click here to go to advertiser's link
Total Visitors : 4520249  
       
25-Apr-2018, Wednesday
Home -> Vishesh -> China's Tiangong-1 space lab set to hit Earth
Sunday, 01-Apr-2018 - Bhuj 16677 views
અનિયંત્રિત ચીની સ્પેસલેબ ‘સ્વર્ગમહલ’ ક્યાં ખાબકશે? કચ્છમાં કેમ છે ઉત્સુક્તા?

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચીનની પ્રથમ પ્રોટોટાઈપ સ્પેસ લેબ ત્યાન્ગોંગ-1 (Tiangong) હવે ધરતી પર ગમે ત્યાં પડશે. યુરોપીયન સ્પેસ એજન્સીએ જણાવ્યું છે કે આ અનિયંત્રિત સ્પેસ લેબ 30મી માર્ચથી 3 એપ્રીલ દરમિયાન ગમે ત્યાં અને ગમે ત્યારે ધરતી પર ખાબકશે. લગભગ 9.4 ટનનું વજન, 34 ફૂટ લંબાઈ અને 11 ફૂટ પહોળી આ સ્પેસ લેબ ચીને 2011માં અવકાશમાં તરતી મુકી હતી. જે 2016માં કંટ્રોલ બહાર થઈ ગઈ હતી. પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બળથી તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ખેંચાઈ આવી છે અને હવે વિશ્વમાં તે ગમે ત્યાં અને ગમે ત્યારે તૂટી પડી શકે છે. સ્પેસ સાયન્ટીસ્ટસના મતે આ સ્પેસ લેબ જેવી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે કે તુરંત સળગી ઉઠશે અને આતશબાજી જેવી રોશની દેખાશે. જો કે, તેના કેટલાંક પૂર્જા નીચે ખાબકવાની ભીતિ છે. પૃથ્વી પર 70 ટકા ભાગમાં સમુદ્ર હોઈ સામાન્યતઃ આ પ્રકારનો અવકાશી કચરો મોટાભાગે સમુદ્રમાં પડતો હોય છે. પરંતુ, તેનો કાટમાળ સમુદ્રમાં જ પડશે તેવું ખાત્રીપૂર્વક કહી શકાય નહીં. ચાઈનીઝ ભાષામાં ત્યાન્ગોંગનો અર્થ 'સ્વર્ગ મહેલ' થાય છે. પૃથ્વી પર પડનારો આ ‘સ્વર્ગ મહેલ’ ક્યાંક રહેણાંક વિસ્તારમાં ખાબકીને કોઈની ઘોર ખોદી ના નાખે તેનો પણ વિશ્વના ખગોળશાસ્ત્રીઓને ઉચાટ છે. જો કે, મોટું નુકસાન કે જાનહાનિ થવાની શક્યતા નહિવત હોવાનું સ્પેસ સાયન્ટીસ્ટ્સ જણાવે છે.

કચ્છમાં અગાઉ ઉલ્કાપ્રપાત થઈ ચૂકેલાં છે, ખગોળરસિકોમાં ઉત્સુક્તા

ભુજમાં એમેચ્યોર એસ્ટ્રોનોમી ક્લબ ચલાવતાં નરેન્દ્રભાઈ ગોર અને તેમના સાથીઓ પણ આ અવકાશી ઘટનાને લઈ ભારે ઉત્સુક છે. યુરોપીયન સ્પેસ એજન્સીનો લેટેસ્ટ ડેટા શૅર કરતાં નરેન્દ્રભાઈ ગોર જણાવે છે કે આજે બપોરે બરાબર 12વાગ્યે આ સ્વર્ગમહેલ આપણા માથા પરથી એટલે કે ભારતના આકાશમાંથી પસાર થયો. હવે આજે મધરાત્રે બરાબર 3.36 મિનિટે તે ફરી ભારતના આકાશમાંથી પસાર થશે. તેમણે જણાવ્યું કે કચ્છની ધરા સદીઓ પૂર્વે થયેલી વિરલ ખગોળીય ઘટનાઓની સાક્ષી બની રહી છે. હાજીપીર નજીક આવેલી લુણા ઝીલનો દાખલો આપતાં નરેન્દ્રભાઈ કહે છે કે લુણા ઝીલ હકીકતમાં ઉલ્કાપ્રપાતના કારણે થયેલો મોટો ખાડો હોવાનું મનાય છે. કચ્છમાં છેલ્લે 2008માં ઉલ્કાપ્રપાત થયો હતો. ભચાઉના વાંઢિયા ગામે એક શ્રમજીવીના પતરાં પર ઉલ્કાનો નાના પથરા જેવો ટૂકડો પડ્યો હતો. આ ઘટનાએ ત્યારે સમગ્ર દેશમાં ભારે ઉત્સુક્તા સર્જી હતી. કારણ કે, આગલા દિવસે સાંજે ભુજ સહિતના શહેરોનાં હજારો લોકોએ આકાશમાંથી તેજસ્વી પદાર્થને જમીન પર પડતાં જોયો હતો. નરેન્દ્રભાઈએ જણાવ્યું કે 2008માં ઉલ્કાનો મોટો પિંડ નાના રણમાં પણ પડ્યો હતો. નરેન્દ્રભાઈ અને ખગોળરસિકો સતત સ્વર્ગમહેલને ટ્રેક કરી રહ્યાં છે.

અગાઉ સ્કાયલેબ અને મીર ધરતી પર ખાબકી ચૂકેલાં છે

જૂલાઈ 1979માં અમેરીકન સ્પેસ એજન્સી નાસાની 85 ટનની સ્કાયલેબ હિંદ મહાસાગર પર તૂટી પડી હતી. તે સમયે દિવસો સુધી ભારતમાં ઘણો ઉચાટ અને ઉત્સુક્તા છવાયેલાં રહ્યાં હતા. ઉપરાંત 2001માં રશિયાનું 140 ટનનું સ્પેસ સ્ટેશન મીર પણ ધરતી પર ક્રેશ થયું હતું.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ