click here to go to advertiser's link
Total Visitors : 3931365  
       
24-Mar-2018, Saturday
Home -> Vishesh -> Water board get high TDS water from bore well near border area
Monday, 05-Mar-2018 - Bhuj 18704 views
સરહદે ખોદાયેલાં બોરમાંથી સિંધુના મીઠા નહીં ‘ખારાં લૂણ’ જળ પ્રાપ્ત થયાં!

કચ્છખબરડૉટકોમ, ભુજઃ પાકિસ્તાનની રણસીમા નજીક પેટાળમાં સિંધુ નદીના મીઠા જળ ઉલેચવા પાણી પુરવઠા બૉર્ડે આદરેલો વ્યાયામ ખારા લૂણ પાણીની પ્રાપ્તિ સાથે પૂર્ણ થયો છે. પેટાળમાંથી નીકળેલું પાણી ખારું છે. આ પાણીને પીવાલાયક બનાવવું હોય તો કરોડોના ખર્ચે આરઓ પ્લાન્ટ બેસાડવો પડે તેમ છે. અલબત્ત, ખારું તો ખારું પરંતુ પાણી મળ્યું છે તો આસપાસની ચોકીઓના જવાનોને ભવિષ્યમાં આર.ઓ. પ્લાન્ટમાં શુધ્ધિકરણ કરી પાણી પહોંચાડી શકાશે તે મુદ્દે પાણી પુરવઠા બૉર્ડ આશ્વાસન મેળવે છે. હાલ જવાનોને ટેન્કરો મારફત પાણી પહોંચાડાય છે. ઉલ્લેખનીય છે કે, રણ સરહદે પેટાળમાં સિંધુ-સરસ્વતીના મીઠા જળનો અખૂટ ભંડાર વહેતો હોવાની મોટી આશાઓ સાથે બોરનું ખોદકામ કરાયું હતું. તંત્રએ ત્રણ જગ્યાએ બોર ખોદવા આયોજન કર્યું હતું. પરંતુ, ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ની જેમ ખારું પાણી નીકળતાં બાકીના બે બોર ખોદવાનું પડતું મુકાયું છે. મુખ્ય ઇજનેર શૈલેષ રાઠવાએ જણાવ્યું કે, અમને ઈચ્છિત સફળતા મળી નથી.

550 ફૂટ પછી નદીના વહેણમાંથી 4500 TDS પાણી મળ્યું

પાણી પુરવઠા તંત્રએ ‘ગુગલ મેપ’ના આધારે પાકિસ્તાન સરહદને બરાબર અડીને આવેલી 1079 નંબરની બીઓપી પાસે બોર ખોદયો હતો. તંત્રને 550 ફૂટ પછી નદીના વહેણના ખારાં જળ પ્રાપ્ત થયાં હતા. બોર કુલ 715 ફૂટ સુધી ખોદાયો છે. આ જળના TDS (ટોટલ ડીઝોલ્વ્ડ સૉલ્ટ) 4500 છે. વૈજ્ઞાનિક માપદંડ અનુસાર મનુષ્યો માટે મહત્તમ બે હજાર TDSવાળું પાણી ‘પેય’ ગણાય છે. કચ્છખબર સાથે વાત કરતાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર અશોક લધરે જણાવ્યું કે, જમીન ખૂબ પોચી હોઈ 700 ફૂટથી વધુ ખોદકામ થઈ શકે તેમ નહોતું. અલબત્ત ભૂગર્ભમાં અખૂટ જળરાશિ હોવાનું તેમણે જણાવ્યું છે.

શકુર લેકમાં ROની જેમ અહીં પણ ROની વિચારણા

કચ્છની રણસરહદે ફરજ બજાવતાં જવાનો માટે પેયજલનો પ્રશ્ન કાયમી રહ્યો છે.  થોડાંક વર્ષો પહેલાં ધરમશાળાથી વિઘોકોટ સુધી અંદાજે 75 કિલોમીટર લાંબી નર્મદા નીરની પાઈપલાઈન નખાઈ હતી. પરંતુ, રણની આબોહવા અને જમીનની ખારાશના કારણે પાણીની લાઈન સડી જાય છે. સીમાએ કાર્યરત વીસ ચોકીના અંદાજે ચારેક હજાર જવાનોને સિંધુ કેનાલના ઓવરફ્લો પાણીથી રચાતાં શકુર લેક નજીક પાંચ લાખ લિટરનો આર.ઓ.પ્લાન્ટ બેસાડી પાણી આપવાનું આયોજન પણ લાંબા સમયથી છે. જો કે, ખાટલે મોટી ખોટ એ છે કે, શકુર લેકમાં શિયાળામાં 1500 TDSવાળું પાણી હોય છે પરંતુ પછી સમુદ્રી ખારાશ ભળતાં આ પાણીના TDS પાંચ હજાર સુધી પહોંચી જાય છે. હવે આ બોરના ખારાં પાણી આર.ઓ. પ્લાન્ટમાં શુધ્ધ કરી જવાનોને આપી શકાય કે કેમ તે દિશામાં મનોમંથન હાથ ધરાયું છે.

એક આર.ઓ.ની કિંમત 4 કરોડ, ‘કોસ્ટ ઈફેક્ટીવ રેશિયો’ જોઈ નક્કી કરાશે

પાણી પુરવઠા બૉર્ડના અધિક્ષક ઇજનેર એલ.જે.ફુફલે કચ્છખબરને જણાવ્યું કે, સામાન્ય રીતે જેમ વધુ ક્ષમતાવાળો આર.ઓ. પ્લાન્ટ તેમ તેની કિંમત સવળી-સસ્તી પડે છે. જેમ કે, પાંચ લાખ લીટર પાણીના શુધ્ધિકરણની ક્ષમતાવાળા આર.ઓ. પ્લાન્ટની કિંમત 4 કરોડ થાય છે. પરંતુ, પચાસ લાખ લીટર પાણીના શુધ્ધિકરણની ક્ષમતાવાળા આર.ઓ. પ્લાન્ટની કિંમત 6 કરોડ થાય છે. સરહદે તૈનાત જવાનોને ટેન્કર કે પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડવું કિફાયતી નીવડે છે કે આરઓ મારફતે તેનો નિષ્ણાતો ‘કૉસ્ટ ઈફેક્ટીવ રેશિયો’ નક્કી કરી અંતિમ નિર્ણય કરશે. આરઓ પ્લાન્ટના ઈન્સ્ટોલેશન સાથે તેના મેઈન્ટેનન્સ અને ઓપરેટીંગનો પણ મોટો ખર્ચ થતો હોય છે. જો આર.ઓ.મારફતે પાણી વિતરણ સવળું પડતું હોવાનું નક્કી થશે તો ધરમશાળા નજીક પણ એક બોર બનાવી દેવાશે. હાલ પાણીના કેમિકલ ટેસ્ટીંગનો રીપોર્ટ આવ્યો નથી અને હજુ આ બધા મુદ્દે ગહન મનોમંથન-અહેવાલો બાદ જ અંતિમ નિર્ણય લેવાશે.


Recent News  
‘બેંકો એવોર્ડ’ મેળવનાર BMCB એવોર્ડ પછવાડેની હકીકતો છૂપાવે છે!
 
વાંકાનેરમાં સસ્તા દારૂનું ઊંચી બ્રાન્ડનેમથી વેચાણનું કૌભાંડ, 3 કચ્છી ઝડપાયાં
 
‘કચ્છ એક્સપ્રેસ’માં મહિલા બૂટલેગરના લીધે હંગામો, 125 પ્રવાસી લટકેલાં!