click here to go to advertiser's link
Total Visitors : 3931374  
       
24-Mar-2018, Saturday
Home -> Vishesh -> A tragic love triangle ends with the life of man
Monday, 26-Feb-2018 - Bhuj 24527 views
દોસ્ત દોસ્ત ના રહા...પ્યાર..પ્યાર ના રહા...જિંદગી હમે તેરા એતબાર ના રહા!!

કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર દ્વારા) ‘દોસ્ત દોસ્ત ના રહા...પ્યાર..પ્યાર ના રહા...જિંદગી હમે તેરા એતબાર ના રહા..’.હિંદી ફિલ્મ ‘સંગમ’માં મુકેશના કંઠે ગવાયેલું આ ગીત માધાપરના એક યુવકની જિંદગી માટે સંપુર્ણ સાર્થક બન્યું છે. કરૂણતા એ છે કે જિંદગી પરથી વિશ્વાસ ગુમાવી દેનારાં યુવકે અંતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 25મીની મધરાત્રે માધાપર જૂનાવાસમાં આવેલા શિવનગરમાં રહેતા વિપુલ જીવણદાસ ગોંડલીયા નામના યુવકે તેના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ મરનાર વિપુલની માતાએ પુત્રના આપઘાત માટે ભુજની લોટસ કોલોનીમાં રહેતાં વિશાલ વાલ્મિકી, તેની પત્ની પ્રિયા ઊર્ફે પ્રિયંકા, વિશાલના પિતા, દાદા અને કાકા સહિત 5 આરોપીઓને જવાબદાર ઠેરવી ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં જે કહાની બહાર આવી છે તે જાણીને ખુદ પોલીસ પણ વિચારતી થઈ ગઈ છે.

અર્ધાંગિની અને મિત્રએ જ વિપુલની પીઠ પાછળ પ્રણયફાગ ખેલ્યાં

મરનાર વિપુલ ગોંડલીયાએ 2016માં મૂળ બંગાળની વતની એવી પ્રિયા સાથે લગ્ન કર્યાં હતા. વિપુલ સ્કુલના છાત્રો માટે છકડો રીક્ષા ચલાવે હતો. વિપુલને ભુજમાં રહેતાં વિશાલ સાથે ગાઢ મૈત્રી હતી. વિશાલ વિપુલના ઘેર અવારનવાર આવતો-જતો રહેતો હતો. આ દરમિયાન વિશાલની આંખો વિપુલની પત્ની પ્રિયા સાથે મળી ગઈ હતી. બંને એકમેકને ગળાડૂબ પ્રેમમાં પડી ગયાં હતા. એક દિવસ આ વાત જાણીને વિપુલને ભાઈ કરતાં વધુ માનેલાં મિત્ર અને પોતાની અર્ધાંગિની પ્રિયાએ પોતાની પીઠમાં છરી ભોંકી દીધી હોય તેવો વજ્રાઘાત થયો હતો. પત્ની અને મિત્રએ પોતાની પીઠ પાછળ પ્રણયફાગ ખેલ્યાં હોવાનું જાણી હચમચી ઉઠેલાં વિપુલે જો કે થોડાંક દિવસોમાં વાસ્તવિક્તાનો સ્વિકાર કરી સ્વસ્થતા હાંસલ કરી દીધી હતી.

બંનેની ખુશી ખાતર વિપુલે હસતે મોંઢે પત્નીને છૂટાછેડા આપી દીધાં

વિપુલને તેની પીઠ પાછળ ખેલાઈ રહેલાં પ્રણયફાગની ખબર પડી ગયાં બાદ પ્રિયા અને વિશાલને જાણે છૂટ્ટો દોર મળી ગયો હતો. દરમિયાન, પ્રિયાએ વિપુલ સાથેના સંબંધોનો ભાર નાહક વેંઢારવાના બદલે તેની સમક્ષ છૂટાછેડાનો પ્રસ્તાવ મુક્યો હતો. છૂટાછેડા બાદ અપરિણીત વિશાલ અને પ્રિયાએ એકમેક સાથે લગ્ન કરી લેવાનું આયોજન કર્યું હતું. દુનિયાદારીને સારી રીતે સમજી ગયેલાં વિપુલે પણ 'મરી' ગયેલાં સંબંધોનો ભાર નાહક વેંઢારવાના બદલે બંનેનું હિત જોઈ દોઢેક મહિના પૂર્વે રાજીખુશીથી પ્રિયાને છૂટાછેડા આપી દીધા હતા.

પ્રિયા અને વિશાલના લગ્ન બાદ કહાનીમાં આવ્યો નવો વળાંક

વિપુલ સાથે છૂટાછેડા લીધા બાદ પ્રિયા અને વિશાલે લગ્ન કરી લીધાં હતા. પણ, અહીં જ નવો વળાંક આવ્યો. વિશાલ પ્રિયાને લઈ ઘરે પહોંચ્યો પણ તેના પિતા-દાદા અને કાકા સહિતના પરિવારજનોને પ્રિયા સાથેનો સંબંધ નામંજૂર હતો. તેમણે વિશાલને સ્પષ્ટ કહી દીધું કે છૂટાછેડા લેનારી યુવતી સાથે તારા લગ્ન અમને મંજૂર નથી અને આ યુવતી એક સેકન્ડ પણ આ ઘરમાં ના જોઈએ.

પ્રિયા માટે જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિ સર્જાઈ

વિશાલના પરિવારજનોએ બંનેના લગ્ન સામે વાંધો ઉઠાવતાં પ્રિયા માટે જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું. કારણ કે અગાઉથી જ પિયરીયા સાથેના તમામ વહેવારો તોડી નાખનારી પ્રિયા માટે હવે કોના ઘરે જવું તે સૌથી મોટો સવાલ સર્જાયો હતો. બીજી તરફ, વિશાલના પરિવારજનો પણ બનતી ઝડપે પ્રિયાથી છૂટકારો મેળવવા અધીરા થયાં હતા.

વિપુલને દબાણ કરાયું કે પ્રિયાને ફરી ઘરમાં બેસાડે

વિપુલની માતા કૌશલ્યાબેને પોલીસને જણાવ્યું કે, ''સાહેબ મારો દીકરો તો છૂટાછેડા આપી દગાબાજ પત્ની અને મિત્રથી સાચા અર્થમાં છૂટી ગયો હતો. પરંતુ, વિશાલના પરિવારજનોને પ્રિયા સાથેનો લગ્નસંબંધ મંજૂર ના હોઈ તેમણે વિપુલ પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું કે તે તેને ફરી પત્ની તરીકે અપનાવી ઘરમાં પાછી લઈ આવે.'' દગાબાજોથી છૂટેલો વિપુલ કોઈ કાળે પ્રિયાને પાછી સ્વિકારવા તૈયાર નહોતો. જેથી વિશાલના પરિવારજનોએ તેની સાથે ધાકધમકી શરૂ કરી હતી. ઘટનાની તપાસ કરી રહેલાં ભુજ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ કે.એમ.અગ્રાવતે કચ્છખબરને જણાવ્યું કે, પ્રિયાને વિપુલ ફરી સ્વિકારી લે તે માટે વિશાલના પરિવારજનોએ થોડાંક દિવસ પહેલાં તેને માર પણ માર્યો હતો.

ને વિપુલે દગાબાજ પત્નીને સ્વિકારવાના બદલે ફાની દુનિયા જ છોડી દીધી

પીએસઆઈ અગ્રાવતે જણાવ્યું કે, આરોપીઓએ વિપુલ પર તમામ પ્રકારે દબાણ સર્જતાં વિપુલ ભીંસમાં મુકાઈ ગયો હતો. જો કે, તે કોઈ કાળે દગાબાજ પત્નીને ફરી ઘરમાં ઘાલવા તૈયાર નહોતો. છેવટે તેણે મોતને મીઠું કરવાનું વધુ પસંદ કર્યું. આ કેસમાં પોલીસે વિશાલ, પ્રિયા, વિશાલના પિતા, દાદા અને કાકા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.


Recent News  
‘બેંકો એવોર્ડ’ મેળવનાર BMCB એવોર્ડ પછવાડેની હકીકતો છૂપાવે છે!
 
વાંકાનેરમાં સસ્તા દારૂનું ઊંચી બ્રાન્ડનેમથી વેચાણનું કૌભાંડ, 3 કચ્છી ઝડપાયાં
 
‘કચ્છ એક્સપ્રેસ’માં મહિલા બૂટલેગરના લીધે હંગામો, 125 પ્રવાસી લટકેલાં!