેના માટે નગરપ્રમુખની મંજૂરી લો તો જ માહિતી મળે.

હાથીનો જવાબ વળી ગધેડાને તાવ લાવી દે તેવો છે!  

અરવિંદસિંહ નગરપ્રમુખના નામની ખો આપી છટકી ગયાં. કચ્છખબરે નગરપ્રમુખ અશોક હાથી પાસે મોટા બાકીદારોની યાદી માંગી તો પ્રમુખસાહેબે સરકારના નામની ખો આપી ભેદી જવાબ આપ્યો કે ના.ના..એ યાદી જોઈતી હોય તો સરકારની મંજૂરી જોઈએ. અમે નામજોગ યાદી ના આપી શકીએ. હાથીનો આ જવાબ ગધેડાને તાવ લાવી દે તેવો છે! મુદ્દો એ છે કે પાલિકાને યાદી જાહેર કરવામાં કયો સરકારી વિભાગ અટકાવે છે? કયા કાયદા કે નિયમ હેઠળ મંજૂરી લેવી પડે છે? તેનો હાથી પાસે જવાબ નથી.

યાદી જાહેર ના કરવા પાછળ અંદરની હકીકત આવી વરવી છે!

પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત શાસનના સપનાઓ દેખાડતાં દેશના પ્રધાનસેવકના નામે ચૂંટાઈ આવેલાં સત્તાધિશો જો યાદી જાહેર થઈ જાય તો ઉઘાડા પડી તેમ જાય છે. કારણ કે, ભુજમાં 50 હજાર રહેણાંક અને કૉમર્સિયલ મિલકતો પૈકી અનેક બડી બડી ખાનગી હોટેલ, સરકારી, અર્ધસરકારી, સામાજિક, સહકારી અને વેપારી મિલકતો એવી છે કે જે વર્ષોથી ટેક્સ ભરતી જ નથી. આ મિલકતો પાસેથી લાખ્ખો રૂપિયાનો ટેક્સ લેવાનો બાકી નીકળે છે. પાલિકાના અમુક ભ્રષ્ટ પદાધિકારીઓ અને ‘પલળેલો’ સ્ટાફ દર વર્ષે ચોક્કસ મિલકતદારો પાસે જઈ ‘મોઢું મીઠું કરી’ આવી આવા મોટા બાકીદારો વિરૂધ્ધ કશી કાર્યવાહી કરતો નથી. તેનાથી વિપરીત બે રૂમ રસોડું ધરાવતાં નાના મિલકતદારોના ઘર આગળ ઢોલ વગાડાય છે. સફાઈ, ગટર, પાણી જેવી પાયાની સુવિધા નિયમિત આપવામાં નિષ્ફળતા છતાં નાનાં મિલકતદારો પાસે ટેક્સની ‘પઠાણી’ ઉઘરાણી કરાય છે. સૂત્રોનો દાવો છે કે, ટેક્સ શાખામાં વર્ષોથી પેંધી ગયેલા અમુક કર્મચારીઓને માર્ચ આવતાં જ મોટા બાકીદારો પાસેથી કર નહીં પણ હપ્તા વસૂલાતમાં વધુ રસ રહે છે.

પાલિકા માટે નાનાં-મોટા તમામ કરદાતા સરખા હોવા જોઈએઃ વિપક્ષ

સમગ્ર બાબત અંગે કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, નગરપાલિકા માટે તમામ બાકીદારો એકસરખાં હોવા જોઈએ. નાના કરદાતાઓ પાસે વસૂલાત માટે તેમના ઘર આગળ ઢોલ વગાડાય અને મોટા બાકીદારોની લાજ કઢાય તે હરગીઝ ના ચલાવી લેવાય. ભુજમાં અનેક હોટેલ અને સંસ્થાઓ વર્ષોથી ટેક્સ ભરતી નથી. તો આ લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી શા માટે નથી કરાતી?

Share it on
   

Recent News  
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!
 
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી