click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Kutch -> Bhachau police files FIR against tractor driver in Shikara accident
Sunday, 15-Apr-2018 - Bhachau 104403 views
શિકરા શોકમયઃ આવતીકાલે મૃતકોની અંતિમવિધિઃ બચી ગયેલાં ટ્રેક્ટરચાલક સામે FIR

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભચાઉ તાલુકાના શિકરા ગામે આજે સવારે ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં પટેલ પરિવારના એકસાથે દસ લોકોનાં મોતથી વાગડ અને મુંબઈમાં ભારે હાહાકાર મચી ગયો છે. બનાવ અંગે ભચાઉ પોલીસ મથકે ટ્રેક્ટર નંબર GJ 1212 CPના ડ્રાઈવર ભીમજી નાનજી અનાવાડીયા વિરૂધ્ધ તેના સંબંધી જીવરાજ ખેતાભાઈ અનાવાડીયા(રહે. ખારઘર, મુંબઈ, ધંધો-ફૂટવેર)ની ફરિયાદ લઈ પોલીસે IPC  304 A, 279, 337, 338, 177 અને 184 હેઠળ ગુનો નોંધ્યો છે. યુરો કંપનીના ગેટ સામે આજે સવારે પોણા દસ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી.

દુર્ઘટનાગ્રસ્ત ટ્રેક્ટરનો ચાલક બચી ગયો, આ રીતે સર્જાયો હતો અકસ્માત

મુંબઈમાં ફૂટવેરનો વેપાર કરતાં જીવરાજભાઈ અનાવાડીયાએ ભચાઉ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ''મારા મોટા બાપા નાનજી સવજી અનાવાડીયાની દીકરી અવલબેનને વીજપાસર પરણાવેલ હોય તેમના ઘરે લગ્નપ્રસંગ હોઈ ગઈકાલે હું સપરિવાર મુંબઈથી શિકરા આવ્યો હતો. હું અલગ વાહનમાં નીકળ્યો હતો. મારા મોટા બાપા નાનજીભાઈ અને પરિવારજનો આજે ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને વીજપાસર જઈ રહ્યાં હતા. ટ્રેક્ટર મારો કૌટુંબિક ભાઈ ભીમજી ચલાવતો હતો. યુરો કંપની નજીક તે રોંગસાઈડમાં ટ્રેક્ટર ચલાવતો હતો ત્યારે દુધઈ તરફ જતી લક્ઝરી બસ (નંબર GJ18 P 8357) સાથે એક્સીડેન્ટ થતાં આ જીવલેણ દુર્ઘટના ઘટી હતી. જેમાં મારા કુટુંબી ભાભી પમીબેન, કંકુબેન, જીજ્ઞાબેન, માયાબેન, રમાબેન, કૌટુંબિક વહુ દયાબેન, ભત્રીજી નીશા, પૌત્ર વિશાલ, ભત્રીજો કિશોર અને મોટા બાપા નાનજીભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. ટ્રેક્ટરમાં અંદાજે 25થી 30 લોકો બેઠાં હતા અને અકસ્માતમાં લક્ઝરી બસમાં બેઠેલાં લોકો પણ ઘવાયાં હતા.''

દુર્ઘટનામાં અઢારેક લોકો ઘાયલ, કેટલાંક રાજકોટ-ગાંધીધામ ખસેડાયાં

ભચાઉના મહિલા પીએસઆઈ આર.જે.સિસોદીયાએ કચ્છખબરને જણાવ્યું કે, એક તરફનો જર્જરીત રોડ અને બીજી તરફ સારો પેચ જોઈ ભીમજી ટ્રેક્ટરને રોંગસાઈડમાં પૂરઝડપે વાહન હંકારતો હતો અને સામેથી લક્ઝરી બસ પણ પૂરપાટ વેગે આવી રહી હતી. બંને વાહનો વચ્ચે જબરજસ્ત ટક્કર બાદ ટ્રોલીની એક સાઈડનું ફાલકું ખુલી જતાં મોટાભાગનાં મૃતકો નીચે પડ્યાં હતા. કેટલાંકના હાથ-પગ સહિતના અંગો લક્ઝરી બસના ધારદાર પતરાંથી ચીરાઈ ગયાં હતા. દુર્ઘટનામાં લક્ઝરી બસમાં બેઠેલાં ડ્રાઈવર સહિતના લોકો પણ ઘવાયાં છે. લક્ઝરી બસમાં બેઠેલાં લોકો પણ સગાઈ પ્રસંગે જતા હતા. અકસ્માત બાદ કેટલાંકને ભચાઉમાં વાગડ વેલફેર હોસ્પિટલ ખાતે તો કેટલાંકને રાજકોટ અને ગાંધીધામની હોસ્પિટલમાં ખસેડાયાં હોઈ પોલીસ પાસે પણ ઘાયલોનો ચોક્ક્સ આંકડો નથી. સિસોદીયાએ જણાવ્યું કે, અંદાજે અઢારેક લોકો ઘવાયાં હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં સાત-આઠ વર્ષથી આ પટ્ટામાં ભુજ-દુધઈ-ભચાઉ હાઈવેનું કામ ચાલી રહ્યું છે જે હજુ પૂરું થયું નથી.

મૃતકોની આવતીકાલે અંતિમવિધિ, શિકરા શોકમય

મૃતકો પૈકી કેટલાંક મુંબઈના છે તો કેટલાંકના સ્વજનો મુંબઈ વસવાટ કરે છે. મુંબઈથી સ્વજનો ભચાઉ આવવા રવાના થઈ ગયાં છે. કેટલાંક આજે રાત્રિની ટ્રેનમાં નીકળવાના છે. તેથી તમામની અંતિમવિધિ આવતીકાલે રાખવામાં આવી છે. ગંભીર દુર્ઘટના સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોને આર્થિક સહાય જાહેર કરાય તેવી શક્યતા છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન