click here to go to advertiser's link
Total Visitors : 3044840  
       
21-Jan-2018, Sunday
Home -> Vishesh -> Apathy of government healthcare in Kutch Read full report here
Tuesday, 26-Dec-2017 - Bhuj 23822 views
GKમાંથી મધરાત્રે ગરીબ પરિવારને ઠુંઠવાતો હાંકી કઢાયો!
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર દ્વારા) આરોગ્ય સેવાઓના કહેવાતાં વિકાસની ગુલબાંગો વચ્ચે કચ્છમાં આરોગ્ય સેવાની કેવી દુર્દશા છે અને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના કેવા હાલ-હવાલ થાય છે તેનો ચિતાર આપતો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક દર્દીને માત્ર એક્સ-રે માટે સરકારી એમ્બ્યુલન્સનું ડિઝલ બાળી નખત્રાણાથી ભુજ ધકેલાયો હતો. હદ તો ત્યાં થાય છે કે, ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલે એક્સ-રે પાડી બધું નોર્મલ હોવાનું જણાવી મધરાત્રે 1 વાગ્યે દર્દીને રજા આપી હાંકી કાઢ્યો હતો.

હોસ્પિટલના અમાનવીય વર્તનથી ડઘાઈ ગયેલો ગરીબ પરિવાર મધરાત્રે નછૂટકે ઠંડીમાં ઠુંઠવાતો પગપાળા ચાલ્યો ગયો હતો.

એક્સ-રેના બહાને દર્દીને અડધી રાતે ભુજ ધકેલ્યો, ગેરકાયદે 250 રૂપિયા પડાવ્યાં

નખત્રાણાના નાના કાદિયા ગામે રહેતો 33 વર્ષિય રમેશ પુંજા દાફડા પાન-બીડીની કેબિન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત સાંજે રમેશ પાસે ગામમાં રહેતો પીયૂષ ગોહિલ નામનો યુવક કેટલીક ચીજવસ્તુ ઉધાર માગવા આવતાં રમેશે ના પાડી હતી. જેથી પીયૂષે ઉશ્કેરાઈને રમેશને ગળામાં લાકડું માર્યું હતું. લાકડાથી ઘાયલ રમેશને તેની પત્ની લક્ષ્મીબેન નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગઈ હતી. ઈજાથી કણસતાં ગરીબ રમેશની નખત્રાણા સીએચસીના સ્ટાફે કશી સારવાર કરી નહોતી. ઝાલા નામના ફરજ પરના જવાબદાર વ્યક્તિએ રમેશની ઉપરછલ્લી પ્રાથમિક તપાસ કરી તેને સરકારી એમ્બ્યુલન્સમાં ભુજ મોકલી આપ્યો હતો. દુઃખ તો એ છે કે, ગરીબ રમેશ પાસે એમ્બ્યુલન્સના સ્ટાફે ભાડાપેટે 240 રૂપિયા પડાવી લીધાં હતા.

કરગરવા છતાં GKમાંથી મધરાત્રે પરિવારને હાંકી કઢાયો

પત્ની અને દસ-અગિયાર વર્ષના પુત્ર-પુત્રી સાથે મધરાત્રે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાયેલાં રમેશની દુર્દશાનો અહીં પણ અંત આવ્યો નહોતો. ઈમરજન્સીમાં તૈનાત સ્ટાફે રમેશનો એક્સ-રે પાડી બધું બરાબર છે તેમ કહી એક કલાકની તપાસ બાદ મધરાત્રે 1 વાગ્યે તેને રજા આપી દીધી હતી. રમેશે કહ્યું કે સાહેબ હજુ ઠીક નથી લાગતું તો ફરજ પરના સ્ટાફે હોસ્પિટલમાં રોકાવું હોય તો 2200 રૂપિયા ભરવા પડશે તેવો જવાબ આપતાં તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. કચ્છખબર સાથે વાત કરતાં રમેશે જણાવ્યું કે, “સાહેબ હું હોસ્પિટલમાં કરગરતો રહ્યો કે તમે મને રજા આપી છે પણ હું અડધી રાતે જઈશ કેવી રીતે? મને ખૂબ પીડા થાય છે. મને અને મારા બાળકો-પત્નીને આજની રાત અહીં રહેવા દો. પણ ડૉક્ટરોએ તમારા બધા રીપોર્ટ નોર્મલ છે તેમ કહી મને ધરાર રજા આપી દીધી હતી. મારી પાસે ખિસ્સામાં નાણાં નહોતા. હોસ્પિટલમાં રોકાવું હોય તો 2200 રૂપિયા ભરવા પડશે તે વાતથી ગભરાઈ જઈને છેવટે હું અડધી રાત્રે પરિવાર સાથે ઠંડીમાં ઠુંઠવાતો ચાલતો ચાલતો નીકળી ગયો હતો.

ચોપડા પર હોસ્પિટલની વિરોધાભાસી નોંધ જ સત્ય પૂરવાર કરે છે

એક તરફ, તબીબોએ રમેશનો એક્સ-રે નોર્મલ હોઈ તેને રજા આપી દીધી હોવાની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીના ચોપડે નોંધ પડાવી છે. બીજી તરફ, પોતાનું ગુનાઈત કૃત્ય છૂપાવવા “દર્દી તબીબી સલાહ વિના હોસ્પિટલમાંથી ચાલ્યો ગયો હોવાની (Discharge Against Medical Advice)” નોંધ પડાવી છે. એક તરફ, રજા આપી દીધી હોવાનું જણાવાય છે ને બીજી તરફ DAMAની નોંધ પણ કરાવાય છે! જો કે, આ વિરોધાભાસી નોંધ જ તબીબોના જૂઠને સ્પષ્ટ કરી દે છે. હોસ્પિટલની ચોકીએ દર્દીની પત્નીએ નોંધાવેલું નિવેદન પણ જી.કે.ના તબીબોની પોલ ઉઘાડી પાડે છે.

ગરીબ દર્દીઓની કોને પડી છે અહીં?

જે હોસ્પિટલમાં ગરીબોને વિનામૂલ્યે સારવાર મેળવવાનો હક્ક છે તે હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને કાયમ ટેકન ફૉર ગ્રાન્ટેડ ગણવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણીવાર લાવારીસ દર્દીઓની લાશને હોસ્પિટલના ગેટ બહાર પ્રાંગણમાં ફેંકી દેવાય છે. તો, એકલાં અટૂલાં દર્દીઓ જાણે બોજો હોય તેમ કોઈ ધ્યાન આપતું નથી. રમેશ સાથે થયેલો અનુભવ ગુજરાત સરકારનાં આભાસી વિકાસની પોલ ખોલી દે છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સા બનેલાં છે અને હજુય આવું નહીં બને તેવી કોઈ ખાત્રી નથી. સંવેદનાના બદલે માત્ર રૂલબૂક જોઈને જ કામ કરતાં સનદી અધિકારીઓ સરકારની ગુડ બૂકમાં રહી પ્રમોશન માટે કામ કરતાં હોય તેવો તાલ છે. સરકારને તો ચૂંટાવા માટે માત્ર મતની પડી છે. બાકી Who Cares?


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ