click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Vishesh -> AVALCHANDA NI AVALCHANDAI ARTICLE 10 5TH NOVEMBER 2017
Sunday, 05-Nov-2017 - Bhuj 16395 views
ચોરીની તપાસમાં નીકળેલાં માસ્તરોના સરઘસને શ્વાનોએ વેરવિખેર કર્યું!
ચોરીની ફરિયાદ નોંધાવવા ગયેલાં હિન્દીભાષી ડૉક્ટર મિશ્રાને જોડણીદોષ બદલ ગુજરાતીના શિક્ષક દવેસાહેબે 100 ઉઠ-બેઠની સજા કરી હતી. 100 ઉઠ-બેઠ કરવાથી ડૉક્ટર મિશ્રા બેભાન થઈ ગયા હતા. ભાનમાં આવ્યા બાદ તેમની વિધિવત્ ફરિયાદ લેવાનું નક્કી થયું પરંતુ વિવિધ વિષયોના નિષ્ણાત માસ્તરો એફ.આઈ.આર.માં “ઢ” હતા. હવે શું કરવું? આખરે પુનઃ એક સમિતિની રચના કરાઈ જેમાં 3 માસ્તરો ચર્ચા-વિચારણા કરી સૂચન આપે તે સ્વિકારવું તેમ ઠરાવાયું.

આટલું જ નહીં પરંતુ તેની નોંધ સ્ટેશન ડાયરીમાં પણ કરવાની કામચલાઉ થાણા અધિકારીએ સૂચના આપી. ત્રણ સભ્યોની સમિતિએ અગાઉ લખાયેલી ચોરીની ફરિયાદોની એફ.આઈ.આર.ની શોધ આદરી તેમાંથી ઉતારો કરવાનું નક્કી કર્યું. આ તરફ, કાયમી પોલીસ કર્મચારીઓ પોલીસ થાણાને શાળા બનતી જોઈ મૂછમાં મલકવા સાથે જીવ પણ બાળતાં હતા. સમિતિના અધ્યક્ષ કંસારાસાહેબે જૂની એફ.આઈ.આર. બુક માંગતા હાજર પોલીસ જવાને રાઈટર હેડ ક્રાઈમનો સંપર્ક કરવા જણાવી દીધું. હવે રાઈટર હેડ રજા પર હતા. કબાટની ચાવી તેમની પાસે હતી. માસ્તરો મુંઝાઈ ગયાં. જો ફરિયાદ દાખલ નહીં થાય અને તે અગાઉ સર્જાયેલાં કમઠાણની વાત સરકાર સુધી જશે તો નોકરીમાંથી હાથ ધોવા પડશે તેટલી સમજણ તેમનામાં હતી. આખરે કાયમી પોલીસને રીઝવી પ્રશ્નનો હલ લાવવાનું ઠરાવાયું. સમગ્ર કાર્યવાહીનો રીપોર્ટ થાણા અધિકારીને સોંપવામાં આવ્યો.

થાણા અધિકારીએ કાયમી પોલીસના ‘અનુભવી’ જવાબદારને બોલાવી ફરિયાદ લખવા સૂચના આપી. જમાદારે તેમની નોકરી ચોકીમાં હોવાનું જણાવી બકાયદા છટકી જવાનો પેંતરો રચ્યો. વળી એવું પણ કારણ આપ્યું કે આ કામગીરી ફક્ત પી.એસ.ઓ. જ કરી શકે.

હવે શું? તેની ચર્ચા ચાલી. આખરે જમાદારે ચોરીનો મુદ્દામાલ જો જપ્ત થાય તો 30 ટકાના દરે ભાગ આપવાનું ઠેરવી ફરિયાદ લખી આપી. ફરિયાદ તો લખાઈ ગઈ. હવે તેની તપાસ કેવી રીતે કરવી? આ કંઈ પુસ્તકોમાં ભણાવાતો અભ્યાસક્રમ તો નથી કે જેમાં ગણિતના પદ ચોક્કસ હોય કે ઈતિહાસની તારીખ પણ ગોખીને જણાવી શકાય યા વિજ્ઞાનના પ્રયોગો કે ભૂમિતિના પ્રમેયની જેમ ભણાવી શકાય! અહીં તો અઠંગ ચોર-ઉચક્કાને પકડવાની વાત હતી. તેને પકડવો કેમ?

પુનઃ એકવાર ‘ફિલ્ડ જમાદાર’ની મદદ લેવાનું નક્કી થયું. તે કામ અનુભવી જમાદારને સોંપવામાં આવ્યું. જેના તેણે એક હજાર રૂપિયા અલગથી માગ્યા. ફિલ્ડ જમાદારે તપાસ કેમ થાય તેનું લેસન આપવાના પંદરસો રૂપિયા ઠેરવ્યાં! હવે વાત આવી ઈન્વેસ્ટીગેશનની. આ બાબતે સ્વાભાવિક છે કે માસ્તરો મોળાં જ પડે.

સર્વપ્રથમ ચોરી થઈ હતી તે ઘટનાસ્થળની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું. એટલે કામચલાઉ પોલીસ જવાનોએ કંઈક નવું શીખવા મળશે તેમ સમજી ‘સરઘસરૂપે સામૂહિક પ્રયાણ’ કર્યું. ચિત્ર-વિચિત્ર વેશભૂષામાં નીકળેલાં કાફલાએ કુતૂહલ તો ઉભું કર્યું સાથોસાથ આખી રાતના ઉજાગરા બાદ 11 વાગ્યે જમીને વામકુક્ષી કરતાં શેરીઓના શ્વાનોની ઊંઘમાં આ પ્રકારની પરેડથી ખલેલ પડતાં તેમણે તેમનો વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું. ડાગલા જેવા વેશમાં નીકળેલા સરઘસ સાથે યોગાનુયોગે તે સમયે ત્યાંથી પસાર થતી બેન્ડપાર્ટી પણ પોલીસ પરેડ સમજી તેમાં જોડાઈ ગઈ! એકતરફ સરઘસથી ખલેલગ્રસ્ત થયેલાં શ્વાનો બેન્ડપાર્ટીની બેસુરી ધૂનથી ઓર ભુરાટાં થયાં. શ્વાનોએ માસ્તરોના કાફલા પર સામૂહિક આક્રમણ કરી તેમના વિરોધનો સૂર વધુ જલદ બનાવ્યો. જેમ જેમ બેન્ડના સુર રેલાયાં તેમ તેમ શ્વાનોનું હાઉ-હાઉ વધતું ચાલ્યું. શ્વાનોના આક્રમણથી બચાવની મુદ્રામાં આવી ગયેલાં માસ્તરોએ હડે હડે કરતાં સલામત સ્થળો તરફ સરકવાનું શરૂ કર્યું. માસ્તરોને સરકતાં જોઈ શ્વાનોને પોતાના પર ગેરીલા હુમલો થવાની બીક પેસી હોય તેમ તે વધુ ને વધુ આક્રમક થવા માંડ્યાં. શ્વાનોની આક્રમક મુખમુદ્રાથી ડરી ગયેલાં માસ્તરોએ પછી તો મુઠ્ઠીઓ વાળીને દોટ જ મુકી. આગળ માસ્તરો..પાછળ શ્વાનો..જાહેર જનતા દિગ્મુઢ બનીને બધો તમાશો જોઈ રહી હતી. માસ્તરોને પાડી દેવાના ઝનુનમાં પાછળ પડેલાં શ્વાનો પોતાના વિસ્તાર મુકી બીજા શ્વાનોની ‘ટેરેટરી’માં ઘુસી ગયાં. પોતાના ઈલાકામાં ઘુસી આવેલાં બીજા વિસ્તારના શ્વાનોને જોઈ તે વિસ્તારના શ્વાનોની ટોળી માસ્તરો પાછળ પડેલાં શ્વાનોની પાછળ પડી! શ્વાનોના સમરાંગણમાં ભરાઈ પડેલાં 13 માસ્તરો અને 9 રાહદારીઓને શ્વાનોએ બચકાં ભર્યાં. જંગમાં જાણે પોતપોતાની જીત થઈ હોય તેમ શ્વાનો પોતપોતાના વિજયમાં ઉન્મત બની માણસોને ધકેલી દેવાની ખુશીમાં હાઉ હાઉ કરવા માંડ્યા. આ બધા વચ્ચે બેન્ડપાર્ટીના કારણે જ સઘળું કમઠાણ રચાયું હોવાનું માની લોકોનો રોષ બેન્ડપાર્ટીના સરંજામ પર ઉતર્યો. માસ્તરોના ચાળે ચડેલાં બેન્ડપાર્ટીના ઉત્સાદે કસમ ખાધા કે હવે જીવનમાં તે ક્યારેય માસ્તરોની ચાળે નહીં ચડે.

આમ, ચોરીનું ઈન્વેસ્ટીગેશન કેવી રીતે કરવું તેનું લેસન એકબાજુ રહ્યું ને માસ્તરોને પેટ પર ઈન્જેક્શનો લેવાના દહાડા આવ્યાં!

(વધુ આવતા અંકે)

અવળચંડાઈ

ચોર કરે ચોરી તો પકડા જાયે

-અવળચંડો


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર