click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Vishesh -> avalchanda ni avalchandai article 11 12th november 2017
Monday, 13-Nov-2017 - Bhuj 14638 views
રીઢો ચોર રઘલો બેભાન થતાં માસ્તર મૂંઝાયા
રીઢો ચોર રઘલો બેભાન થતાં માસ્તર મૂંઝાયા રઘલાની એકટિંગથી અજાણ માસ્તરને જમાદારે પણ બરબારના ભીડવ્યા

દરેક કાર્યક્રમો લાવ-લશ્કર સાથે કરવા ટેવાયેલાં બિચારા માસ્તરોને એ ખબર ક્યાંથી હોય કે ઈન્વેસ્ટીગેશનનું કામ એકદમ ચુપકિદીથી કરવું પડે. શ્વાન સમરાંગણ બાદ અનુભવી જમાદારે થાણા અધિકારીને ઈન્વેસ્ટીગેશનનો પાઠ શીખવાડી 500 રૂપિયાની રોકડી કરી લઈ ચાર-પાંચ શકમંદો લાવી આપ્યાં. હવે આ રીઢા ગુનાખોરો માસ્તરોની ઝપટમાં કોઈ વાતે આવે ખરા? ઈન્વેસ્ટીગેશન અધિકારી બનેલાં સમાજશાસ્ત્રના શિક્ષક પિત્રોડાસાહેબે શકમંદો સાથે તેમની શૈલીમાં પૂછતાછ શરૂ કરીઃ

પિત્રોડાઃ ભાઈ આપનું નામ શું?

રઘલોઃ રઘલો. પણ માઈ બાપ એ તો કહો કે મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે? મારે ઘેર દિકરી બીમાર છે ( આ તેનો કાયમી ડાયલૉગ છે)

પિત્રોડાઃ જૂઓ ભાઈ, મિશ્રાસાહેબને ત્યાં ચોરી થઈ છે. તેમાં નામ તમારૂં આવે છે એટલે તમને તે કેસના અનુસંધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાજમાં ચોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જાય છે. સરકારના લાખ પ્રયત્નો કરવા છતાં આપણી સિસ્ટમ નિષ્ફળ જાય છે. મારે સમસ્યાના મૂળ સુધી પહોંચી આ ચોરીના કિસ્સાનો ભેદ ઉકેલવા સાથે જેણે પણ ચોરી કરી હશે તેનો ઉધ્ધાર કરવા તથા સમાજમાં તે માનભર્યું અને પ્રતિષ્ઠામય જીવન જીવી શકે તેવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા છે. માટે જો તે આ કાર્ય કર્યું હોય તો કબૂલી લે એટલે કાર્યવાહી પૂર્ણ કરી તારા જીવન ઉધ્ધારક તરીકેનો જશ મેળવવવા હું પણ ભાગ્યશાળી બનું.

રઘલો ચકળવકળ આંખે જોતો રહ્યો!! બીજી તરફ, અનુભવી જમાદાર પણ અચંબામાં પડી ગયાં. રઘલાને સમજાયું નહીં કે એ પોલીસ સ્ટેશનમાં છે કે પાગલખાને! હવે તેની પાસે માથું ખંજવાળવા સિવાય બીજો વિકલ્પ નહોતો. અત્યારસુધીનો અનુભવ તો એવો રહ્યો છે કે થોડી ગાળો અને ત્યારબાદ ધોલાઈ થાય. આ બધુ તેને માફક પણ આવી ગયું છે! માર પડે તો કેવી એક્ટિંગ કરવી તેના અભ્યાસક્રમ માટે તેણે ઉસ્તાદને ખાસ્સી ફી પણ ચૂકવી હતી! માર પડ્યા બાદ થતી એક્ટિંગની પોલીસને પણ ખબર હોય છે. ત્યારબાદ થતું આવે છે તેમ સમજાવટ, રકઝક અને ભાગબટાઈ કરી લેવાની તેને આદત હતી. હવે આ ચોરી તેણે કરી જ ન્હોતી. રઘલો આમાંથી છૂટવા અગાઉની ચોરી કબૂલવા તૈયાર હતો. ચોરીના માલ તરીકે તે તેના નેફામાં એક ચાંદીનું ઝાંઝર અને સોનાની બુટ્ટી પણ લાવ્યો હતો. જરૂર પડ્યે માલ આપી છૂટકારો મેળવવાની સંપુર્ણ માનસિક તૈયારી પણ કરી રાખી હતી.

બીજી તરફ, જમાદાર પણ આવા અણધાર્યાં સવાલો અને સમાજસેવાની વાતથી ગુંચવણમાં મુકાઈ ગયાં. તેના હાથમાં ચળ ઉપડી હતી. તેને ખબર હતી કે, રઘલાએ ચોરી નહીં કરી હોય તો પણ ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ તો મળવાની છે જ. પણ પિત્રોડા નામનો માસ્તર ગાડી અવળા ટ્રેક પર લઈ જાય છે. હવે શું કરવું તેની મુંઝવણ વધવા લાગી. રઘલો એટલે જમાનાનો ખાધેલ ચોર. ચોરી કળામાં તેનું બહુ મોટું નામ. મહિને દહાડે બે-ચાર હાથ ના મારે તો તેને સૂનું-સૂનું લાગે. ઘાટ-ઘાટના પોલીસ સ્ટેશનોનાં જમાદારો, વહીવટદારો અને અધિકારીઓથી સુપેરે પરિચિત. કોઈ મોટી ચોરી થઈ હોય તો રઘલા પાસે તે કોણે કરી તેની રજેરજ માહિતી હોય એટલે તેનો બાતમીદાર તરીકે પણ ઉપયોગ થાય. આમ રઘલો પોલીસ માટે માથાનો દુઃખાવો તો હતો જ સાથોસાથ કામનો માણસ પણ હતો. અણધારી વાતથી તે પણ વિમાસણમાં મુકાયો. શું કરવું? તેનો વિચાર કરવા લાગ્યો. તેણે મનોમન વિચાર્યું આ હાળો પોલીસની જાતનો લાગતો નથી. પછી શરૂ થઈ તેની એક્ટિંગ...

“અરે જમાદાર સાહેબ, આ રઘલાને ચોરી કરવાનું મુકી દીધાને વર્ષો થઈ ગયાં. પૂછો આ અહીં ઉભેલાં જમાદારને.... બાપુ તમે કેમ કંઈ બોલતા નથી?”

અચાનક આવેલા ગુગલી બૉલે જમાદારને પણ મુંઝવી નાખ્યા. મનમાં એક મણની ગાળ સાથે રઘલાના કરતબથી તેને મનોમન ધન્યવાદ પણ આપ્યા કે ‘માળો શું એક્ટિંગ કરે છે’. જમાદારે મૌન જ રહેવાનું ઉચિત માન્યું અને આગળ શું વાર્તાલપ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

પિત્રોડાઃ જો ભઈ રઘલા, હજુ પણ તમારી પાસે તક છે. પછી અમે અમારી ઢબે પૂછપરછ કરીશું તો તમને ‘ભારે’ પડશે. માટે માની જાવ કે ચોરી તમે જ કરી છે અથવા તો ચોરી કરનારા એ વ્યક્તિનું નામ આપો જેથી અમે તેને સુધારવા પ્રયત્નો કરીએ.

અચાનક જ રઘલો રડવા લાગ્યો.... ‘માઈ બાપ.... જો મેં ચોરી કરી હોય તો તમારી સાત પેઢીના શૂરા-પૂરા મને પહોંચે. હું કંઈ જાણતો નથી... આ તો મારૂં નામ હહરીનું ચોપડે ચડ્યું એટલે દરેક ચોરીમાં મને બોલાવે. બાકી સાહેબ તમારી માના સોગંદ મેં કંઈ કર્યું નથી’ કહીને ફરી હિબકે ચડ્યો!!

હવે માસ્તર મુંઝાયા કે આ માણસે ખરેખર ચોરી કરી હોઈ શકે? જમાદાર પણ રઘલાની એક્ટિંગ પર આફરીન થવા લાગ્યા. માસ્તરની વિમાસણ વધી ગઈ અને આ તરફ રઘલાના મોઢામાં ફીણ આવવા લાગ્યાં. અચાનક વાઈ આવતી હોય તેમ તે આળોટવા લાગ્યો અને આક્રંદ શરૂ કરી દીધું.. ‘મારી છોડી બિમાર છે. તેનું શું થયું હશે.. હે ભગવાન! હવે તું જ એ પારેવડાંને બચાવજે’ કહી તે બેભાન થઈ ગયો!

માસ્તર હાંફળાફાંફળા થઈ ગયાં કે સાલું નિર્દોષ માણસની બદદુઆ ના લાગી જાય. હવે શું કરવું તેવી પ્રશ્નાર્થભરી નજર સાથે તેણે જમાદાર સામે જોયું અને જમાદાર પણ ઓછી ‘માયા’ નહોતી. તેણે કહ્યું કે, ‘સાહેબ આને હવે દવાખાને લઈ જવો પડશે. જો કસ્ટોડીયલ ટોર્ચરની ફરિયાદ કરશે તો તમે જેલભેગા થશો અને ભગવાન પણ નહીં બચાવી શકે..’

વધુ આવતા રવિવારના અંકે

અવળચંડાઈ

આગે આગે દુલ્હા... પીછે ચોરોં કી બારાત

-અવળચંડો


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર