click here to go to advertiser's link
Total Visitors : 3044824  
       
21-Jan-2018, Sunday
Home -> Bhuj -> Read full report on meeting of general board Kutch Jilla Panchayat
Wednesday, 10-Jan-2018 - Bhuj 8544 views
જિ.પં.ની સામાન્ય સભામાં સિંચાઈ-બાંધકામના પ્રશ્નો પર તડાપીટ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વિધાનસભા ચૂંટણીઓની પૂર્ણાહૂતિ અને નવી સરકારની રચના બાદ આજે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં રાપર, અબડાસા અને ગાંધીધામના નવનિર્વાચિત ધારાસભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્રગાન સાથે સામાન્ય સભાનો પ્રારંભ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ગત સામાન્ય સભાના ઠરાવોને બહાલી આપી તુરંત એક કલાકનો સમય પ્રશ્નોત્તરી માટે ફાળવ્યો હતો. સામાન્ય સભામાં 17 સભ્યોએ રેકર્ડબ્રેક ગણી શકાય તેટલા 129 પ્રશ્નો રજૂ કર્યાં હતા.

જો કે, એક કલાકની સમયમર્યાદા હોઈ ડ્રો સિસ્ટમથી જેની ચિઠ્ઠી ઉપડે તેની પ્રશ્નોત્તરી થઈ હતી. પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના સભ્યોએ લેબ ટેકનિશીયન, પીએચસીના ડૉક્ટરો અને શિક્ષકો વગેરેની ઘટ-ભરતી, ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓના સ્થાને નવી આંગણવાડીઓના નિર્માણ, પંચાયત ઘરોના નિર્માણ, ભુજમાં ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગયેલાં પંચાયતના રેસ્ટ હાઉસના નિર્માણ, એનએના શરતભંગના કિસ્સામાં થતી કાર્યવાહી વગેરે પ્રશ્નો પૂછાયાં હતા.

સિંચાઈ-બાંધકામને લગતાં પ્રશ્નોની તડાપીટ

સામાન્ય સભામાં વિપક્ષી નેતા વી.કે. હુંબલે રોડ રસ્તાના કામોમાં ડામર ભરેલાં વાહનોના દરરોજ કેટલાં ફેરાં થાય છે તેની તુરંત જાણકારી મળે તેવું આયોજન કરવા સૂચન કરી જણાવ્યું હતું કે ઘણીવાર દિવસના અંતે ચોપડા પર ફેરાનું સેટીંગ થઈ જતું હોય છે. જે સંદર્ભે ડીડીઓએ બાંધકામ શાખાના અધિકારીને ડામરના વાહનોના ફેરાની તત્કાળ અને ઓનલાઈન માહિતી મળે તે માટે ખાસ વેબસાઈટ કે મોબાઈલ એપ બનાવવા સૂચના આપી હતી. હુંબલે જે સ્થળે વિકાસકાર્યો હાથ ધરાતાં હોય તે સ્થળે ટેન્ડરની ટૂંકી વિગતો, સમયમર્યાદા, વગેરે માહિતી દર્શાવતાં પાટીયા લગાડવા ગત સામાન્ય સભામાં કરેલાં સૂચનને દોહરાવતાં જિલ્લા પંચાયત અધ્યક્ષાએ તેના તત્કાલ અમલીકરણ અંગે તત્પરતા દર્શાવી હતી.

ડેમ-તળાવ રીપેરીંગ મુદ્દે અણિયાળા પ્રશ્નો, અધિકારીઓ થોથવાયાં

કોંગ્રેસના કિશોરસિંહ જાડેજાએ અબડાસાના સુથરીમાં કલાકોટ ડેમના રીપેરીંગનું કામ મંજૂર થયું, નાણાં મંજૂર થયા, હવે સમયમર્યાદા પૂર્ણ થવા આવી છે પરંતુ હજુ સુધી રીપેરીંગનો પ્રારંભ ના થયો હોવાનું જણાવી કહ્યું હતુ કે રીપેરીંગ ના થતાં ગત ચોમાસે તળાવનું મહામૂલું પાણી વેડફાઈ ગયું હતું. સિંચાઈ અધિકારીએ રીપેરીંગ કામ સમયસર શરૂ ના થઈ શક્યું હોવાનો સ્વિકાર કરી ડેમની રી-ડિઝાઈન કરવાની જરૂર હોવાનો લૂલો બચાવ કર્યો હતો. જો કે, રી-ડિઝાઈન કરવાની હોય તો રીપેરીંગ માટે વર્ક ઓર્ડર કેમ જારી કરી દેવાયા હતા તેવું પૂછાતાં અધિકારી થોથવાઈ ગયાં હતા. એ જ રીતે, કોંગ્રેસના સદસ્ય હરી પાંચા ગાગલે સુમરાસર શેખના બે તળાવના રીપેરીંગ માટે બે વર્ષ પહેલાં અરજી કરી હોવા છતાં 20-20 માસ સુધી કશી દરખાસ્ત ના થઈ હોવાની ફરિયાદ કરી હતી. દરખાસ્ત ના થઈ હોવા છતાં અન્ય પ્રશ્નના જવાબમાં અધિકારીએ રીપેરીંગ માટે દરખાસ્ત થઈ હોવાનો લેખિત પ્રત્યુત્તર પાઠવ્યો હોવાની વિસંગતતા સામે અંગુલિનિર્દેશ કરતાં શાસકો અને શાખાધ્યક્ષે ગોળ-ગોળ જવાબો આપી તેનું નિરાકરણ લાવી દેવાનું આશ્વાસન આપ્યું હતું.

રોડ બન્યો ના હોવાં છતાં ચોપડે રોડ બનાવી દીધો

સામાન્ય સભામાં સિંચાઈ અને બાંધકામ શાખાને લગતાં પ્રશ્નોની ચર્ચા દરમિયાન કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં નારણપર-મિંયાણી રોડનું કામ શરૂ થયું જ નથી તેમ છતાં ચોપડા પર અધિકારીઓએ તે રોડનું કામ પૂરું થઈ ગયું હોવાનું જણાવ્યું છે. વી.કે. હુંબલે એક જ સરખા કામોમાં ઘણીવાર ભાવ ટૂ ભાવ ટેન્ડર ફાળવાતાં હોય અને ઘણીવાર કોન્ટ્રાક્ટરને ના પોષાય તે હદે નીચા ભાવથી ટેન્ડર ફાળવાતાં હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. જો કે, જિલ્લા પંચાયત પ્રમુખે ટેન્ડર ફાળવણીની પ્રક્રિયા ઉપરથી થતી હોવાનો બચાવ કરી નિયમો મુજબ વધુ પડતા નીચા ભાવ હોય તો ટેન્ડર રદ્દ થતાં હોવાનો ખુલાસો કર્યો હતો. કોંગ્રેસના સભ્ય સૈયદ તકીશાએ લખપત-અબડાસામાં એપીએમસીના અભાવે ખેડૂતોની મગફળીનું ટેકાના ભાવે વેચાણ ના થતું હોવાનું જણાવી વેચાણ કેન્દ્ર શરૂ કરાવવા રજૂઆત કરી હતી. તો સાથોસાથ તેમણે સુડધ્રો ડેમનું પાણી ખારો પાટમાં આપી ઘઉં અને ઈસબગુલના ઉભા મોલને સૂકાતો બચાવવા માંગણી કરી હતી. જવાબમાં ડીડીઓએ વેચાણ કેન્દ્ર શરૂ કરવા નાફેડને પત્ર પાઠવ્યો હોવાનું જણાવ્યું હતું. તો, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેને સુડધ્રો ડેમનું પાણી ખારો પાટને કઈ રીતે આપી શકાય તે માટે ટેકનિકલ ટીમ મોકલી તમામ શક્યતા ચકાસવાની ખાત્રી આપી હતી.

પ્રશ્નો કોઈ સાંભળતું ના હોવાનું કહી ચોબારીના સભ્યની રાજીનામાની ચીમકી

પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણતા ભણી જઈ રહી હતી તે સમયે એકાએક ચોબારીના સદસ્ય શામજી ઢીલાએ અમારા પ્રશ્નો કોઈ સાંભળતું જ નથી તેમ ઉગ્રતાથી બોલી સિંચાઈ-પુલના લટકેલાં પ્રશ્નો સંદર્ભે નારાજગી વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખે તમે ક્યાં કોઈ પ્રશ્ન મુક્યો જ છે તેમ કહી તેમને પ્રત્યુત્તર આપવા પ્રયાસ કરતાં તેમની નારાજગી ઓર ભડકી ઉઠી હતી. મારી વાત સાંભળવી જ ના હોય તો હું રાજીનામું ધરી દેવા તત્પર છું તેમ કહેતાં બે મિનિટ માટે સભાખંડમાં સૌના કાન કરવા સરવા થઈ ગયાં હતા. જો કે, બાદમાં કોંગ્રેસના કિશોરસિંહ અને સૈયદ તકીશાએ તેમની નજીક જઈને તેમને શાંત પાડ્યા હતા. જો કે, સભાખંડમાં જોરશોરથી તેમની દલીલબાજી ચાલુ રહેતાં છેવટે ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખે તેમની વાતોને અવગણીને સામાન્ય સભાના અન્ય એજન્ડાનું વાંચન શરૂ કરી દીધું હતું.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ