click here to go to advertiser's link
Total Visitors : 4520259  
       
25-Apr-2018, Wednesday
Home -> Vishesh -> GSDMA is searching dedicated Aapda Mitra in disaster prone Kutch
Wednesday, 04-Apr-2018 - Bhuj 14445 views
વાવાઝોડું-ભૂકંપ વેઠનારાં કચ્છમાં GSDMAને પૂરતાં ‘આપદા મિત્ર’ જ મળ્યા નહી!

કચ્છખબરડૉટકોમ, ભુજ( ઉમેશ પરમાર) વિનાશક વાવાઝોડા, ગોઝારા ભૂકંપ, પૂર કે ભીષણ આગ જેવી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કાર્યનું વ્યવસ્થાપન કરવા માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરીટી (GSDMA) કાર્યરત છે. 2001ના ભૂકંપ બાદ કુદરતી આપદાઓના વ્યવસ્થાપન માટે ગુજરાત સરકારે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરીટી (GSDMA)ની સ્થાપના કરી હતી. GSDMA દ્વારા કુદરતી આફતો અંગે સતત જનજાગૃતિ કાર્યક્રમો અને સ્વયંસેવકોને તાલીમ અપાય છે. GSDMA દ્વારા હાલમાં રાજ્યસ્તરની ‘આપદા મિત્ર’ નામની નવી યોજના શરૂ કરાઈ છે. આ યોજના અંતર્ગત પ્રત્યેક તાલુકામાંથી ત્રણ-ત્રણ સ્ત્રી-પુરૂષની ‘આપદા મિત્ર’ તરીકે પસંદગી કરાઈ તેમને રાહત અને બચાવકાર્ય અંગે તાલીમ આપવાનું આયોજન છે. પરંતુ ‘ડિઝાસ્ટર પ્રોન’ કચ્છમાં GSDMAને બહુ મહેનત છતાં ‘આપદા મિત્ર’ મળતાં નથી. દસ તાલુકામાંથી છ-છ જણની ટીમ મળી 60 જણાં અને જિલ્લાસ્તરે છ જણાં મળી કુલ 66 લોકોને તાલીમ આપવાનું આયોજન કરાયું હતું. પરંતુ, તાલીમ લેવા માટે 37 જેટલાં માંડ અડધા સ્વયંસેવકો તૈયાર થયાં છે. તેમાં’ય યુવતીઓની સંખ્યા તો રોકડી દસ છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘આપદા મિત્ર’ની તાલીમના પ્રારંભ સંદર્ભે યોજાયેલાં કાર્યક્રમમાં ગુજરાતભરમાં કુદરતી આફતો સામે લડવા માટે ‘યુવા શક્તિ સેના’નું નિર્માણ કરવાનો નિર્ધાર દર્શાવ્યો હતો.

કચ્છના યુવાનોમાં પ્રવર્તે છે નિરસતાઃ પરીક્ષાઓ પણ નડીઃ GSDMA

GSDMAના કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ ઑફિસર મેહુલ પઢારીયાએ કચ્છખબરને જણાવ્યું કે ‘આપદા મિત્ર’ માટે અમે કચ્છમાં કુલ 65 સ્વયંસેવકોના નામ નોંધ્યા હતા. પરંતુ, જ્યારે તેમને તાલીમ માટે વડોદરા નજીક શિનોર મોકલવાના હતા ત્યારે માંડ 37 જણાં હાજર થયાં હતા. યોજના મુજબ પ્રત્યેક તાલુકામાંથી ત્રણ-ત્રણ સ્ત્રી-પુરૂષની પસંદગી કરવાની છે પરંતુ ચોપડે નોંધાયેલા 65 સ્વયંસેવકોમાં યુવતીઓની સંખ્યા ફક્ત 13 હતી. પઢારીયાએ જણાવ્યું કે આમ તો કોઈપણ યુવાન ‘આપદા મિત્ર’ તરીકે તેમનું નામ નોંધાવી શકે છે. પરંતુ, મોટાભાગે કૉલેજના છાત્રો જ વધુ રસ દાખવે છે. આ વખતે તાલીમ સમયે કૉલેજની પરીક્ષાઓ હોઈ તેના કારણે પણ ઘણાં છાત્રોએ તાલીમ લેવાનું ટાળ્યું હતું. જો કે, અનેક છાત્રો એવા પણ છે કે જેઓ ઉત્સાહમાં આવીને નામ તો નોંધાવી દે છે પરંતુ ખરેખરી તાલીમનો લેવાની આવે ત્યારે પાણીમાં બેસી જાય છે. ભુજ,ગાંધીધામ,અંજાર જેવા શહેરોની તુલનાએ લખપત, અબડાસા, ભચાઉ, રાપર જેવા તાલુકાઓમાંથી મોળો પ્રતિસાદ મળ્યો હોવાનું પઢારીયાએ જણાવ્યું છે. આગામી 31મીથી બનાસકાંઠા ખાતે તાલીમનો બીજો તબક્કો શરૂ થવાનો છે. તે પૂર્વે નવેસરથી યાદી તૈયાર કરી જેમને ખરેખર રસ હોય તેવા લોકોને જ પસંદ કરવામાં આવશે.

‘આપદા મિત્ર’ને પ્રમાણપત્ર, ઓળખપત્ર અને સ્ટાઈપેન્ડ અપાય છે

‘આપદા મિત્ર’ બનવા ઈચ્છુક યુવાનને બે સપ્તાહની વિવિધ પ્રકારની તાલીમ અપાય છે. તાલીમ પૂર્ણ થયા બાદ તેમને પ્રમાણપત્ર અને ઓળખપત્ર અપાશે. એટલું જ નહીં તાલીમના સમયગાળા દરમિયાન હજાર-બારસો રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવાની પણ જોગવાઈ કરાઈ હોવાનું પઢારીયાએ જણાવ્યું છે. આ સ્વયંસેવકો તેમના વિસ્તારમાં જનજાગૃતિની કામગીરી પણ કરતાં રહેશે. 1998નું કંડલા વાવાઝોડું હોય કે 2001નો વિનાશક ભૂકંપ કે વખતોવખત ત્રાટકતી રહેલી આગ અને પૂર જેવી અન્ય આપદાઓ, રાજ્યના ‘ડિઝાસ્ટર પ્રોન’ જિલ્લાઓની યાદીમાં કચ્છનું સ્થાન મોખરાનું છે. ત્યારે, આફતોના વ્યવ્સ્થાપન માટે સરકારી તંત્રને દિવો લઈને સ્વયંસેવકો શોધવા જવું પડે તે બાબત તમામ સ્તરે ગહન ચિંતન માંગી લે છે.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ